અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિઆ

અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિઆ
આ તસવીર આપણને શું કહે છે? એ જાણે એમ નથી કહેતી કે આ પતંગિયાની પાંખો તૂટી ગઈ છે પરંતુ હજી એ સુંદર દેખાય છે?   આપણા વડીલોનું પણ એવું જ છે, આપણા દાદા-દાદી, નાના-નાની, માતાપિતા કે અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયાથી પીડિત લોકો, તેઓ એક સમયે સામાન્ય, અદ્ભુત લોકો હતા અને હજી અંદરથી એટલા જ સુંદર છે.  તો આપણે વડીલોને `મને તમારી દરકાર છે' એવું વધુ વાર ન કહી શકીએ? ઉપરાંત આપણી આસપાસના લોકો, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જેમનું કોઈ નથી એવા લોકો તરફ પણ આ આદર અને દરકાર ન દર્શાવી શકીએ? પોતાનું કોઈ છે, પોતાને કોઈ પ્રેમ કરે છે, પોતાની દરકાર રાખે છે એવું તેમને ફીલ ન કરાવી શકાય? જીવન એક અમૂલ્ય ભેટ છે, આપણા પોતાના માટે જ નહીં પરંતુ અન્યો માટે પણ.  જેઓ પ્રથમ બીજા માટે વિચારે છે તેઓ ધન્ય છે! કારણ કે `કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા કર્મફલહેતુભુર્મા તે સંગોસ્તવકર્મણી' એટલે કે તમને કર્મ કરવાનો અધિકાર છે, એના ફળનો નહીં. ફળની કામના ન રાખો, નિસ્પૃહ ભાવે કર્મ કરો.  એક ક્ષણ માટે, આપણે વિચારીએ, `અન્યોને ખુશી આપવા માટે એટલો પ્રયત્ન ન કરીએ કે એ જ આપણા માટે જીવનનો માર્ગ બની જાય?' ચોક્કસ એથી આપણામાં વસુધૈવકુટુંબકમ્ની ભાવના ઉત્પન્ન થશે. જો કે એ બોલવામાં સરળ અને હાંસલ કરવામાં મુશ્કેલ છે.  પરંતુ આપણે ક્યાંક તો શરૂઆત કરવાની જરૂર છે. ચાલો આપણે આપણાં માતા-પિતા, દાદા-દાદીની સંભાળ લઈને, તેમના પ્રત્યે આદર દર્શાવીને આપણા ઘરથી જ એની શરૂઆત કરીએ. તેમણે આપણને કોઈ પણ જાતની અપેક્ષા વગર, બિનશરતી પ્રેમ નથી આપ્યો? આપણે ખુશ હોઈએ ત્યારે તેઓ સૌથી વધુ ખુશ દેખાય છે. શાળામાં આપણે સારો દેખાવ ર્ક્યો હોય, રમતગમતમાં પારિતોષિક મેળવ્યું હોય કે આપણાં કોઈ કાર્યમાં સફળ થયા હોય તો આપણા કરતાં તેઓ વધુ ખુશ દેખાય છે. આ લાગણીઓ સહજ પણે ઊભરાય છે કારણ કે એ બધા માટે કુદરતી પ્રતિક્રિયા છે.  આપણે ઘરના વડીલોની સંભાળ રાખવાનું, તેમનો આદર કરવાનું એકવાર શરૂ કરીએ એટલે આપણે વાકેફ થતા જઈએ છીએ અને એ આપણા સ્વભાવમાં વણાઈ જતાં આપણે બહાર પણ એ રીતે વર્તીએ છીએ. પ્રજ્ઞાચક્ષુને રસ્તો ઓળંગવામાં મદદ કરતા, ભારેખમ બેગ ઊંચકીને જતા વૃદ્ધને મદદ કરતા, વૃદ્ધ અથવા ગર્ભવતી સ્રીને બસ અથવા ટ્રેનમાં સીટ આપતાં કે અપંગને વ્હીલચેરમાં બેસાડી બગીચામાં ફેરવતાં લોકોને તમે જોયા હશે. આ જ `કેરિંગ' છે. કોઈપણ વ્યક્તિ માટે એ સ્વાભાવિક નથી?  હવે, આપણે આ સંવેદિતાને વધુ જતનથી અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયાથી પીડિત લોકો સુધી વિસ્તારીએ. ડિમેન્શિયાથી પીડિત લોકોની સંખ્યા ઝડપી ગતિથી વધતી જાય છે. અધ્યયન મુજબ ભારતમાં વરિષ્ઠ નાગરિકોમાંથી વીસ ટકા વૃદ્ધોને અલ્ઝાઈમર્સ થવાનું જોખમ છે. વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તબીબી ક્ષેત્રે સંશોધન અને પ્રગતિને કારણે આયુષ્ય પણ વધશે. એનો અર્થ સમાજમાં વૃદ્ધોનું પ્રમાણ વધુ હશે. વિભક્ત કુટુંબોની વર્તમાન વ્યવસ્થામાં આ બાબત વધુ ચિંતાજનક છે. સંયુક્ત પરિવારની પ્રથા હતી ત્યારે પરિવારના યુવાન સભ્યો વૃદ્ધોને સંભાળી લેતા હતા. આજે એવું ન હોવાથી વૃદ્ધાવસ્થા અથવા માંદગીમાં કોઈની સંભાળ રાખવા `કેરગિવિંગ'નું મહત્ત્વ વધી રહ્યું છે.  અલ્ઝાઈમર્સથી પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ કેવી રીતે વ્યક્ત કરી શકાય? શરૂઆત સમય ફાળવવાથી કરી શકો. આપણને પણ એમની એટલી જ જરૂર છે, ક્યારેક તો એમના કરતાં ઘણી વધારે.  મને ઘણીવાર કહેવામાં આવે છે કે, `તમે અલ્ઝાઈમર્સ પીડિત વ્યક્તિ સાથે જે વાત કરો છો એ તેઓ ક્યારેય જાણી કે સમજી શકશે નહીં, અથવા તમારી લાગણી સમજી શકશે નહીં.' હું તેમને બોડી લેન્ગવેજ-હાવભાવ, ઈશારા અથવા શબ્દો વગરના સંવાદનું મહત્ત્વ સમજાવું છું. ખભો થપથપાવવો, તાળી આપવી અથવા ભેટીને તમે તમારી લાગણી વ્યક્ત કરી શકો. ભેટવાથી તો તમે જે આપો એ તમને પાછું પણ મળે છે. ડિમેન્શિયા પીડિત વ્યક્તિ સાથે બિનશાબ્દિક સંવાદ વધુ હકારાત્મક અસર કરે છે.  તેઓ આપણા શબ્દો કે લાગણી સમજતા નથી એવું આપણને કેમ લાગે છે? કદાચ તેઓ તરત પ્રતિક્રિયા આપે એવું આપણે ઈચ્છીએ છીએ એટલે. આપણે યાદ રાખવું જોઈએ કે તેમના મગજની કામગીરી ઘણી ધીમી હોવાથી તેમને વધુ સમય આપવાની જરૂર છે. આથી આપણે તેમને સમજવા અને પ્રતિક્રિયા કે જવાબ આપવા વધુ સમય આપવો જોઈએ. તેમને તમારા નાણાંની જરૂર નથી કે નથી તમારી પાસે ભેટની અપેક્ષા. તેમને ફક્ત તમારી જરૂર છે. તો તમારો થોડો સમય ન આપી શકો?  તેમને કોઈ સાંભળે અથવા તેમની સાથે કોઈ વાત કરે એ તેમને ગમે છે. એ તેમની રિલેક્સ-હળવા થવાની રીત છે. તેમને ક્ષોભ ન થાય તે માટે તેઓ યાદ ન રાખી શકતા હોય એવા શબ્દો તરત બોલી નાખો. કારણ કે તેઓ શબ્દ ભૂલી જાય ત્યારે અસહાયતા અનુભવે છે. તમારું નામ તેમને યાદ ન આવે તો બોલો, ` હું..., તમને મળવા આવી છું.' આથી તેઓ ક્ષોભ નહીં અનુભવે. અને ત્યાર બાદ તમે જૂની યાદોનાં અમૂલ્ય સંભારણાને વાગોળી શકો કે આનંદની ક્ષણોને સંભારી શકો.   ઘણીવાર સ્મૃતિ તેમને દગો આપે છે અને તેઓ વિસંગત વાતો કરે છે. પ્લીઝ, ત્યારે તેમની સ્મૃતિને સુધારો નહીં. એમ કરવાથી તેમને ખોટું લાગશે, દુ:ખ થશે. ન્યાયાધીશ ન બનો.  અહીં હું, `ગો વિથ ધેર ફ્લો' - તેમની સાથે ભળી જાઓ એમ કહીશ. એમ કરવાથી, તેમનામાં વાતચીતનો  આત્મવિશ્વાસ આવશે. તેઓ કદાચ વાતચીતની પહેલ નહીં કરે, પણ તેમના ડિમેન્શિયાનું નિદાન થાય એ પહેલાં જ તેમના રસના વિષયો સાથે તેમની ઓળખાણ કરાવો. ત્યાર પછી તેઓ વાત કરવા લાગશે અને તેમની લાગણીઓ તમારી પાસે વ્યક્ત કરવા લાગશે. એનાથી તમને તેમના `િવશ્વ'માં પ્રવેશ મળશે. એનાથી તેઓ અપેક્ષા કરતાં વધુ રિલેક્સ-હળવા થઈ જશે. અને તમે પણ વધુ ધીરજથી તેમની સાથે કામ પાર પાડી શકશો, તેમની સંભાળ લઈ શકશો.  તમને જાણીને નવાઈ લાગશે કે અમારા સ્પેશિયાલાઈઝ્ડ ડિમેન્શિયા ડે કેર સેન્ટર `સ્મૃતિવિશ્વમ'માં દરેક જણ ડિમેન્શિયા પીડિત અમારા પરિવાર પ્રત્યે અત્યંત સહાનુભૂતિ અને સંવેદના ધરાવે છે. તેઓ પણ સમજે છે કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ અને આદર આપીએ છીએ. તેઓ પણ અમારા પ્રત્યેની તેમની દરકાર વ્યક્ત કરી પ્રતિક્રિયા આપે છે.  કોઈપણ પ્રેમની લાગણીથી પર નથી.   શાબ્દિક સંવાદ નિષ્ફળ જાય, ત્યારે બિનશાબ્દિક પદ્ધતિઓ અપનાવો. પરંતુ સૌથી મહત્ત્વની વાત, તમારો થોડો સમય તેમને આપવાનું યાદ રાખો, તેમની સાથે ભળી જાઓ. `જેઓ યાદ રાખી શકતા નથી તેમને યાદ રાખવા' તેમનો હાથ તમારા હાથમાં લો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer