વિવિધ આર્થિક આંકડાઓની જાહેરાતની રાહે રોકાણકારો સાવધ વલણ અપનાવે તેવી શક્યતા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી  `જન્મભૂમિ પ્રવાસી' મુંબઈ, શનિવાર  વિવિધ આર્થિક આંકડાઓની જાહેરાતની રાહે આવતા અઠવાડિયે રોકાણકારો સાવચેતીભર્યોં અભિગમ અપનાવે તેવી શક્યતા હોવાથી બેન્ચમાર્ક સૂચકાંકોમાં તોફાની વધઘટ રહેશે અને ઉપરમાં બજાર સાંકડી રેન્જમાં રહેશે.   નબળાં વૈશ્વિક પરિબળો અને બૅન્કિંગ ક્ષેત્રના સેન્ટિમેન્ટને પગલે સપ્તાહમાં મોટા ભાગે નિફ્ટી-50 અને સેન્સેક્ષ ઘટયા હતા. આગામી અઠવાડિયામાં નિફ્ટી 10100-10430 પોઈન્ટ્સના રેન્જમાં રહેવાની ધારણા છે. એક ટેકનિકલ વિશ્લેષકના કહેવા મુજબ, નિફ્ટી 10140ના સ્તરની નીચે જશે નહીં અને 10430 પોઈન્ટ્સનું સ્તર મજબૂત પ્રતિકાર સ્તર (રેસિસ્ટન્ટ લેવલ) દર્શાવે છે.   એપ્રિલ સુધી બજારમાં વધઘટ રહેશે પરંતુ જો કૌભાંડ કે અન્ય રૂપે કોઈ નકારાત્મક ઘટના બને નહીં તો બજારમાં પુન:ખરીદી થઈ શકે છે, એમ ચોઈસ ઈક્વિટી બ્રોકિંગના રિસર્ચના હેડ રાજનાથ યાદવે જણાવ્યું હતું. આગામી અઠવાડિયામાં રોકાણકારો સ્થાનિક આર્થિક આંકડા- હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ, ઔદ્યોગિક ઉત્પાદન અને રિટેલ ફુગાવાના આંકડા ઉપર નજર રાખશે. તેમ જ આજે અમેરિકાના પે રોલ આંકડા જાહેર થવાના છે, તેના ઉપર પણ રોકાણકારોની નજર હશે.   ટેકનિકલ વિશ્લેષકોની ધારણા છે કે બૅન્કિંગ ક્ષેત્ર અને મોટી મિડ-કૅપ કંપનીઓ ઉપર દબાણ રહેશે, પરંતુ મીડિયા અને ઓટોમોબાઈલના શૅર્સમાં તેજી જોવા મળી શકે. ટેકનિકલ ચાર્ટ પ્રમાણે કૅપિટલ ગૂડ્સ ક્ષેત્રની કંપનીઓના શૅર્સ નબળા રહેશે. જ્યારે ભારત હેવી ઈલેકટ્રિકલ્સ લિ. અને લાર્સન એન્ડ ટુબ્રો લિ.માં આંશિક વધઘટની ધારણા છે. સિમેન્સ લિ.માં આગામી અઠવાડિયામાં વર્તમાન પોઝિશનથી સુધારો થઈ શકે છે.   કૅપિટલ ગૂડ્સ ક્ષેત્ર માટે વિશ્લેષકોનો મિશ્ર અભિપ્રાય છે. થર્મેક્સ, એલએન્ડટી અને સિમેન્સના શૅર્સ વધવાની ધારણા છે, જ્યારે થર્મલ પાવર ઉત્પાદક જેવી કે `ભેલ' અને સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ માટે આઉટલૂક નબળો છે.   સિમેન્ટ કંપનીઓ દ્વારા કાર્ટેલાઈઝેશન વિરુદ્ધ સરકાર પગલાં લેશે એમ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહેતાં માર્ચ મહિનામાં અત્યાર સુધી સિમેન્ટ કંપનીઓએ મુંબઈમાં 13 ટકા જેટલો ઘટાડો કર્યો છે. ગડકરીના આ નિવેદનથી કંપનીઓ ઉપર ભાવ ઘટાડવા દબાણ આવશે અથવા કમસેકમ ભાવવધારા ઉપર નિયંત્રણ આવશે, એમ સ્થાનિક બ્રોકરેજના એક વિશ્લેષકે જણાવ્યું હતું. એસીસી, અંબુજામાં આંશિક વધઘટ થઈ શકે છે, અલ્ટ્રાટેક નબળો દેખાઈ રહ્યો છે અને રૂા.3950ની આસપાસ શૅર થઈ શકે છે.   જોકે, સરકારે સસ્તાં ઘર અને ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન આપતા એકંદર ક્ષેત્ર માટે મધ્યમ અને લાંબા ગાળે સકારાત્મકતા જોવાઈ રહી છે.  કોટક સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ સંજીવ ઝરબડે કહે છે, મિડકેપ શેર્સમાં હાલનો ઘટાડો રોકાણકારોને લેવાલીની તક આપે છે. ગુણવત્તાભર્યો મજબૂત વહીવટ, કમાણીમાં ઊંચી વૃદ્ધિ અને જવાબદાર મૂલ્યાંકન ધરાવતા પસંદગીના શેર્સમાં રોકાણની અમારી સલાહ છે.  જિઓજિત ફાયનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયર કહે છે, વૈશ્વિક વ્યાપારના ભયે ઘરઆંગણે મેટલ ઈન્ડેક્સ દબાણ હેઠળ રહેશે, જ્યારે રૂપિયામાં નરમાઈ આઈટી કંપનીઓને મદદગાર બનશે. બજાર સીપીઆઈ અને આઈઆઈપીના આંકડાની પ્રતીક્ષા કરી રહ્યું છે. ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર ઘટીને 4.74 ટકા નોંધાશે તેવો અંદાજ છે, જેના પગલે નજીકના ભવિષ્યમાં બોન્ડનાં વળતર ઘટશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer