`કર્મયાત્રી'' : આનંદીબેનની ખરેડની ખેડૂત પુત્રીથી લઇ મુખ્ય પ્રધાનપદ સુધીની સફરને મળ્યો શબ્દદેહ

 
પૂ.ભાઇશ્રી, રાજ્યપાલ કોહલી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન રૂપાણીની ઉપસ્થિતિમાં વિમોચન
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17: મહેસાણાના ખરેડ ગામથી લઇને ગુજરાતના મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચેલા અને હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ  તરીકે સેવા આપનારા આનંદીબેન પટેલની સફરને કર્મયાત્રી સચિત્ર પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરતા, શનિવારે તેનું અમદાવાદ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી તથા જાણીતા કથાકાર રમેશ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેનનું શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્હાસ લાસકર અને તેમના પુત્ર અમયે આ પુસ્તક લખ્યું છે.
આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દરેક ખૂણાથી બેનથી પરિચિત છે. મહેસૂલ પ્રધાન તરીકે બેને ખૂબ સરસ કામ કર્યુ. બેનના નિર્ણયની દુરોગામી અસર જોવા મળી છે. એક સામાન્ય શિક્ષકમાંથી મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચનારા આનંદીબેનથી ઘણી વિદ્યાર્થિનીઓને અભ્યાસ કરવાની પ્રેરણા મળી છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં પોતાના બાલ્યકાળથી રાજકીય સફર સુધીના પથમાં મા-બાપ, મોટાબેન અને શિક્ષકોના માગદર્શનને યાદ કરતાં કહ્યું કે, સમાજની બદીઓ દૂર કરવી અઘરું છે, સતત સંઘર્ષ કરવો પડે, તમારે પોતે દૃષ્ટાંત બનવું પડે, તમે કર્યુ હોય તો જ લોકો માને છે અન્યથા તમારી વાતનું સમાજમાં વજન પડતું નથી. જાહેર જીવનમાં આચરણના માધ્યમથી જ દાખલો બેસે છે. 
 આનંદીબેને તેમની રાજકીય શરૂઆતને યાદ કરતા કહ્યું હતું કે, ઇન્કમટેક્સના ઝાડ પાસે નરેન્દ્રભાઇએ તેમને પાર્ટીમાં જોડયા હતા. અમે શાળામાંથી નર્મદાના પ્રવાસે ગયા હતા જ્યાં બે દીકરીઓને ડુબતી બચાવી હતી, તેના સમાચાર છાપામાં છપાયા હતા, તે વાંચીને નરેન્દ્રભાઇ મને મળવા આવ્યા હતા અને મને ભાજપમાં જોડાવવા માટે કહ્યું હતું.  મને રાજકારણમાં નરેન્દ્રભાઇ મોદી લાવ્યા હતા. ભાજપને મજબૂત બનાવવા માટે, સંગઠન માટે મેં ટ્રેન, બસમાં ખૂબ પ્રવાસ કર્યો હતો. અમે ભાજપમાં હતા ત્યારે નરેન્દ્રભાઇ અમારી જીપના ડ્રાઇવર રહેતા, મારી રાજકીય કારકીર્દીમાં નરેન્દ્રભાઇ માર્ગદર્શક રહ્યા છે. 
આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું કે, ખેડૂતની દીકરીથી લઇને મધ્યપ્રદેશના રાજ્યપાલ સુધીની આનંદીબેન પટેલની સફર એ આરોહણની યાત્રા સમાન છે. આ પુસ્તકમાં આનંદીબેનના જીવનની કર્મઠતા, અડગ, કૃનિશ્ચયતાની ઝાંખી થાય છે.  તેમના જીવન-કવનને દર્શાવતું આ પુસ્તકમાં વર્ણવેલા પ્રસંગો જીવનમાં ઉતારવા જેવા અને સાર્વજનિક જીવનમાં અમલમાં મૂકવા જેવા છે. 
મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આનંદીબેનનું આ પુસ્તક આવનારી પેઢી માટે માર્ગદર્શક સમાન બની રહેશે. પાર્ટીએ આનંદીબેનને જે પણ જવાબદારી સોંપી છે તે તેમણે નિષ્ઠાપૂર્વક સંભાળી છે. 
આ અવસરે જાણીતા કથાકાર પૂજ્ય રમેશભાઇ ઓઝાએ આશીર્વચન પાઠવ્યા હતા. જાણીતા કટારલેખક જય વસાવડાએ પુસ્તકનો પરિચય કરાવ્યો હતો. પુસ્તકના પ્રકાશક ઉલ્હાસભાઇ લાટકરે પુસ્તક પ્રકાશનની ભૂમિકા આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer