કૌભાંડ : મોદી સરકારે `પ્રતિષ્ઠા'' જાળવી રાખવી પડશે

આજની વાસ્તવિકતા કેવી છે - ચૂંટણીની પ્રચારસભાઓમાં રાજકીય નેતાઓ સામસામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે ત્યારે નીરવ મોદી, ચોક્સી અને કાનપુરના કોઠારીના ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યા છે. ભ્રષ્ટાચાર પકડાય છે પણ ભ્રષ્ટાચારીઓ ક્યારે પકડાશે તે સવાલ છે. સરકારી એજન્સીઓએ તાત્કાલિક તપાસ અને ધરપકડ શરૂ કરી છે તેની નોંધ લેવી જોઈએ. ભૂતકાળમાં ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યા પછી તત્કાલીન સરકાર - નેતાઓએ ભ્રષ્ટાચારીઓને ભગાડયા હતા, પકડયા નહોતા! આ વખતે વર્ષોથી પંજાબ નેશનલ બૅન્ક અને અન્ય બૅન્કોના કર્મચારીઓના સહકારથી બેફામ લૂંટ ચલાવ્યા પછી જવાબદાર ગણાતા રિંગ લીડરો ભાગી છૂટયા કારણ કે ભારતમાં એમને બચાવનાર સરકાર નથી.  અબજો રૂપિયાનાં ફ્રોડ - કાવતરાંની તપાસ ક્યારે પૂરી થશે અને આરોપીઓ ક્યારે પકડાશે તે કહી શકાય નહીં પણ મોદી સરકારે પરિણામ જલદી - આગામી ચૂંટણી પહેલાં બતાવીને વિરોધીઓને જવાબ આપવો પડશે. સરકાર સામે આ એક મોટો પડકાર છે. વળી યોગાનુયોગ કેવા છે કે આ ભ્રષ્ટાચારી `હીરાઓ' મોટાં ગુજરાતી માથાં છે - અને છતાં એમણે ભાગવું પડયું છે - કોઈ બચાવી શક્યું નહીં. મોદી સરકારે આ ``પ્રતિષ્ઠા'' હવે પછી પણ જાળવી રાખવી પડશે.  હીરાઉદ્યોગમાં આ ધડાકો થયા પછી સોશિયલ મીડિયામાં અને અખબારોમાં હીરાઉદ્યોગના ભાવિની ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને સુરત હીરાઉદ્યોગનું પાટનગર ગણાય છે તે જોખમમાં હોવાની - બેલ્જિયમ અથવા અન્યત્ર વિદેશમાં સ્થળાંતર થવાની વાતો ચર્ચાઈ રહી છે. અલબત્ત - આટલા હાઉ પછી ભ્રષ્ટાચાર પકડાયો છે તે મહત્ત્વનું છે અને એક પેઢીના કારણે સમગ્ર ઉદ્યોગ ``ઊઠી'' જાય તે શક્ય નથી. આમ છતાં હીરા-ઝવેરાત ઉદ્યોગના આપણા અગ્રણીઓએ સાવધાન રહીને પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ આ દિશામાં સક્રિય બનવું પડશે. ઉદ્યોગનો વિશ્વાસ અને વિશ્વ હીરાબજારનો ભારત ઉપરનો વિશ્વાસ ડગી ગયો હોય તો તે સંભાળી લેવો જોઈએ. કેન્દ્ર સરકાર અને એજન્સીઓ ઝડપથી તપાસ પૂરી કરે તે અનિવાર્ય છે. રોજગારી ઉપર પણ વિપરીત અસર પડે નહીં તેની ચિંતા છે. આર્થિક અસર - ઉદ્યોગના ભાવિ ઉપરાંત આ કેસમાં રાજકીય અસર પણ છે.  હીરાઉદ્યોગ ઉપરાંત જાહેર ક્ષેત્રની બૅન્કોની કામગીરી વિવાદાસ્પદ અને હવે ચિંતાકારક છે. સરકારી બૅન્કો ઉપરનો જનતાનો વિશ્વાસ ડગી રહ્યો છે. સહકારી ક્ષેત્રની બૅન્કોના ભ્રષ્ટાચાર જગજાહેર છે અને તેનો ભોગ જનતા બને છે. સરકારી બૅન્કોને ટકાવી રાખવા માટે કેન્દ્ર સરકાર અબજો રૂપિયા આપે છે, પણ આ બૅન્કો તળિયાં વિનાની તિજોરીઓ છે! દાયકાઓથી આવી નબળી બૅન્કોને અન્ય સધ્ધર બૅન્કો સાથે જોડી દેવાની વાતો થાય છે, પણ નક્કર પ્રગતિ નથી. હવે ભ્રષ્ટાચારની તાજી ઘટના પછી ખાનગીકરણ કરવાની - સરકારી બૅન્કો ખાનગી ક્ષેત્રને સોંપવાની માગણી જોર પકડી રહી છે, પણ કેન્દ્ર સરકારે આ દિશામાં સાવધાન રહેવાની જરૂર છે. સ્થાપિત હિતોના હાથમાં જનતાનાં નાણાં સોંપી શકાય નહીં. સરકારી બૅન્કોના વહીવટમાં જ મૂળભૂત સુધારા કરવાની અને તે ઉપર દેખરેખ રાખવી જોઈએ. ખાનગી ક્ષેત્ર સાથે સ્પર્ધા હોવી જોઈએ અને જનતા પાસે વિકલ્પ પણ હોવા જોઈએ. ખાનગી બૅન્કોની મનમાની અને જોહુકમીના દાખલા પણ મળી રહ્યા છે. વળી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની `જનધન' યોજનાનો લાભ અત્યારે કરોડો લોકોને મળી રહ્યો છે. સરકારી બૅન્કોનાં ખાનગીકરણમાં ઉતાવળ થાય તો નોટબંધી જેવી અંધાધૂંધી થશે. ખાનગીકરણની માગણી કરતી ``લોબી''નું અર્થકારણ છે અને વિપક્ષોનું રાજકારણ છે... સરકારે સમતુલા જાળવવી પડશે.  ભ્રષ્ટાચારના રાજકારણમાં આક્ષેપબાજી થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર પછી ઉત્તર પ્રદેશમાં ઉદ્યોગપતિઓ અને ઔદ્યોગિક મૂડીરોકાણ આકર્ષવા માટે `સમિટ' - શિખર પરિષદો યોજાઈ ગઈ. આવી શરૂઆત નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં થઈ હતી. હવે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં જે પ્રતિસાદ અને ઉત્સાહ સાંપડયો છે તે પ્રોત્સાહક છે. રાજ્યો વચ્ચે આવી સ્પર્ધા થાય તો અર્થતંત્ર ગતિથી વિકસી શકે, પણ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા શરદ પવારને ગુજરાત-દ્વેષ છે? તેઓ કહે છે દેશના ભોગે ગુજરાતને લાભ મળે છે!   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer