રાજીનામાં `રામબાણ'' બનશે?

તેલુગુ દેસમના બે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં પછી રાજધાનીમાં રાજકારણમાં `ગરમી' આવી છે. 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે `સાથી પક્ષો' અવાજ ઊઠાવીને ભાગીદારીમાં લાભ - વધુ બેઠકો મેળવવાના પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. તેલુગુ દેસમ પછી હવે શિવસેનાનો `વાઘ' ક્યારે આવે છે તે જોવાનું છે. એનડીએમાં ભંગાણ પડી રહ્યું છે એ જોઈને કૉંગ્રેસ ગેલમાં છે. બીજી બાજુ નોંધપાત્ર ઘટના એ છે કે ભાજપમાં કોઈ ગભરાટ - ચિંતાનાં ચિહ્ન નથી!  ચંદ્રાબાબુ નાયડુએ ધમકીની ગાજવીજ શરૂ કરી - અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત પણ આપતા નથી, એવી જાહેરમાં ફરિયાદો શરૂ કરી તો પણ મુલાકાત મળી નહીં. આખરે ચાળીસ મિનિટ સુધી ફોન ઉપર નાયડુને સાંભળવા નરેન્દ્ર મોદી તૈયાર થયા અને બે દિવસથી દરવાજે ઊભા રહેલા બે પ્રધાનોનાં રાજીનામાં તરત સ્વીકારી લીધાં. નાયડુની કેબિનેટના બે ભાજપી પ્રધાનોએ પણ નવી દિલ્હીનો ઇશારો થતાં નાયડુને રામ-રામ કરી દીધાં... આમ સ્પષ્ટ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી - તૈયાર છે. એમની પાસે અત્યારે ભાજપની બહુમતી છે અને વૈકલ્પિક યોજના - વ્યૂહ પણ હશે જ.  મૂળ તો તેલુગુ દેસમ પાર્ટીનો જન્મ આંધ્રની અસ્મિતા માટે અને કૉંગ્રેસના વિરોધ માટે થયો હતો. 1999માં અટલ બિહારી વાજપેયીજીની એનડીએ સરકારને બહારથી ટેકો આપ્યો હતો. આ પછી 2004માં ભાજપ - તેલુગુ દેસમે સાથે રહીને ચૂંટણી લડી અને સત્તા ગુમાવી હતી. 2014માં ભાજપ સાથે સમજૂતી કરી. લોકસભામાં 25માંથી 17 અને વિધાનસભામાં 175માંથી 106 બેઠકો મેળવી. આ પછી ચાર વર્ષે ચંદ્રાબાબુ નાયડુનો `ચંદ્રોદય'' કેમ થયો? આંધ્રના વિશેષ દરજ્જાની માગણી તાજી કેમ થઈ? બે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં પણ એનડીએ સાથેના સંબંધ કાપવાની ઉતાવળ કેમ નથી?  આ પ્રશ્નોના જવાબમાં રહસ્ય છુપાયું છે. 23મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી છે. રાજ્યસભામાં આંધ્રની ત્રણ બેઠકો ખાલી થઈ છે. તેલુગુ દેસમની બે અને વાયએસઆર જગનમોહનની એક બેઠક છે, પણ ત્રણેત્રણ બેઠક લેવી હોય તો વિધાનસભામાં ભાજપના ચાર સભ્યોનો ટેકો જોઈએ. ભાજપ ધારે તો જગનમોહનના ઉમેદવારને ટેકો આપી શકે છે - નાયડુનું નાક કાપી શકે છે. ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો નાયડુની જોહુકમીથી ત્રાસી ગયા છે અને તેથી ભાજપ માટે જગનમોહનનો વિકલ્પ પણ ખુલ્લો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગનમોહને ભાજપને વોટ આપ્યા હતા. યુપીએ સરકારે જગનમોહનના `સામ્રાજ્ય' ઉપર દરોડા પાડીને ખૂબ હેરાન કર્યા છે. હવે રાહુલ ગાંધી આંધ્રને `વચન' આપે છે કે 2019માં મારી સરકાર આવી તો `િવશેષ દરજ્જો' અપાશે!  આમ અત્યારે પ્રવાહી સ્થિતિ છે - કોણ કોની સાથે જશે તે અનિશ્ચિત છે. પણ વિશેષ દરજ્જાની માગણી જગનમોહને ઊઠાવી અને તેનો સ્વીકાર થાય નહીં તો 6 એપ્રિલે એમના સભ્યો રાજીનામાં આપશે, એવી જાહેરાત કરી છે. નાયડુનાં માત્ર બે પ્રધાનોએ  રાજીનામાં આપ્યા છે તેથી જગનમોહન કહે છે - મોદી સરકાર સામે અવિશ્વાસનો ઠરાવ લાવી બતાવો!  વિશેષ દરજ્જાનો મુદ્દો ચૂંટણીમાં મુખ્ય હશે. ભાજપે આંધ્રને પૂરતાં નાણાં આપ્યાં છે અને 17 પાનાંનો વિકાસયાત્રા - પત્ર પણ તૈયાર કર્યે છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ એનડીએથી છૂટા પડવાનો નિર્ણય અને ધમકી શા માટે આપી? રાજ્યને `સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ' - કેન્દ્રીય સહાય માટે વિશેષ દરજ્જો - આપવાનો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. આ વિવાદ પાછળનું રાજકારણ જાણવા જેવું છે. વર્ષો સુધી આંદોલન ચલાવ્યા પછી તેલંગણ પ્રજા સમિતિને અલગ રાજ્ય મેળવવામાં સફળતા મળી. આંધ્રના વિભાજન વખતે ડૉ. મનમોહન સિંઘે આંધ્રને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું પણ એનડીએ સરકારે આંધ્ર સરકારને પૂરતી નાણાકીય સહાય આપી નથી. આવો વિશેષ દરજ્જો આપવાની પ્રથા 14મા નાણાંપંચે બંધ કરાવી હતી. અગાઉ ઉત્તર-પૂર્વ (ઇશાન)નાં રાજ્યો માટે આવી સહાય અપાતી હતી, કારણ કે આવાં રાજ્યો ઔદ્યોગિક વિકાસના અભાવે પછાત જ રહેતાં હતાં અને એમના વિકાસ માટે પાંચમા નાણાંપંચે આવી વિશેષ કેન્દ્રીય સહાયની જોગવાઈ કરી હતી.  આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુએ એક માત્ર હૈદરાબાદને ઔદ્યોગિક હબ બનાવી દીધું, હવે હૈદરાબાદ તેલંગણને મળ્યું અને આંધ્રના અન્ય વિસ્તારો પછાત જ રહ્યા છે. ભૂતકાળમાં બિહાર અને ઓડિશાએ પણ વિશેષ દરજ્જાની માગણી કરી હતી, જેનો સ્વીકાર થયો નહોતો. રાજીનામાંની ધમકી શરૂ થયાં પછી ચંદ્રાબાબુ નાયડુ નાણાંપંચના અધ્યક્ષ એન. કે. સિંઘને મળ્યા તો એમણે નવી માહિતી આપી કે પૂર્વ અધ્યક્ષ વાય વી રેડ્ડી જે આંધ્રના જ હતા. એમણે - આવા વિશેષ દરજ્જા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો - જેથી રાજ્યો નાણાંસહાય માટે વધારાની માગણી કરે નહીં. વિશેષ દરજ્જા ઉપરાંત આંધ્રની ઓગણીસ માગણીઓ છે!  નાણાપ્રધાન અરુણ જેટલી કહે છે કે હવે રાજ્યો વચ્ચે આર્થિક - ઔદ્યોગિક વિકાસની સ્પર્ધા થઈ રહી છે ત્યારે બધાં રાજ્યો સમાન-સ્તર ઉપર છે. કોઈ એક રાજ્યને વિશેષ દરજ્જો આપવાથી અન્ય રાજ્યોની માગણી શરૂ થાય અને વિકાસની સ્પર્ધા જ અટકી જાય.  ચંદ્રાબાબુએ નવું પાટનગર `અમરાવતી' બાંધવા માટે મબલખ નાણાંનો ખર્ચ કર્યો છે અને હવે ખેંચ ઊભી થઈ છે ત્યારે નવા કરવેરા પણ નાખી શકાય નહીં, નાયડુને વિશેષ દરજ્જા કરતાં `સત્તા'ની ચિંતા વધુ છે! એમના હરીફ છે - જગનમોહન રેડ્ડી - આંધ્રના પૂર્વ મુખ્ય પ્રધાન વાયએસઆર રેડ્ડીના રાજકુમાર. એમના પિતા કૉંગ્રેસના મુખ્ય ``કુબેર-ભંડારી'' હતા. હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ પામ્યા. આ પછી જગનમોહન મુખ્ય પ્રધાનપદના દાવેદાર હતા, પણ `હાઈ કમાન્ડ'એ નામંજૂર કર્યા પછી એમણે અલગ વાયએસઆર કૉંગ્રેસ બનાવી. સમગ્ર આંધ્રમાં `યાત્રા'ઓ કરી, વિધાનસભામાં 175માંથી 106 બેઠકો મેળવી પણ તેલુગુ દેસમના નાયડુ મુખ્ય પ્રધાન બન્યા. હવે જગનમોહનનો પડકાર છે - એપ્રિલ સુધીમાં વિશેષ દરજ્જો નહીં મેળવો તો અમારા તમામ વિધાનભ્યો રાજીનામાં આપી દેશે. (દરજ્જાનું વચન કૉંગ્રેસે -સોનિયાજીની મંજૂરીથી આપ્યું હતું. આ વાત યુવાન - જગનમોહન જાણે છે અને નાયડુ સાથે કૉંગ્રેસને પણ પડકારે છે!)  જગનમોહનના સભ્યો વિધાનસભામાંથી રાજીનામાં આપે તે પહેલાં નાયડુના તેલુગુ દેસમના કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામાં આપે એવો વ્યૂહ વિચારાયો. એનડીએ સાથે સંબંધ રાખવાની વાત પાછળ નાયડુનો વ્યૂહ સ્પષ્ટ હતો કે રાજ્યની  અને લોકસભાની ચૂંટણીમાં એનડીએ સાથે રહેવામાં ફાયદો છે - રાહુલ ગાંધીએ ભલે દરજ્જાનું વચન આપ્યું છે - સત્તા ઉપર આવે ત્યારે!  આખરે દરજ્જા માટે નવી દિલ્હી સાથે લડીને રાજીનામાં આપવામાં આવે તો જ રાજ્યમાં જગનમોહન સામે લડી શકાય. આ સાથે જ ભાજપ જો પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાના પ્રયાસ કરે છે ત્યારે તેલુગુ દેસમને `જીવંત' રાખવા માટે દરજ્જાનો મુદ્દો ઉપયોગી - રામબાણ - છે! ચંદ્રાબાબુ નાયડુના શ્વશુર એનટી રામારાવે આંધ્રના અપમાનનો બદલો લઈને કૉંગ્રેસને `રાજ્યનિકાલ' કરી હતી - કૉંગ્રેસમુક્ત રાજ્ય બનાવ્યું હતું!  આમ દરજ્જા અને રાજીનામાંનું રાજકારણ છે!   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer