ગોરેગામ સુધીની હાર્બર ટ્રેન કોણ દોડાવશે?

મધ્ય અને પશ્ચિમ રેલવે તંત્રમાં મોટરમૅન બાબતે વિવાદ  મુંબઈ, તા. 24 : ગોરેગાંવ સુધી હાર્બર લાઈન વિસ્તારિત કરવાનું કામ અનેક અડચણો બાદ પૂર્ણ થઈ ગયું છે. રેલવે સુરક્ષા દળે આ રૂટ પર ટ્રાયલ પણ કરી લીધી છે, પરંતુ મોટરમેનોની અછત હોવાને કારણે ગોરેગાંવ હાર્બર માર્ગ સુધી આ લોકલમાં મોટરમેન `મધ્ય કે પશ્ચિમ' રેલવેના હશે તે બાબતે બન્ને રેલવે પ્રશાસનમાં વિવાદ ચાલુ છે. આવતા શુક્રવારે રેલવેપ્રધાન દ્વારા ઉદ્ઘાટનની યાદીમાં `હાર્બર ગોરેગાંવ ઉદ્ઘાટન' કાર્યક્રમનો સમાવેશ છે. પરંતુ મોટરમેનનો પ્રશ્ન હજી પણ ઊભો જ છે.   હાલ મધ્ય અને પશ્ચિમ રેલવે પ્રશાસન મોટરમેનની અછતને કારણે ત્રસ્ત છે. મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ, કસારા, કર્જત રૂટ પર દરરોજ 1732 લોકલ ટ્રેનો દોડે છે. આ માટે મધ્ય રેલવે પાસે 675 મોટરમેન છે. મધ્ય રેલવેને કુલ 898 મોટરમેનનાં પદની મંજૂરી છે. આથી મધ્ય રેલવેમાં 223 મોટરમેનોની જરૂર છે. તેથી હાર્બર રૂટ પર શરૂ  થનારી નવી લોકલો માટે મધ્ય રેલવે ઉત્સુક ન હોવાનું મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.   પશ્ચિમ  રેલવેમાં ચર્ચગેટથી વિરાર, દહાણુ સુધી દરરોજ 1355 ટ્રેનો દોડે  છે. પશ્ચિમ રેલવે પાસે 479 મોટરમેન છે. મોટરમેન માટે મંજૂર થયેલી જગ્યા કરતાં વીસ ટકા જગ્યા ખાલી હોવાનું  પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પહેલેથી જ મોટરમેનની અછત હોવાથી ગોરગાંવ હાર્બર લાઈન માટે મોટરમેન પશ્ચિમ કે મધ્ય રેલવે પૂરા પાડશે તે બાબતે વિવાદ ચાલે છે.   હાર્બર ગોરેગાંવ વિસ્તારીકરણનું કામ મુંબઈ રેલવે વિકાસ મંડળે પૂર્ણ કર્યુ છે. આ રૂટ પર પહેલા મધ્ય રેલવે બમ્બાર્ડિયર લોકલ દોડાવશે.  ગોરેગામ અને જોગેશ્વરી સ્ટેશનનાં પ્લૅટફૉર્મ નંબર બદલાશે  હાર્બર લાઈન ગોરેગાંવ - જોગેશ્વરી સુધી વિસ્તારિત થવાની હોવાથી ગોરેગાંવ, રામમંદિર અને જોગેશ્વરી સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબરો 26 ફેબ્રુઆરીથી બદલવામાં આવશે. ગોરેગાંવમાં હાર્બર લાઈનનાં પ્લેટફોર્મ નંબરને એક અને બે નંબર આપવામાં આવશે. જ્યારે જોગેશ્વરીમાં હાર્બર લાઈનનાં પ્લેટફોર્મને પાંચ નંબર અને છ નંબર આપવામાં આવશે. અને રામ મંદિરમાં હાર્બર લાઈનનાં પ્લેટફોર્મને એક અને બે નંબર આપવામાં આવશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer