ભરપૂર તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે...

જીવનને ભરપૂર માણવા માટે તંદુરસ્તી અનિવાર્ય છે. બદલાતા સમય સાથે જીવવા માટે તંદુરસ્તી મેળવવી તેમ જ તંદુરસ્ત રહેવું પણ પડકારરૂપ બની ગયું છે.  માણસના દીર્ઘ આયુષ્ય માટે, ખુશી માટે, આનંદ તેમ જ સમ્માન માટે પણ તંદુરસ્તી જરૂરી છે. વિશ્વભરમાંથી અનેક નિષ્ણાતોના મત મુજબ તંદુરસ્તીની પરિભાષા નીચે મુજબ રહી છે:  (1) નિરોગીપણું: કોઈ પણ પ્રકારના શારીરિક અથવા માનસિક રોગની ગેરહાજરી એટલે તંદુરસ્તી .અનેક વખત વ્યક્તિના દેખાવ કે વર્તન પરથી ખ્યાલ પણ નથી આવતો કે તેના શરીરમાં કયો રોગ છે અથવા થવાનો છે.  (2) યોગ્ય તેમ જ સંપૂર્ણ વિકાસ: જીવશાસ્ત્રીઓના મતે તંદુરસ્તી એટલે શરીરના એક એક અંગનો પૂરો - યોગ્ય તેમ જ સપ્રમાણ વિકાસ, તેની સક્ષમતા તેમ જ સંપૂર્ણ કાર્યક્ષમતા - જે સાબિત થાય છે વ્યક્તિની ચપળતા, તાકાત, જોમ, સ્નાયુઓ તેમ જ સાંધાના સહેલાઈથી થતાં હલનચલન તેમ જ વળાંક ઉપરથી.  (3) અમેરિકન કૉલેજ અૉફ સ્પોર્ટ્સ મેડિસિનના ઇન્સ્ટ્રક્ટર્સના મતે તંદુરસ્તી એટલે શારીરિક તેમ જ માનસિક, ઉચ્ચતમ ક્ષમતા, જાગરુકતા, ચપળતા, જિજ્ઞાસા, લાગણી, અન્યો સાથેના શુદ્ધ સંબંધો તેમ જ વ્યવહાર અને સમાજિક કાર્યો માટે લગાવ, ઉમંગ, તત્પરતા તેમ જ સ્વૈચ્છિક ફાળો. વિવિધ પ્રવૃત્તિઓ માટેનું અથાક જોમ.  (4) શરીરશાસ્ત્રના નિષ્ણાતોના મતે તંદુરસ્તી એટલે શારીરિક તેમ જ માનસિક સ્થિતિ જે નિયોજિત કાર્ય હંમેશા સરળતા- સફળતાથી પાર પાડે.  (5) વેલનેસ એક્સ્પ્ર્ટ્સના મતે તંદુરસ્તી એટલે જીવનભર જળવાય રહે તેવી પ્રેરક, જોમવંત, શારીરિક તેમ જ માનસિક, વિવિધ પરિમાણ (શારીરિક, માનસિક ઉપરાંત ભાવનાત્મક અને આધ્યાત્મિક) વાળી સ્થિતિ.  ખૂબીની વાત એ છે કે નિષ્ણાતો જણાવે છે કે ઉપર જણાવેલી સ્થિતિ જેમાં અખંડ તંદુરસ્તી જોવા મળે છે તે નીચે જણાવેલાં પ્રકારના લોકો પાસે મોટે ભાગે  હોય છે.  (1) મહાન વિજ્ઞાનીઓ, (2) ચિંતકો, (3) સફળ ખેલાડીઓ, (4) સંત પુરુષો, (5) સાચાં સમાજસેવકો.  વિજ્ઞાનીઓ એવું પણ જણાવે છે કે તંદુરસ્તી આનુવંશિકતા ઉપર પણ અવલંબિત હોય છે જેને લીધે વ્યક્તિ લાંબું તેમ જ તંદુરસ્ત આયુષ્ય ભોગવી શકે છે, પરંતુ આવું દરેક કિસ્સામાં શક્ય પણ નથી બનતું કારણ કે આનુવંશિકતા ઉપરાંત આજુબાજુના સંજોગો, વાતાવરણ, પરિસ્થિતિ, કુદરતી પર્યાવરણ વગેરેનો પણ પ્રભાવ તંદુરસ્તીની સ્થિતિમાં બદલાવ લાવતો હોય છે.  જો કોઈ વ્યક્તિ શારીરિક કે માનસિક રીતે બિમાર કે નબળી હોય તો તેના વંશજમાં 50 ટકા આ ઉણપ આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે, પરંતુ આવાં વંશજને સાનુકૂળ, પ્રોત્સાહક, સહાનુભૂતિયુક્ત, લાગણીસભર તેમ સહકારપૂર્ણ વાતાવરણ મળી જાય તો આનુવંશિક બિમારીથી પણ બચી જાય.  વધુ અભ્યાસ બતાવે છે કે આનુવંશિક માન્યતાઓ, અંધશ્રદ્ધા, વહેમ, રીતિરિવાજો, સાચી-ખોટી અપેક્ષા તેમ જ આકાંક્ષા તેમજ અજ્ઞાનતા વ્યક્તિને દુ:ખી, હેરાન-પરેશાન તેમ જ બિમાર બનાવવામાં મોટો ભાગ ભજવે છે. આવું ન થાય માટે જ્ઞાન-વિજ્ઞાન, માનવતા, ધૈર્ય વગેરેનો સહારો અનિવાર્ય બને છે. જીવનના સાચા સિદ્ધાંતો, નિયમો, ધોરણો, ગૌરવ, ઉપયોગિતા, જવાબદારીઓ, સૌ માટેનો આદર, પૂજ્યભાવ અને પ્રેમ વ્યક્તિની તંદુરસ્તી, આરોગ્ય તેમ જ સુખાકારીના મૂળ છે.  અનેક લોકો અવિરત ચિંતા કરતાં રહે છે. માનસિક રીતે ઘવાયેલાં રહે છે. તેવાં લોકોના વિચારો તેમનાં પ્રતિભાવો તેમ જ તેમની અન્ય નકામી પ્રવૃત્તિઓ તેમને બિમારીમાંથી મુક્ત થતાં રોકે છે. તેમની અંદરની રુઝાવાની શક્તિ ક્ષણી બની જાય છે. તાણ, ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ, બીજામાંનો અવિશ્વાસ વગેરે તેમને કાયમી દર્દી બનાવી દે છે.  સાલ 1822માં ડૉક્ટર ઇઝાક જેનિન્ગસે પોતાની વીસ વર્ષની તબીબી પ્રૅક્ટિસ પછી માન્યું કે કુદરતી રીતે પણ માણસના આરોગ્યનું સંરક્ષણ થઈ શકે છે. આથી બીજાં વીસ વર્ષ તેમણે `નો ડ્રગિંગ' પદ્ધતિથી પ્રૅક્ટિસ કરી અને અતિ સફળ પરિણામો મેળવ્યાં. આમ કરતાં લોકોને દવાઓની આડઅસરથી  તો બચાવ્યાં, પરંતુ ખોટાં ખર્ચાથી પણ દૂર રાખ્યાં.   આમ 40 વર્ષની તબીબી પ્રૅક્ટિસ પછી તેમને પોતાને એક નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ અને તેમને સમજાયું કે બિમારી થવાનું એક મુખ્ય કારણ ઘટી ગયેલી જીવનશક્તિ હતું. અનેક લોકોની જીવનશક્તિ ગેરમાર્ગે દોરાયેલી રહેતી. પોતાના આટલાં વર્ષોના અનુભવનો નિચોડ તેમણે આ રીતે વર્ણવ્યો છે.  (1) પ્રવૃત્તિ અને આરામ/ઊંઘના નિયમ પાળો - બન્નેને ન્યાય આપો.  (2) જીવનશક્તિ એક બાજુ વપરાતી હોય છે તેમ જ બીજી બાજુ તે સંઘરાતી પણ હોય છે. ખાસ જરૂર પડયે તે કામમાં આવે છે. આત્મવિશ્વાસથી જીવો.  (3) કુદરતી રીતે જ જીવનશક્તિનું વિતરણ શરીરના જુદાજુદા અંગોમાં તેમની મહત્તા તેમ જ ઉપયોગિતા મુજબ થતું હોય છે.  (4) જ્યારે ઝેરી તત્ત્વ શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીર જાતે જ પોતાની રીતે પ્રતિક્રિયા આપે છે તેમ જ પ્રતિભાવ આપે છે અને ફરી પાછું પૂર્વ સ્થિતિએ ફરવાનું વલણ ધરાવે છે. ઘણીય વખત ઝેરી તત્ત્વોની ફરતે કિલ્લાબંધી જેવું  કરી શરીરના અવયવોને નુકસાન થતું રોકે છે. ઉપરાંત ઝાડા, ઊલટી, પેશાબ કે પસીના વાટે તેમ જ છીંક, ખાંસી, કફ વાટે પણ ઝેરી તત્ત્વને બહાર ફેંકી દઈ તેનો નિકાલ કુદરતી રીતે કરે છે.  રજૂઆત : - બકુલેશ આર. ઠક્કર   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer