ભારત-ફ્રાન્સ વચ્ચે અણુઊર્જા સહિત 14 કરાર

ભારત-ફ્રાન્સ વચ્ચે અણુઊર્જા સહિત 14 કરાર
નવી દિલ્હી, તા. 10 (પીટીઆઈ) : વ્યૂહાત્મક સંબંધોને મહત્ત્વપૂર્ણ રીતે વિસ્તારીને આજે ભારત અને ફ્રાન્સે સંરક્ષણ, સુરક્ષા, અણુઊર્જા અને ગુપ્ત માહિતીના રક્ષણને લગતાં મહત્ત્વનાં 14 ક્ષેત્રોમાં કરાર પર હસ્તાક્ષર કરવા ઉપરાંત ભારત-પ્રશાંત પ્રદેશમાં સહકાર વધારવા તથા આતંકવાદને નાથવા માટે સંયુક્ત પ્રયાસને વેગિલા બનાવવાનો નિર્ધાર કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો વચ્ચે વ્યાપક વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરાયા હતા જેમાં હિન્દ મહાસાગર અને પ્રશાંતમાં બદલાતી સુરક્ષાની પરિસ્થિતિ વિશેના કરારનો સમાવેશ થાય છે.
ચીન પ્રત્યે દેખીતો ઉલ્લેખ કરીને મેક્રોએ દોહરાવ્યું હતું કે, દરિયાઈ માર્ગો વર્ચસ્વશાળી સત્તા બનવા માટેના સ્થળ બની નહીં શકે. હસ્તાક્ષર કરાયેલા કરારોમાં ગુપ્ત માહિતીના રક્ષણને લગતો કરાર પણ છે જે અબજો ડૉલરના ભારત-ફ્રાન્સ વચ્ચે રફાલ ફાઈટર જેટ વિમાન સોદાની વિગતો જાહેર કરવાનું ભારતે નકાર્યા બાદ કરાયો છે.
હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી મુલાકાત બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે  સંરક્ષણ, સોલાર એનર્જી, ટેક્નોલોજી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી સહિતના મુદ્દે સહયોગ સાધવા મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી. મોદીએ કહ્યું હતું કે,અમે બન્ને ફક્ત લોકશાહી દેશના બે નેતા નથી પણ બે સમર્થ અને સમૃદ્ધ વારસાના ઉત્તરાધિકારી પણ છીએ.  
ઈમેન્યુલ મેક્રોએ સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ મુદ્દે સહકારનું મહત્વ સમય જતા વધી રહ્યું છે. અમારો પ્રથમ ઉદ્દેશ્ય સંરક્ષણ, સંશોધન અને વિજ્ઞાન છે. ખાસ કરીને યુવાનો, ઉચ્ચ શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત અને ફ્રાન્સ સાથે મળીને આગળ વધવા માટે ઉત્સુક છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer