ઉદ્યોગોથી ધમધમતા ઉમરગામની રેલવે તંત્ર દ્વારા સરિયામ ઉપેક્ષા : વધુ ટ્રેનો થોભાવવાની માગણી

હજારો પ્રવાસીઓ છતાં માત્ર ત્રણ એક્સ્પ્રેસ ટ્રેન જ થોભે છે  મણિલાલ ગાલા તરફથી  મુંબઈ, તા. 10 : પશ્ચિમ રેલવેમાં મુંબઈથી જતાં ઉમરગામ ગુજરાતનું પ્રથમ સ્ટેશન છે. અહીં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (જીઆઈડીસી)નો મોટો વિસ્તાર આવેલો છે. લગભગ 1500 ઉદ્યોગોમાં એક લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી અંદાજે 30,000 લોકો ઉમરગામ રેલવે સ્ટેશનેથી અપડાઉન કરે છે. આમ છતાં પશ્ચિમ રેલવે દ્વારા આ સ્ટેશનની ભારોભાર અવગણના કરવામાં આવી હોવાનું દેખાઈ આવે છે. તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં અને હજારો પ્રવાસીઓ આ સ્ટેશનથી આવજા કરતાં હોવા છતાં અહીં માત્ર ત્રણ એક્સ્પ્રેસ ટ્રેન જ ઊભી રહે છે. આ ઉપરાંત અહીં અન્ય કેટલીક પેસેન્જર સુવિધાઓનો અભાવ વર્તાય છે.  `માગો નહીં તો મા પણ ન પીરસે' એવી ઉક્તિ અનુસાર આપણા કોઇ પણ સરકારી તંત્ર સમક્ષ જોરદાર અવાજ ન ઉઠાવો તો આપણું કોઇ પણ સાંભળે નહીં, ઉમરગામની બાબતમાં આવું જ બન્યું છે.  સેંકડો ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિત્વ કરતા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશને આ રેલવે સ્ટેશનની થઈ રહેલી ઉપેક્ષા અંગે લગભગ બે વર્ષ પહેલાં અવાજ ઉઠાવ્યો હતો અને તેનું થોડું ઘણું પરિણામ પણ આવ્યું છે. આમ છતાં ટ્રેનો વધારવા અંગેની માગણીને રેલવેએ દાદ આપી નથી.  ઍસોસિયેશનના અગ્રણી પ્રલેશ એચ. મહેતાએ જણાવ્યું હતું કે અમારી રજૂઆતને પગલે છેક 30 વર્ષે પ્રથમ વાર 2016માં પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજર (ડીઆરએમ) મુકુલ જૈન ઉમરગામ આવ્યા હતા. અને અમારી માગણીઓ સાંભળી હતી. ફરી 2017 અૉક્ટોબરમાં ડીઆરએમએ અહીંની મુલાકાત લીધી હતી. એ બાદ રેલવે સ્ટેશન પરિસરમાં સુધારા વધારા કરાયા છે. પ્રવાસીઓની સુવિધા વધારવામાં આવી છે. આમ છતાં હજી અનેક બાબતોની ખામી છે.  ઍસોસિયેશને ઉમરગામ ખાતે બાંદરા-સુરત ઇન્ટરસિટી એક્સ્પ્રેસ (ટ્રેન નં. 12935-12936), બાંદરા-બિકાનેર એક્સ્પ્રેસ (ટ્રેન નં. 14707-14708) અને લોકશક્તિ એક્સ્પ્રેસ (ટ્રેન નં. 19143-19144)ને સ્ટોપ આપવાની માગણી કરી છે, પરંતુ રેલવેએ આ માગણી સ્વીકારી નથી. રેલવેએ એવું કારણ આગળ ર્ક્યું છે કે આ ટ્રેનોને અહીં સ્ટોપ આપવાથી અન્ય ટ્રેનો મોડી પડે, પરંતુ રેલવેની આ વાતમાં વજૂદ લાગતું નથી, કારણ કે ટ્રેનને બે મિનિટના સ્ટોપથી કોઈ ટ્રેન મોડી પડે નહીં. માર્ગમાં આગળ જતાં એ સમયને કવર કરી શકાય. અહીંના ઉદ્યોગ - વેપારધંધા માટે વધુ ટ્રેનો ઊભી રાખવી એ સમયની માગ છે. છેલ્લા લગભગ બે દાયકાથી એક પણ વધુ ટ્રેનને સ્ટોપે જ અપાયો નથી.  પ્રલેશભાઈએ જણાવ્યું હતું કે ઉમરગામમાં ઉદ્યોગોના કર્મચારીઓ ઉપરાંત લગભગ એક લાખની ફ્લોટિંગ વસતિ પણ છે. આથી અહીં અલાયદા રિઝર્વેશન કાઉન્ટરની તાતી જરૂર છે, અમારી વર્ષોની માગણી છે.  ઍસોસિયેશને ઉમરગામથી અપડાઉન કરતાં પ્રવાસીઓને તેમની ટિકિટો, સિઝન ટિકિટો કે રિઝર્વેશન ટિકિટો ઉમરગામની ટિકિટબારીએથી જ કઢાવવાની અપીલ કરી છે. જેથી ઉમરગામ સ્ટેશનની વધુ આવક દેખાય અને તેને અપગ્રેડ કરવામાં આવે.  રેલવે તંત્રએ ઉમરગામનાં હજારો પ્રવાસીઓની માગણીને લક્ષમાં લઇને વહેલી તકે પગલાં લેવાં જોઇએ.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer