ફુગાવો વધશે તો વ્યાજદર યથાવત્ જાળવી રખાશે


નવી દિલ્હી, તા. 17 : આગામી મહિનાઓમાં છૂટક ફુગાવો વધવાની અને 2018-'19ના વર્ષમાં તે સરેરાશ 4.7 ટકાના સ્તરે રહેવાની શક્યતા હોવાથી નવા નાણાકીય વર્ષ દરમિયાન રિઝર્વ બૅન્કના ચાવીરૂપ વ્યાજદરો યથાવત્ રાખવાની ફરજ પડશે એમ બ્રોકરેજિસ કંપનીઓના અહેવાલમાં જણાવાયું છે.
જેમાં સ્વિસ બ્રોકરેજ કંપની યુબીએસ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં છૂટક ફુગાવો 2017-'18ના 3.6 ટકાની તુલનાએ 2018-19'માં સરેરાશ 4.7 ટકાની આસપાસ રહેશે. જાપાનીઝ કંપની નોમુરાના જણાવ્યા મુજબ રિઝર્વ બૅન્કનો વ્યાજદર નિર્ધારિત કરતી પેનલ માટે આ એક પડકારજનક સમય છે. ટેકાના વધતા ભાવ અને બીજા ત્રિમાસિક ગાળાથી ફુગાવામાં વધારાનું વલણ શરૂ થયા બાદ રિઝર્વ બૅન્ક વધુ સાવચેતી અપનાવશે તો અગ્રણી સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા મુજબ આગામી છ માસમાં મધ્યસ્થ બૅન્ક વ્યાજદરમાં કોઈ ઘટાડો કરે એવી શક્યતા નહિવત્ છે જ્યારે સિંગાપોરની ડીબીએસ બૅન્કના મતે 2018માં રિઝર્વ બૅન્ક ચાવીરૂપ વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં કરે.
સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ અૉફિસ (સીએસઓ)ના આંકડા અનુસાર ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો સસ્તા ખાદ્યપદાર્થો તથા ઇંધણની નીચી કિંમતને કારણે ફેબ્રુઆરીમાં 4.44 ટકાના ચાર મહિનાના તળિયે સ્પર્શ્યો હતો. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો 5.70 ટકા તથા ફેબ્રુઆરીમાં 3.65 ટકાએ રહેવા પામ્યો હતો. હવે રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી કમિટીની આગામી બેઠકમાં આ મુદ્દો હાથ ધરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer