ચીનને ગિલગિટ-બાલ્ટિસ્તાન વેચી મારવાની પાકની પેરવી : યુરોપી નિષ્ણાત

ચીનને ગિલગિટ-બાલ્ટિસ્તાન વેચી મારવાની  પાકની પેરવી : યુરોપી નિષ્ણાત
જીનિવા, તા. 10:  પાકિસ્તાન, બીજિંગ પાસેથી કોથળા ભરીને રેન્મીન્બી (ચીની ચલણ) અને યુઆન (ચીની ચલણનું બેઝિક એકમ) મેળવવાના બદલામાં વિવાદગ્રસ્ત ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તાર ચીનને વેચી મારવા પેરવી કરી રહ્યું હોવાનો આક્ષેપ સીનિયર યુરોપી રીસર્ચર દુસાન વેજીનોવિકે કર્યો હતો.યુરોપીઅન ફાઉન્ડેશન ફોર સાઉથ-એશિયન સ્ટડીઝ ખાતેના સીનિયર રીસર્ચ એનાલિસ્ટ દુસાને યુનોની માનવ અધિકાર કાઉન્સિલના 37મા અધિવેશનમાં આમ જણાવી ઉમેર્યું હતું કે જમ્મુ કાશ્મીરની પ્રજાના અધિકારોના બની બેઠેલા હિમાયતી તરીકે પાક પોતાને ઉપસાવે છે પણ હકીકતે પરિસ્થિતિ એ છે કે જમ્મુ કાશ્મીરનો તે ગેરકાયદે કબજો જમાવી બેઠું હોય તેની પ્રજા રાજકીય/મુલ્કી સ્વાતંત્ર્યથી વંચિત રહી છે.  તે દેશના રાજકીય વાણીવિલાસથી વિપરીત, પાકે જમ્મુ કાશ્મીરની પ્રજાને તેઓના મૂળભૂત માનવ અધિકારો આપવા નકાર્યા છે, ઉપરાંત હવે તે, બીજિંગને ગિલગિટ-બાલ્ટિસ્તાનના વેચાણ માટેની વાટાઘાટ દ્વારા જમ્મુ કાશ્મીરનું દલાલ બનવાના અરમાન સેવે છે એમ દુસાને જણાવ્યું હતું. પાક સામે ઉચિત પગલા લેવા માગણી કરતા વેજીનોવિકે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાકને શા માટે ઉલ્લંઘન કરવા દેવાય છે અને આ પવિત્ર સંસ્થાનો ઉપહાસ શાને કરવા દેવાય છે એવો સવાલ કરતા દુસાને ટકોર કરી હતી કે માત્ર દક્ષિણ એશિયામાં શાંતિ અંકે કરવા માટે જ નહીં પણ વધુ તો તેની પોતાની વિશ્વસનીયતા જળવાયેલી રાખવા અને તેની ઓથોરિટી દૃઢાવવા પાક સામે પગલા લેવાની સંયુકત રાષ્ટ્રસંઘની જવાબદારી છે.  1948ની 13 ઓગસ્ટ સુધીમાં જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી પોતાના દળો પાછા ખેંચી લેવા પાકને દોરવણી આપતા યુનોના '48ના ઠરાવની કાઉન્સિલને યાદ અપાવતાં વેજીનોવિકે સવાલ કર્યો હતો કે 70 વર્ષ પહેલાં જારી થયેલી કાનૂની બંધનકર્તા સૂચનાનું પાલન કરતા કઈ બાબત પાકને રોકે છે ?    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer