સરદાર પટેલનો મુસલમાન વિરોધ-માન્યતા અને વાસ્તવિક્તા

સરદાર પટેલનો મુસલમાન વિરોધ-માન્યતા અને વાસ્તવિક્તા
સરદાર પટેલ જેવી મહાન વ્યક્તિ ઉપર મોટો અન્યાય થયો છે અને તેમને મુસલમાન સમુદાય પ્રત્યે દ્વેષ રહ્યો હોય તેમ કહેવામાં આવે છે. હકીકત તો એ છે કે તેઓ એ બધા લોકો પ્રત્યે અવિશ્વાસ રાખતા હતા જેમની માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા ઉપર પ્રશ્નાર્થ હોય, ભલે પછી તે વ્યક્તિ હિન્દુ હોય કે મુસલમાન. સરદાર એક ચોખબોલા વ્યક્તિ હતા અને શબ્દોમાં કડક હતા જેથી કોઈ વાર ગર્ભિત સૂચન કરતા હોય એમ લાગતું. મુસલમાનો પ્રત્યેના તેમના પ્રેમનો ખાસ પુરાવો તો તેમનાં કાર્યો અને શબ્દો છે. એક દિવસ મોડી સાંજે સરદારને ખબર મળ્યા કે ઉત્તર ભારતના મુસલમાનોને લઈને આવતી ટ્રેન અમૃતસરમાંથી પસાર થવાની હતી ત્યારે શીખોએ  મુસલમાનોને મારી નાખવાની યોજના ઘડી હતી અને ટ્રેન આવે કે તરત એ મુસલમાનોને મારી નાખવાના હતા, એમ સંખ્યાબંધ મુસલમાનોનો જીવ તોળાતો હતો અને તેઓ મરી જઈ શક્યા હોત.  સરદારે એક ક્ષણ પણ ગુમાવ્યા વિના અને એ ટાઢની રાતે તેઓ પોતે વિમાનમાં સીધા અમૃતસર પહોંચી ગયા અને સીધા સુવર્ણ મંદિરે હંકારી ગયા. અહીં તેમણે શીખ સમુદાયને અપીલ કરી કે મુસલમાનોને લાવતી એ ટ્રેનને અમૃતસર રેલવે સ્ટેશનથી સુખરૂપ અને સુરક્ષિત રીતે પસાર થવા દે. તેમની અપીલ જાદુ કરી ગઈ. અપીલ કરવાથી તેઓ સફળ થયા. પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું : ``િનર્દોષ અને નિર્બળ પુરુષો, ત્રીઓ અને બાળકોની કતલ કરવી એ કોઈ વીર લોકોને શોભે તેવું કામ નથી : એ તો જંગલની લડાઈ થઈ અને અમાનવીયતા અને અસભ્યતાની નિશાની છે.'' સરદારે આ પ્રકારે વિશિષ્ટ પ્રયત્ન કરીને બન્ને સમુદાયોનો મહાન સંગ્રામ અને રક્તપાતને અટકાવ્યાં. વળી તેઓ સ્વયં ટાઢમાં ઊભા રહીને સવારે પાંચ વાગે અમૃતસર સ્ટેશને હાજર રહ્યા, અને એ ટ્રેનને પાકિસ્તાન જવા રવાના થવાની લીલી ઝંડી તેમણે જ આપી. સવારે સાત વાગે સરદાર દિલ્હીમાં આવી પહોંચ્યા. આ ઉદાહરણથી પણ સરદાર મુસલમાનોના વિરોધી હતા એમ કહેવું તે તેમને સદંતર અન્યાય કરવા સમાન છે.  લખનઊ ખાતે સરદારે 6 ડિસેમ્બર 1947ના રોજ આપેલા નિવેદન માટે પણ ઘણી ટીકા થઈ છે. તેમણે તો માત્ર એટલું જ કહ્યું કે જે મુસલમાનો જેઓ ભારતમાં રહી ગયા છે, અને જે ભારતમાં જ રહેવા ઈચ્છે છે, તેમની પોતાની વફાદારી કેવળ ભારત પ્રત્યે હોવી જોઈએ. આમાં કોઇને શું વાંધો હોઈ શકે? દરેક નાગરિકની એ ફરજ છે કે તે પોતાની માતૃભૂમિ પ્રત્યે વફાદાર રહે. દરેકે દરેક નાગરિકની માતૃભૂમિ પ્રત્યે વફાદારીની ફરજ તો બને જ છે.   રામ-જન્મભૂમિ અને બાબરી મસ્જિદના મુદ્દાની શરૂઆત ડિસેમ્બર 1947માં શરૂ થઈ ત્યારે યુ.પી.ના મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંતને કેન્દ્રના ગૃહમંત્રી તરીકે સરદારે જે ખાનગી પત્ર લખ્યો તેના કેટલાક અંશ અહીં જોવા જરૂરી છે. તેમણે લખ્યું : ``હું સમજી શકું છું કે જે સ્થિતિ છે એની પાછળ ઘણી સંવેદનાઓ છે. પરંતુ તેમાં જો આપણે આવી બાબતોમાં મુસલમાન સમુદાયની રાજીખુશીથી આપેલી સંમતિ લઈએ તો તે શાંતિથી ઉકેલી શકાય. આવા મતભેદો બળજબરીથી ઉકેલવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.'' આવા મહાન સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની ધર્મનિરપેક્ષતા ઉપર શંકા કરવી તે તો ભારતના આ મહાન સપૂતની સ્મૃતિનું ગંભીર અપમાન કરવા સમાન છે.  ઝનૂની વ્યક્તિ સિવાય અન્ય કોઈનો વિરોધ વલ્લભભાઈએ કદી કર્યો નથી. જો તમે ઝનૂની હો, તો તેઓ તમારા વિરોધી છે, પછી તમે હિંદુ હો, શીખ હો કે મુસલમાન હો. આમ તેમને મુસલમાન-વિરોધી તરીકે ખપાવવા એ ખોટું છે. હકીકતો અને દાખલાઓ જે નવમા પ્રકરણમાં આવે છે તે આ જ વાતનું સમર્થન કરશે. એક ગૃહમંત્રી તરીકે તેમનામાં એ હિંમત હતી કે આર. એસ. એસ. નો નિષેધ જાહેર કરે. આ સંસ્થા ભારતના ઈતિહાસમાં માત્ર બે વાર બહિષ્કૃત થઈ છે. પહેલી વાર તો સરદાર વલ્લભભાઈએ કરી ત્યારે. કલ્પના કરો કે આ કામ કહેવાતી અને મનાતી એક મુસલમાન-વિરોધી વ્યક્તિએ કર્યું છે. કેમ ? કારણ કે તેઓને કોઈ પણ પ્રકારના ઝનૂનને આગળ ધપવા દેવું નહોતું. તેમને ઝનૂની હિન્દુઓ પણ ખપતા નહોતા. ઝનૂની મુસલમાનો પણ નહીં અને ઝનૂની શીખો પણ નહીં જ. બીજી વાર આર. એસ. એસ. ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન `કટોકટી'ના સમયે બહિષ્કૃત થયું અને તેનાં કારણો ઘણાં જુદાં હતાં. આમ આપણે ચોક્કસ કહી શકીએ કે પટેલનો અભિગમ સંપૂર્ણ રીતે કોમવાદરહિત અને ધર્મનિરપેક્ષ હતો. હિન્દુ મહાસભાને તેમણે કહ્યું :  ``જો તમે એમ માનતા હો કે તમે જ એકલા હિન્દુ ધર્મના રક્ષક છો, તો તે તમારી ભૂલ છે. હિન્દુ ધર્મ જીવનમાં વ્યાપક અને સર્વગ્રાહી દૃષ્ટિ રાખવાનો બોધ આપે છે. ધાર્યા કરતાં પણ વધુ સહિષ્ણુતા હિન્દુ ધર્મમાં રહેલી છે. મોટા ભાગના વિદ્વાનો એ વાતે સહમત છે કે વિશ્વભરમાં હિન્દુ ધર્મ કરતાં વધારે સહિષ્ણુ અને ઉદારચિત્ત ધર્મ ક્યાંય નથી. તે સહુથી વધુ સહિષ્ણુ અને સહનશીલ ધર્મ છે. એને લીધે જ દરેકે દરેક ધર્મ અને સંપ્રદાય અહીં ફાલ્યાફૂલ્યા છે.''   કલકત્તા ખાતે જાન્યુઆરી 1948ના રોજના તેમના પ્રવચનમાં સરદાર પટેલે દેશને ચેતવણી આપી કે `િહન્દુ રાજ' જેવા મુદ્દે કદી ગંભીર વાતચીત થઈ ન શકે. ભારતે ધર્મનિરપેક્ષ રાજ્ય ઘડયું છે. તેમણે અત્યંત ગંભીરતાથી જાહેર કર્યું :  `જો કદી સરકાર નાતજાત, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ કર્યા વિના સમગ્ર વસ્તીના ટ્રસ્ટીઓ તરીકે વર્તી ન શકે, તો તે એક દિવસ પણ સત્તા ઉપર રહેવાને યોગ્ય નથી.'  ફેબ્રુઆરી 1949માં પણ સરદારે `િહન્દુ રાજ'ના વિચારને એક પાગલ ખ્યાલ ગણાવ્યો. તેના દસેક અઠવાડિયાં અગાઉ જ એમણે કહ્યું હતું કે દરેક મુસલમાનને એક ભાઈની જેમ ગણવો જોઈએ. તેમને મન 1947માં થયેલી હિન્દુ અને મુસલમાનોની કતલો ભારતના ઈતિહાસનું સર્વાધિક કાળું પ્રકરણ હતી. તેમ છતાં તેમને આર. એસ. એસ.ની સંખ્યા અને શિસ્ત પસંદ હતાં અને એ વાતે પણ તેઓ ખુશ હતા કે એ સંસ્થાએ 1947માં અસંખ્ય હિન્દુઓને બચાવ્યા હતા. નહેરુ આર. એસ. એસ. ના આ હકારાત્મક પાસાંને બહુ મહત્ત્વ આપવા રાજી ન હતા અને સરદારે જાહેર કરેલા તેના નિષેધ સાથે સહમત હતા અને વળી એ વાતે પણ સરદાર સાથે સહમત હતા કે આ નિષેધ તેમ જ તેના હજારો સભ્યોને કોઈ ખટલા ચલાવ્યા વિના જેલમાં અનિશ્ચિત સમય માટે  રાખવા, એ પણ અશક્ય હતું. જુલાઈ 1949માં જ્યારે આર. એસ. એસ.ના પ્રમુખ ગોલવલકરે સરદારે રજૂ કરેલી શરતો સ્વીકારી ત્યારે નિષેધ ઉઠાવી લેવાયો અને તેમને અને તેમના સાથીઓને કેદમાંથી મુક્ત કરાયા. આ માટેની શરતોમાં મુખ્ય એ હતી કે આ સંસ્થાએ પોતાનું એક બંધારણ ઘડવું જે લિખિત હોય અને પ્રકાશિત કરેલું હોય, વળી હિંસા અને ગુપ્તતાને તિલાંજલિ આપવી, ભારતીય બંધારણ તેમ જ ધ્વજને આદર આપવો, અને એક લોકશાહી માળખું રચવું.  કેટલાક લોકો હજી એમ માને છે કે, અને ખાસ તો મુસલમાન સમુદાયમાં, કે સરદાર મુસલમાન-વિરોધી હતા અને હિન્દુત્વના ઝનૂની હતા. એ તો નિ:શંક છે કે સરદાર હિન્દુ હતા અને તે બાબતે ગર્વ પણ અનુભવતા હતા. હિન્દુ હોવું એ કોઈ રાષ્ટ્રીય અપરાધ નથી અને તેનો અર્થ હરહંમેશ એમ પણ નથી થતો કે હિંદુ હોય તે મુસલમાન-વિરોધી જ હોય. સરદારે તેમનાં પ્રવચનોમાં વારંવાર એ સ્પષ્ટ કર્યું કે એક વફાદાર મુસલમાન  પણ એક વફાદાર હિન્દુની સમાન જ ભારતીય ડોમિનિયનમાં અપાતા સુરક્ષા અને વિશેષાધિકારોનો હકદાર છે. મુસ્લિમ લીગને સ્વતંત્રતા અગાઉ સમર્થન આપેલું હોય કે સ્વતંત્રતા પછી  પણ પાકિસ્તાન જવાનો ખ્યાલ રાખતા હોય અથવા તે  ડોમિનિયનને માટે સહાનુભૂતિ રાખતા હોય તેવા જ મુસલમાનો ઉપર તેઓ કડક થતા.   તેમણે તેમના સમયમાં ઉચ્ચ સ્થાનો ઉપર મુસલમાનોની નિમણૂક કરેલી છે. રામપુર અને ભોપાલના રાજવીઓ સાથે તેમના સંબંધો, તેમ જ જે રીતે તેમને નિઝામે પણ પસંદ કર્યા એ બધું દેખાડે છે કે તેઓ મુસલમાન વિરોધી નહોતા. ભોપાલના નવાબની કુંવરી પોતાના પતિને મળવા પટૌડી જવા ઈચ્છતી હતી ત્યારે રમખાણો ચાલુ હતાં તેથી સરદારે તેને સ્વયં ત્યાં લઈ જવાની અને પટૌડીમાં રહે ત્યાં સુધી એ દંપતીની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી. જુદા રાજકીય પક્ષ તેમ જ જુદા સમુદાયના હોવા છતાં તેમણે જોશ મલિહાબાદીને ઉર્દૂ સામયિક `આજ કલ'ના જવાબદાર તંત્રી તરીકે  માહિતી અને પ્રસારણ ખાતામાં નિમ્યા હતા. દિલ્હીના  પ્રથમ ચીફ કમિશનર અૉફ પોલીસ તરીકે જેને તેમણે નિમ્યા તે હતા એક મુસલમાન, ખુરશીદ અહમદ ખાન.  સ્વતંત્રતાના સંઘર્ષના શરૂઆતના તબક્કે પણ તેમના ઘણા મુસલમાન મિત્રો હતા. તેમાંના એક હતા અબ્બાસ તૈયબજી, અને તેમના કારણે બારડોલીમાં તેઓ મુસલમાનોનું પૂર્ણ સમર્થન મેળવી શક્યા હતા.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer