રફાલ સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરનારા બેજવાબદાર અને દેશદ્રોહી!

રફાલ સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરનારા બેજવાબદાર અને દેશદ્રોહી!
કૉંગ્રેસને ગડકરીનો જવાબ  મુંબઈ,તા.10 (પીટીઆઇ) : રફાલ યુદ્ધ વિમાનના સોદામાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ કૉંગ્રેસ દ્વારા આક્ષેપો થઇ રહ્યાં છે ત્યારે કેન્દ્રના પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ફ્રાન્સ સાથે રફાલ યુદ્ધ વિમાનોના 7.5 બિલિયન યુરોના સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા એ બેજવાબદારી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ છે.   કૉંગ્રેસનો આક્ષેપ છે કે ફ્રાન્સ સરકાર સાથે મોદી સરકારના 36 રફાલ વિમાનોના સોદાથી સરકારી તિજોરીને 12,632 કરોડ રૂપિયાનો ફટકો પડયો છે અને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ સમાધાન કર્યું છે. ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવમાં હાજર ગડકરીએ આવા આક્ષેપોના જવાબમાં જણાવ્યું હતું કે આમાં ભ્રષ્ટાચાર ક્યાં છે? આવા આક્ષેપો કરનારા બેજવાબદાર અને દેશ વિરોધી છે. દેશને રફાલ જેવા આધુનિક યુદ્ધવિમાનોની તાતી જરૂર છે, ગડકરીએ કૉંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ડરીને શું આપણે પાંચ છ વર્ષ માટે આવા સોદાઓ અટકાવી દેવા જોઇએ?  રફાલ વિમાનના ઉત્પાદન કરતી કંપની દાસોલ્ટ એવિએશનના વાર્ષિક અહેવાલનો હવાલો આપીને કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ફ્રાન્સની આ કંપનીએ કતાર અને ઇજિપ્તને અગિયાર મહિના અગાઉ જ જે કિંમતે રફાલ વિમાનો આપ્યા છે તેના કરતા ભારત સરકારે એક વિમાન દીઠ 351 કરોડ રૂપિયા વધુ ચૂકવવાના કરાર કર્યા છે.   પંજાબ નૅશનલ બૅન્કના લગભગ 13,000 કરોડ રૂપિયાના કૌભાંડ અને આરોપી નીરવ મોદી સંબંધે ગડકરીએ કહ્યું હતું કે હીરાના આ વેપારી સાથે ભાજપને કંઇ લાગતુ વળગતુ નથી, તેથી આવા કૌભાંડના બિલ સરકારના નામે ફાડવા એ બરાબર નથી. ગડકરીએ કૉંગ્રેસની આગેવાની હેઠળની ડૉ મનમોહન સિંહની સરકારનું નામ લીધા વગર જ પ્રશ્ન કર્યો હતો કે બૅન્કે આટલી મોટી લોનની રકમ આપી ત્યારે સત્તામાં કોણ હતું? ભાજપના વડપણ હેઠળની સરકાર તો નાસી છૂટેલા નીરવ મોદી, લલિત મોદી અને વિજય માલ્યા જેવા આરોપીઓને પકડવાના પ્રયાસો કરી રહી છે અને આ સંબંધે યોગ્ય કાનૂની પગલા લેવાઇ રહ્યાં છે.  જો કે દરેક એનપીએ (નોન-પરફોર્મિંગ અસેટ)ને કૌભાંડ કે ગુનાખોરી સાથે સાંકળવામાં જોખમ છે એમ જણાવી ગડકરીએ કહ્યું હતું કે બિઝનેસમાં પૈસાની લેતી-દેતી તો ચાલતી જ રહે છે, જ્યારે બિઝનેસ સંકટમાં હોય ત્યારે તેને મદદ પણ મળતી રહેવી જોઇએ. પરંતુ દરેક લેતી-દેતી બરાબર ચકાસણી બાદ થવી જોઇએ જેથી બૅન્કો ફડચામાં ન જાય. બૅન્કોમાં સાચા અને ખોટા ઇરાદા એમ બે પ્રકારે નાણાંની લેતી-દેતી થાય છે, સરકાર ખોટા ઇરાદાવાળી લેતી-દેતીના વિરોધમાં છે.      

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer