તારાપુર ભાભા અટૉમિક રિસર્ચ સેન્ટરના ફાયર અૉફિસર સામે પોલીસ કેસ

બોઇસરમાં કેમિકલ ફેક્ટરીની જીવલેણ આગ બુઝાવવા બંબો કેમ ન મોકલ્યો?  પાલઘર,તા.10 : બૉઇસર એમઆઇડીસીમાં નૉવેફૅન કેમિકલ કંપનીમાં શુક્રવારે લાગેલી ભીષણ આગ બુઝાવવા માટે વિનંતી કરવા છતાં બંબા ન મોકલાવવાના મામલે તારાપુરસ્થિત ભાભા ઍટોમિક રિસર્ચ સેન્ટરના ફાયર અૉફિસર બોરકરના વિરોધમાં કેસ દાખલ કરાયો છે.   ફરિયાદમાં જણાવાયું હતું કે બોરકરને આગ સંબંધી ત્વરિત જાણ કરાયા છતાં તેમણે મદદ ન પહોંચાડી અને જો ભાભા સેન્ટર તરફથી તત્કાળ બંબા મોકલાયા હોત તો આગ કાબૂમાં લઇ શકાઇ હોત અને લોકોના જીવ બચી ગયા હોત. બોઇસર પોલીસ સ્ટેશનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાનૂન 2005ની કલમ નંબર 56 અને 57 અંતર્ગત બોરકર સામે ફરિયાદ નોંધાઇ છે.  ગઇકાલે આ કેમિકલ કંપનીમાં આગ લાગ્યા બાદ બૉઇલર વિસ્ફોટ થયો અને જોતજોતામાં નજીકની છ કંપનીઓ આગમાં ભસ્મિભૂત થઇ હતી. લગભગ 15 કિલોમીટરના પરિસરમાં આગની ઝાળના કારણે નાનું-મોટું નુકસાન થયું હતું. જેમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય વીસેક જણ દાઝી ગયા હતા.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer