સૌથી મોટી ઉંમરના અૉસ્કાર વિજેતા જેમ્સ આઇવરી કોણ છે?

સૌથી મોટી ઉંમરના અૉસ્કાર વિજેતા જેમ્સ આઇવરી કોણ છે?
ગયા રવિવારે `કૉલ મી બાય યૉર નેમ' ફિલ્મના પટકથા લેખક જેમ્સ આઇવરીને `અૉસ્કાર અૉફ બેસ્ટ એડેપ્ટેડ ક્રીનપ્લે' એનાયત થયો. જેમ્સ આઇવરી 1928માં જન્મ્યા અને અૉસ્કાર(ત્યારે ઍકેડમી) એવૉર્ડની શરૂઆત 1929માં થઇ. આનો અર્થ એ કે જૂન મહિનામાં નેવું વર્ષ પૂરાં કરનાર આ અૉસ્કારવિનરની ઉંમર ખુદ અૉસ્કાર કરતાં પણ વધારે છે! આટલી મોટી ઉંમરે અૉસ્કાર મેળવનાર તેઓ પહેલા છે, ઉંમરબુંમરની પરવા કર્યા વિના પોતાની ભાવિ ફિલ્મો વિશે વાત કરતા હોય છે અને તેમનું ભારત સાથે એક કનેક્શન છે - બહુ જૂનું અને બહુ મજબૂત કનેક્શન.   અમેરિકન ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને પટકથા લેખક જેમ્સ આઇવરીએ ભારતના ફિલ્મનિર્માતા ઇસ્માઇલ મર્ચન્ટ સાથે 44 ફિલ્મો બનાવી હતી. આમાંની 23 ફિલ્મોની પટકથા રુથ જબાવાલાએ લખી હતી. અૉસ્કાર સ્વીકારતી વખતે જેમ્સ આઇવરીએ પોતાના આ બંને દીર્ઘકાલીન સાથીઓને બહુ ભાવથી યાદ કર્યા - `એમની પ્રેરણા અને આધાર વગર હું અહીં ઊભો રહેવા ન પામ્યો હોત.' મર્ચન્ટ-આઇવરીની ફિલ્મોએ છ અૉસ્કાર જીત્યા છે. આઇવરી પોતે ચાર વાર અૉસ્કાર માટે નોમિનેટ થયા છે. `કૉલ મી બાય યૉર નેમ' ફિલ્મ માટે તેમને અૉસ્કાર ઉપરાંત ત્રણ પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યા છે. આ ફિલ્મ પણ શ્રેષ્ઠ ફિલ્મોની કેટેગરીમાં નોમિનેટ થઇ હતી.   મર્ચન્ટ-આઇવરી ફિલ્મકંપની 1961માં શરૂ થઇ. કંપનીનું પ્રારંભિક ધ્યેય આંતરરાષ્ટ્રી માર્કેટને ધ્યાનમાં રાખીને અંગ્રેજી ભાષામાં ભારતીય ફિલ્મો બનાવવાનું હતું. કંપનીની ત્રણ ફિલ્મ `ધ હાઉસ હોલ્ડર', `શેક્સપિયરવાલા' અને `બોમ્બે ટૉકિઝ'માં શશી કપૂર નાયક હતા. જેનીફર કૅન્ડાલ(કપૂર), લીલા નાયડુ અને અપર્ણા સેને પણ મર્ચન્ટ-આઇવરીની ફિલ્મોમાં કામ કર્યું છે. પછીથી કંપનીએ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ ફિલ્મો બનાવી.   મર્ચન્ટ અને આઇવરીની આ ભાગીદારી માત્ર ફિલ્મો પૂરતી ન હતી. 1960થી માંડી મર્ચન્ટના મૃત્યુ સુધી બંને ન્યૂ યોર્ક અને લંડનના એપાર્ટમેન્ટ ઉપરાંત હડસન નદીની ખીણમાં આવેલા 40 એકરના ફાર્મહાઉસમાં સાથે રહ્યા હતા. ઇસ્માઇલ મર્ચન્ટ 1936માં મુંબઇમાં જન્મ્યા, ભણ્યા અને 1958માં એમબીએ કરવા અમેરિકા ગયા.  ભારતમાં આંતરરાષ્ટ્રીય પ્રકારની ફિલ્મો બનાવવાનું એમનું સ્વપ્ન હતું. જેમ્સ આઇવરી 1928માં બર્કલીમાં જન્મ્યા, સેટ ડિઝાઇનિંગ, ફાઇન આર્ટસ અને ફિલ્મમાકિંગ શીખી 1957થી શોર્ટ ફિલ્મો બનાવવા લાગ્યા. એમની ઇન્ડિયન આર્ટ મિનિએચર પરની એક ફિલ્મના ક્રીનિંગ વખતે બંનેની મુલાકાત થઇ. તરત દોસ્તી થઇ ને ઇન્ડો-અમેરિકન પ્રોડક્શન કંપની ખોલવાનું નક્કી થઇ ગયું. વર્ષના અંતે બંને દિલ્હીમાં હતા. રુથ જબાવાલા ત્યાં જ મળી ગઇ. મર્ચન્ટ-આઇવરી ફિલ્મકંપની શરૂ કરી. બે વર્ષ બાદ રુથની જ નવલકથા પરથી શશી કપૂર, લીલા નાયડુ અને દુર્ગા ખોટેને લઇને બનેલી `હાઉસહોલ્ડર' ફિલ્મ રિલિઝ થઇ અને સફળ પણ થઇ. મર્ચન્ટે એક વાર કહ્યું હતું, `મર્ચન્ટ-આઇવરી એક વિચિત્ર લગ્ન જેવું છે. હું ભારતીય મુસ્લિમ, રુથ જર્મન યહૂદી અને જેમ્સ પ્રોટેસ્ટંટ અમેરિકન. કોઇકે એક વાર અમને ત્રણ માથાવાળા દેવતા કહેલા. ત્રણ માથાવાળા રાક્ષસની ઉપમા કદાચ વધારે બંધ બેસત.'   મર્ચન્ટ પૈસાનો બંદોબસ્ત કરે, બજેટમાં કાપકૂપ કરે અને ગુણવત્તાની ખાતરી આપી દિગ્ગજ કલાકારોને શોધી લાવે. આઇવરીને વ્યાવહારિક પરેશાનીઓથી દૂર રાખે. જાણીતા સર્જકોની વાર્તાઓ પરથી ફિલ્મો બનાવે. ભારતીય વાનગીઓના નિષ્ણાત મર્ચન્ટ સેટ પરના સૌને અવનવી વાનગીઓ ચખાડે.   ઝડપથી સફળતા મળવા લાગી. ઇ.એમ.ફોસ્ટરની વાર્તા `અ રૂમ વિથ અ વ્યૂ'ને ત્રણ અૉસ્કાર સાથે અમેરિકા અને યુરોપમાં અનેક એવૉર્ડ મળ્યા, પણ તેમની સૌથી વધારે ચર્ચાયેલી ફિલ્મ તે `મોરિસ'. `મોરિસ' 1987માં બની અને 2017માં રિ-રિલિઝ થઇ. `કૉલ મી બાય યોર નેમ' 2017માં બની અને તેમાં લગભગ 1983ના ગાળાનું ઇટાલી બતાવ્યું છે. `મોરિસ' અને `કૉલ મી બાય યોર નેમ' બંને રોમેન્ટિક પ્રણયકથા છે પણ તેની વાર્તા  સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમની નહીં, પુરુષ-પુરુષ વચ્ચેના ધોધમાર પ્રેમની છે.   આઇવરી લખે છે, `આજે એલજીબીટીને માનપૂર્વક જીવવા મળ્યું છે અને કાયદો સજાતીય પ્રેમને અપરાધ નથી ગણતો પણ પરિવાર, મિત્રોને અને સમાજમાં ભાગ્યે જ તેનો સ્વાભાવિક સ્વીકાર થાય છે. છતાં બે પુરુષો કે બે સ્ત્રીઓ એકબીજાંને ચાહી બેસે તેવું બને છે. યુ નેવર સ્ટોપ લાવિંગ સમવન - યુ જસ્ટ લર્ન ટુ ડ્રાય ટુ લિવ વિધાઉટ ધેમ.'   `કૉલ મી બાય યોર નેમ'માં ઇટાલીમાં રહેતો 17 વર્ષનો એલિયો વેકેશનમાં ઘેર આવે છે ત્યારે જુએ છે કે ગ્રીક-રોમન સંસ્કૃતિના વિદ્વાન પિતા પાસે શીખવા ઓલિવર નામનો એક અમેરિકન યુવાન ઘરમાં રહેવા આવ્યો છે. એલિયોને ઓલિવર ગમતો નથી, પણ ધીરે ધીરે બંને વચ્ચે દોસ્તી થાય છે અને પછી હૃદય ફાડીને વહી નીકળે છે રોક્યો ન રોકાય તેવો પ્રેમ. એલિયો કહે છે, `આપણે મિત્રો પહેલા છીએ, પ્રેમીઓ પછી. પણ તો પછી પ્રેમીઓ હોવું એટલે આ જ નથી?' અને `અમને બંનેને સમજાયું કે હું પોતે મારામાં હતો તેના કરતાં તેનામાં વધારે હતો. એક પળે અમે નિકટ આવ્યા - પછી હું તે બની ગયો અને તે હું બની ગયો.' ઘનિષ્ટ નિકટતાની પળોમાં બંને એકબીજાને પોતાના નામે બોલાવે છે, અને વચન માગે છે, `જ્યારે તું ટેક્સીનું બારણું બંધ કરતો હોય, બીજા બધાને ગૂડબાય કહી ચૂક્યો હોય અને કહેવા જેવું કંઇ બચ્યું ન હોય ત્યારે પહેલા કર્યું હતું તેમ, મારા ચહેરા પર નજર સ્થિર કરી મને તારા નામે બોલાવજે - જસ્ટ કૉલ મી બાય યોર નેમ.'   `મોરિસ'નો અંત સુખદ હતો. દુનિયાની એસીતેસી કરીને બંને યુવાનો સાથે રહેવા લાગે છે. `કૉલ મી બાય યોર નેમ'ના અંતે અમેરિકા ચાલ્યો ગયેલો ઓલિવર ફોન પર એલિયોને પોતાના લગ્નના સમાચાર આપે છે. કહે છે, `તારી જેમ, મને પણ બધું યાદ છે. કદી ભૂલ્યો નથી' અને બંને ફરી એકબીજાને પોતાના નામે બોલાવે છે. અંતિમ દૃશ્યોમાં ભાંગી પડેલો એલિયો ફાયરપ્લેસ પાસે આંસુ વહાવતો દેખાય છે.   બંને ફિલ્મોમાં ઘણાએ મર્ચન્ટ અને આઇવરીના સંબંધોનું સમીકરણ જોયું છે. આઇવરી પરણ્યા નહોતા. મર્ચન્ટની પત્નીનો અમુક સ્રોતમાં ઉલ્લેખ છે, પણ મોટાભાગના સ્રોતોમાં તેઓ એકલા જ હતા તેમ કહેવાયું છે. મર્ચન્ટ-આઇવરીની ફિલ્મ `સીટી અૉફ યોર ફાઇનલ ડેસ્ટિનેશન' બની રહી હતી ત્યારે મર્ચન્ટ ગુજરી ગયા - `ઇસ્માઇલે મને બે લોકેશન શોધી આપ્યાં હતાં. ત્યાં શાટિંગ કરતી વખતે સતત તેની હાજરી અનુભવાતી હતી.' આઇવરી કહે છે, `અમારી દોસ્તી સહજ હતી. માણસો મળે છે, છૂટા પડે છે. અમુક થોડું સાથે રહે છે, અમુક જિંદગીભર બંધાઇ જાય છે. અમારી મૈત્રીને તમે નિયતિ કહી શકો.'   `કૉલ મી બાય યોર નેમ'માં એક ગીત છે : `તેં મને સ્પર્શ કર્યો છે. શ્વેત ઉજાસ અને નદીના કલકલ અવાજમાં તું મને દીવાલની જેમ ઘેરે છે. મારા પગ જમીન પરથી ઊંચકાઇ ગયા છે. ઇશ્વરનો હાથ મને દોરે છે. મારી સમક્ષ પ્રેમનું વિરાટ રહસ્ય ખૂલી રહ્યું છે...` પુરુષ-પુરુષ વચ્ચે હોય એટલે પ્રેમ શું અપવિત્ર થઇ જાય ?'    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer