ધ શૅપ અૉફ વૉટર : આકાર, વિચાર અને પુરસ્કાર

ધ શૅપ અૉફ વૉટર : આકાર, વિચાર અને પુરસ્કાર
90મા ઓસ્કાર એવૉર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ મેળવનાર `ધ શૅપ અૉફ વૉટર' આમ તો નવ દાયકાના એકેડેમી એવૉર્ડઝના ઇતિહાસમાં આ સન્માન મેળવનાર પહેલી સાયન્સ-ફિકશન ફિલ્મ છે. કુલ 13 શ્રેણીમાં નોમિનેશન અને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ દિગ્દર્શક સહિત કુલ ત્રણ એવૉર્ડ મેળવનાર `ધ શૅપ અૉપ વૉટર' માટે બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ સ્વીકારતી વખતે 53 વર્ષના દિગ્દર્શક ગિજેરમો ડેલ તોરો ગોમેઝે કહ્યું, `હું ઇમિગ્રન્ટ છું અને છેલ્લાં પચીસ વર્ષથી હું એવા દેશમાં રહું છું જે આપણા બધાનો છે. કેમ કે આર્ટ અને આપણો ઉદ્યોગ એક સૌથી સારું કામ એ કરે છે કે, રેતીમાં ખેંચેલી રેખાઓને તે ભૂંસી નાખે છે. દુનિયા આપણને આ રેખાઓ વધુ ઊંડી કે ઘાટી કરવા કહે, પણ આપણે તેને ભૂંસવાનું કામ ચાલુ રાખવું જોઇએ.' ગિજેરમોનો ઇશારો સરહદો અને વાડાબંધી તરફ હતો. એ દૃષ્ટિએ જોઇએ તો `ધ શૅપ અૉફ વૉટર' ખરા અર્થમાં વૈશ્વિક ફિલ્મ છે. ફિલ્મનો દિગ્દર્શક મેક્સિકન છે, તેનું શૂટિંગ કૅનેડામાં થયું છે અને તેની હીરોઇન સેલી હોકિન્સ બ્રિટિશ છે. આમ છતાં પ્રશ્ન થાય કે, એક સાયન્સ-ફિક્શન ફિલ્મને એકેડેમી એવૉર્ડ કઈ રીતે મળ્યો અને `ધ શૅપ અૉફ વૉટર'માં એવું તે શું છે?  શરૂઆત કરીએ, ફિલ્મની વાર્તાથી. ફિલ્મના કેન્દ્રમાં એલિસા નામની મૂંગી સફાઈ કામદાર યુવતી એલિસા (સેલી હોકિન્સ) છે. 1962માં અમેરિકા-સોવિયેત સંઘ વચ્ચેના શીતયુદ્ધની પરાકાષ્ઠાના કાળમાં ફિલ્મ આકાર લે છે. એલિસા અનાથ છે અને એક નદી પાસેથી ગળા પર ઇજા સાથે તે સાવ નાની વયે મળી આવી હતી. ગળા પરની ઇજાને કારણે તે બોલી શકતી નથી. એલિસા સરકારી પ્રયોગ શાળામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે અને ત્યાં એક ભેદી જળચર જીવને એક વિશાળ કાચના નળાકારમાં પાણીની અંદર રાખવામાં આવ્યો છે. માછલી અને પુરુષના સમન્વયસમા આ જીવના પ્રેમમાં એલિસા પડી જાય છે અને તેને મુક્ત કરાવવાનું જનૂન તેને ઘેરી વળે છે. આ આખા ઘટનાક્રમમાં અમેરિકા આ જીવનો ઉપયોગ રશિયા સાથેની સ્પેસ રેસમાં આગળ નીકળી જવા કોઇક રીતે કરવા માગે છે. તો, આ પ્રયોગશાળામાં વિજ્ઞાની તરીકે કામ કરતો પણ ખરેખર તો રશિયન જાસૂસ આ જીવને વધુ અભ્યાસ માટે જીવતો રાખવાનું સૂચન કરે છે. તો તેના રશિયન આકા ઇચ્છે છે કે આ જીવને મારી નાખવો જોઇએ, આવું જ અમેરિકનો પણ ઇચ્છે છે. અમેરિકનોની યોજના જાણ્યા બાદ એલિસા આ જીવને બચાવવા માગે છે. પ્રયોગશાળામાંથી આ દ્વિચર જીવને તે પોતાના ઘરે લઈ જવામાં સફળ રહે છે અને બાથરૂમમાં બાથટબમાં તેને રાખે છે. સમુદ્રમાં ખૂલતી નહેરમાં આ જીવને છોડી દેવાની તેની યોજના છે, પણ હવે આ બંને એકમેકને પ્રેમ કરવા લાગે છે... વાર્તામાં બીજા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન પણ આવે છે.  વાંક દેખાઓનું કહેવું છે કે, ગિજેરમોએ વયસ્કો માટેની આ પરીકથાને બી-ગ્રેડ હોરર ફિલ્મની ગટરમાંથી બહાર કાઢીને આંતર-ક્ષેત્રીય રાજકારણનાં પાણીથી ધોઈ સાફ કરી છે. લઘુમતીઓનું બારીકીથી ધ્યાન રાખ્યું છે. ફિલ્મની હીરોઇન મૂંગી એટલે કે ડિસએબલ્ડ છે, હીરોઇનનો પાડોશી સમલૈંગિક છે અને તેની સહ-કર્મચારી લડાયક મિજાજની બ્લૅક ત્રી છે. વળી, આમાં બાહ્ય વિશ્વની એક પ્રજાતિ ઉમેરો એટલે ઓસ્કાર-વિજેતા ફિલ્મમાં હોવું જોઇએ એ બધો મસાલો આવી ગયો. જોકે, ટીકા કરનારા એ ભૂલી જાય છે કે, સાયન્સ-ફિકશન હોવા છતાં તેમાં લાગણી અને પ્રેમના તત્ત્વો પણ છે. આ વખતના ઓસ્કારમાં બેસ્ટ ફિલ્મના નામાંકનમાં ખરેખર રોમેન્ટિક કહી શકાય એવી એક જ ફિલ્મ છે અને તે એટલે `કોલ મી બાય યોર નેમ.'  પચીસ વર્ષથી ફિલ્મો સાથે સંકળાયેલા ગિજેરમો માત્ર દિગ્દર્શક નથી, પણ પટકથા લેખક, નિર્માતા અને નવલકથાકાર પણ છે. દિગ્દર્શક તરીકે તેણે ક્રોનોસ, મિમિક, ધ ડેવિલ્સ બેકબોન, બ્લેડ ટુ, દેલબૉય, ક્રિમસન પીક જેવી ફિલ્મો આપી છે. તો, નિર્માતા તરીકે ધ ઓરફનેજા જુલિયાસ આઇઝ, કૂંગ ફૂ પાંડા અને પસ ઇન ધ બૂટ્સ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. યોગાનુયોગ જુઓ આ વર્ષ સહિત છેલ્લાં પાંચ વર્ષમાં બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કાર મેળવનારાઓમાં ચાર દિગ્દર્શક મેક્સિકન છે. વર્ષ 2014 અને 15માં આલેજાન્દ્રો ગોન્સાલેજ ઇનારિટુને અનુક્રમે બર્ડમૅન અને ધ રેવન્નટ માટે, તો એ પહેલાં 2013માં આલ્ફોન્સો ક્યુઆરોનને ગ્રેવિટી માટે આ એવૉર્ડ મળ્યો હતો. મજાની વાત એ છે કે આલેજાન્દ્રો, આલ્ફોન્સો અને ગિજેરમો એકબીજાના સારા મિત્રો છે અને હૉલીવૂડમાં તેઓ `થ્રી એમિગોસ' અર્થાત ત્રણ મિત્રો તરીકે ઓળખાય છે. બાય ધ વે, ઓસ્કાર જીત બાદ ગિજેરમોએ જાહેરાત કરી હતી કે ત્રણ દાયકાના લગ્નજીવન બાદ તેમણે પત્ની લોરેન્ઝા ન્યૂટન સાથે ગયા વર્ષે છૂટાછેડા લઈ લીધા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પત્નીથી છૂટા પડેલા ઓસ્કાર વિજેતા દિગ્દર્શકે સપ્ટેમ્બરમાં ડિવોર્સ લીધા હતા. આ પૂર્વે ત્રણ વાર ઓસ્કાર નોમિનેશન મેળવી ચૂકેલા ગિજેરમો ચોથી વાર લકી સાબિત થયા હતા.  ગિજેરમો પોતે `ધ શૅપ અૉફ વૉટર' વિશે શું માને છે? તેમનું કહેવું છે, `આ ફિલ્મ `અન્ય' સાથે જોડાવા વિશે છે. તમે સમજો છો ને, આની પાછળનો આઇડિયા કરુણા-અનુકંપા છે, કઈ રીતે આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા એકમેકની જરૂર પડે છે અને આ કારણસર જ મેં લખેલી મૂળ પટકથાને શીર્ષક આપ્યું હતું `અ ફેરી ટેલ ફોર ટ્રબલ્ડ ટાઇમ્સ' (મુશ્કેલ સમય માટેની પરીકથા). મને લાગે છે કે, આ ફિલ્મ માનવામાં ન આવે એ રીતે પ્રસંગોચિત છે અને આજે રોજબરોજના જીવનમાં આપણે જે ભાવશૂન્યતા અને અલગતા જોવા મળે છે, તેનું મારણ તે બની શકે છે.' ફિલ્મ જેમણે જોઈ છે એવા લોકોએ સેલી હોકિન્સના અભિનયને પણ વખાણ્યો છે, આખી ફિલ્મમાં એકેય શબ્દ ન બોલવા છતાં પોતાની હાજરી માત્રથી એ છવાઈ જાય છે. છેવટે, એક વાત સમજી લો કે એકેડેમી એવૉર્ડના વિજેતાની પસંદગી વૉટર્સનું એક જૂથ કરે છે. એકેડેમીના 7200 જેટલા સભ્યો નોમિનેટ થયેલી બધી જ ફિલ્મો જોઇને પોતાનો મત આપે છે. માનવતામાં આશા જન્માવનારી, સર્વસમાવેશકતાની અપીલ કરતી ફિલ્મો આ સભ્યોને પસંદ પડતી હોય છે. જોકે, `ધ શૅપ અૉફ વૉટર' સૌને ગમી છે, એ જ તેની સફળતાનું કારણ છે. પાણીનો આકાર અને રંગ જેમ બદલાય છે તેમ સફળતાના કારણ પણ બદલાતાં રહે છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer