વિવાદના નિરાકરણમાં મીડિએશનને કાનૂનમાં ફરજિયાત બનાવવાની હિમાયત

વિવાદના નિરાકરણમાં મીડિએશનને કાનૂનમાં ફરજિયાત બનાવવાની હિમાયત
મીડિએટર્સ ઇન્ડિયા દ્વારા યોજાયેલા ચર્ચાસત્રમાં  અમારા પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 10 : ઔદ્યોગિક ક્ષેત્રે વિવાદના નિરાકરણ માટે મીડિએશન (દરમિયાનગીરી)નો માર્ગ ફરજિયાત અપનાવવામાં આવે તે માટે દેશના કાનૂનોમાં આવશ્યક ફેરફારો કરવા જોઈએ, એમ મીડિએટર્સ ઇન્ડિયા તરફથી આજે અહીં યોજાયેલા એક ચર્ચાસત્રમાં વક્તાઓએ કહ્યું હતું.  અનેક વક્તાઓએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે કૉર્પોરેટ ક્ષેત્રમાં પણ ઘણા મીડિએશન વિશે અજાણ છે. વિવાદોના નિરાકરણ માટે આ અસરકારક, સસ્તી અને ઝડપી પ્રક્રિયા હોવા છતાં પૂરતી જાણકારીના અભાવે લોકો અદાલતનો આશરો લે છે.  એક વક્તાએ આ મુદ્દાને સમર્થન આપતાં કહ્યું કે મીડિએશનમાં થયેલી 95 ટકા જેટલી સમજૂતીને અદાલતમાં પડકારવામાં આવતી નથી. જોકે, વિદેશમાં તો આ પ્રમાણ 0.3 ટકા જેટલું અલ્પ છે. મીડિએશન વિશે મલ્ટિનેશનલ કંપનીઓનો દૃષ્ટિકોણ રજૂ કરતા એક વક્તાએ કહ્યું કે કૉમર્શિયલ કૉન્ટ્રાક્ટમાં મીડિએશનની પ્રક્રિયાને આવશ્યક બનાવતી કલમ દાખલ કરવી જોઈએ. સિંગાપોરમાં બે પક્ષકારો વચ્ચે મીડિએશન પ્રક્રિયા દ્વારા દોઢથી બે દિવસમાં વિવાદનો નિવેડો આવી જાય છે, જ્યારે ભારતમાં વધુ સમય લાગે છે. તેથી આ પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ.  કન્સલ્ટન્ટ નિધિ જે. પારેખે આભારવિધિ કરતાં કહ્યું કે મીડિએશનને માત્ર વિવાદ નિરાકરણ માટેની પ્રક્રિયા ગણીને સીમિત નહીં રાખતા તેને જીવનધારાનો એક ભાગ બનાવવી જોઈએ.  અમદાવાદના નિરંજન ભટ્ટે મીડિએશનને વ્યાવસાયિક સ્વરૂપ આપવાની હિમાયત કરતાં કહ્યું કે જેમની ધારાશાત્રી તરીકેની કારકિર્દી મધ્યાહ્ને પહોંચી હોય તેવી યુવા વ્યક્તિઓને મેડિએટર બનાવવામાં આવે તો તેઓ સફળ થવાની શક્યતા વધુ છે.  દરમિયાન પ્રથમવાર વિવાદોના નિરાકરણ લાવે તેવું એક અૉનલાઇન પ્લૅટફૉર્મ મે મહિનામાં શરૂ થઈ રહ્યું છે, આ પ્લૅટફૉર્મ પ્રયોગાત્મક સ્તરે છે. પ્રમોટર ભાવેન શાહે કહ્યું કે મીડિએશનનો એક વૈકલ્પિક નહીં, પણ યોગ્ય કાનૂની પ્રક્રિયા તરીકે સ્વીકાર થવો જોઈએ.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer