વિદેશમાંય ભ્રષ્ટાચારમાં ભારતીયો આગળ... દક્ષિણ આફ્રિકાના ગુપ્તાબંધુઓનાં કારનામાં

વિદેશમાંય ભ્રષ્ટાચારમાં ભારતીયો આગળ...  દક્ષિણ આફ્રિકાના ગુપ્તાબંધુઓનાં કારનામાં
કેટલાંક નામને વરદાન હોય છે (કે પછી શાપ?) સહારાનો જ દાખલો લો ને. ભારતમાં સહારા ગ્રુપના વડા સુબ્રતો રોય સહારા ઊર્ફે સહારાશ્રી આર્થિક ઘાલમેલના આરોપસર જેલમાં છે. તો દક્ષિણ આફ્રિકામાં પણ સહારા કૉમ્પ્યુટર્સ નામની કંપનીના મોટાં માથાં ન માત્ર ચર્ચામાં છે, બલકે તેમના પર તપાસ, અદાલતી કાર્યવાહી અને સજાની તલવાર ઝળૂંબી રહી છે. બંને સહારા વચ્ચે કોઈ સંબંધ નથી પણ દક્ષિણ આફ્રિકામાંની સહારા પાછળ મૂળ ભારતના ઉત્તર પ્રદેશના સહારનપુરના ત્રણ ગુપ્તાબંધુઓ છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથેની સાઠગાંઠને પગલે ત્રણ દાયકા કરતાં ઓછા સમયમાં આ ગુપ્તાબંધુઓની વગ સરકારી તંત્રમાં એ હદે હતી કે, ખુદ રાષ્ટ્રપતિ ઝુમા તેમને પૂછ્યા વિના પાણી પણ પીતા નહીં. ઝુમા પાછા ભ્રષ્ટાચારની રમતના ઝૂના (સોરી, જૂના) જોગી છે. ગુપ્તાબંધુઓની કંપનીઓ સાથે ઝુમા ખાનદાનના એટલા બધા લોકો સંકળાયેલા છે કે, દક્ષિણ આફ્રિકામાં આ બે પરિવાર ગુપ્તાઝ (ઝુમા+ગુપ્તા) તરીકે ઓળખાય છે. રંગભેદની નીતિ સામે લડીને દેશને આઝાદ કરાવનારા નેલ્સન મંડેલા સાથે જેકબ ઝુમા પણ લડયા હતા. પણ, દેશના રાષ્ટ્રપતિ બન્યા બાદ અને લગભગ આઠેક વાર અવિશ્વાસના ઠરાવમાંથી ઊગરી ગયેલા ઝુમાએ જે બેફામપણે ભ્રષ્ટાચાર આચર્યા હતા, તેને કારણે તેમને આખરે પદ છોડવું પડયું છે અને ગુપ્તાબંધુઓ પર પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે અને અજય, અતુલ અને રાજેશમાંથી અજય દક્ષિણ આફ્રિકા છોડી ગયો છે. અજય દુબઈમાં છે એવા અહેવાલો વચ્ચે સમાચાર આવ્યા છે કે, ઉત્તરાખંડમાં તેને ઝેડ પ્લસ કેટેગરી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. 1993માં દક્ષિણ આફ્રિકા પહોચેલા આ ભાઈઓએ કઈ રીતે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું એ એક આશ્ચર્ય છે. આફ્રિકા ખંડના તવંગરોની કોઈ સત્તાવાર યાદીમાં ગુપ્તાબંધુઓ સ્થાન ધરાવતા ન હોવા છતાં કૉમ્પ્યુટર, ખાણકામ ટેક્નૉલૉજી, હવાઈયાત્રા અને મીડિયા તથા અન્ય વ્યવસાયોમાં તેમનો પગપેસારો છે અને દસેક હજાર કર્મચારીઓ તેમના માટે કામ કરે છે.  ગુપ્તાબંધુઓની સફળતા ગાથા આશ્ચર્યોથી ભરપૂર છે. 1993માં પિતા શિવકુમાર ગુપ્તાના કહેવાથી અતુલ દક્ષિણ આફ્રિકા આવ્યો. શિવકુમાર ગુપ્તાને કોઈ અકળ કારણસર એવું લાગતું હતું કે, આફ્રિકા હવે પછીનું વિશ્વનું બીજું અમેરિકા બનશે. એવી જગ્યા જે શક્યતાઓ અને તકની ભૂમિ હશે. સહારનપુરમાં સહારા ગ્રુપ નામની નાનકડી કંપનીએ દક્ષિણ આફ્રિકામાં કૉમ્પ્યુટરનો વ્યવસાય શરૂ કર્યો. નવા-નવા પગભર થયેલા આ દેશના તંત્રમાં અમલદારશાહીની લાંબી પળોજણ નહોતી અને પ્રથમ વ્યવસાય શરૂ કરવામાં સરકારી તંત્ર સાથે થયેલા સંપર્કને અતુલના ગણતરીબાજ મગજે નવો આકાર આપવાનું ઠરાવી દીધું હતું. ભારતમાં રેશનિંગની દુકાનો ચલાવતા તથા ટેલ્કમ પાઉડરમાં વપરાતા સોપસેંડ પાઉડરનું વિતરણ કરતા. વળી, ઝાંઝીબાર અને માડાગાસ્કરમાંથી તેજાના આયાતનું પણ તેમનું કામકાજ હતું અને આમ આફ્રિકા તકની ભૂમિ હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું. અતુલના મોટા ભાઈ અજયે ચીનમાં પગદંડો જમાવવાનો પ્રયાસ કરી જોયો હતો પણ ત્યાં કશું જ ન વળતાં પિતાએ અતુલને દક્ષિણ આફ્રિકા મોકલી આપ્યો. 1997 સુધીમાં કૉમ્પ્યુટરનો ધંધો જામવા લાગ્યો અને બીજા બે ભાઈઓ પણ દક્ષિણ આફ્રિકા પહોચ્યા. 1994માં દસ લાખ રેન્ડ (દક્ષિણ આફ્રિકાનું ચલણ) સાથે અતુલે શરૂઆત કરી હતી અને 1997માં એક અબજ રેન્ડ પર કંપની પહોંચી ગઈ હતી. આજે ગુપ્તાપરિવાર દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ નફરત કરાતો પરિવાર છે. આફ્રિકન નેશનલ કૉંગ્રેસના (એએનસી) નેતાઓ સાથે ગુપ્તાભાઈઓનો ઘરોબો બહુ જૂનો છે. 2007માં ઝુમા એએમસીના પ્રમુખ બન્યા એ પછી ઝુમાની પ્રગતિ અને ગુપ્તાભાઈઓની પ્રગતિનો ગ્રાફ એકસરખાં પ્રમાણમાં ઉપરની તરફ જ ગયો છે. દક્ષિણ આફ્રિકાના નવા કાયદા મુજબ, દરેક કંપનીમાં અશ્વેત લોકો ડિરેક્ટરપદે હોવા જ જોઈએ, એવું ફરજિયાત કરાયું. ગુપ્તાભાઈઓએ આ નિયમનો ભરપૂર ફાયદો ઉપાડયો. યુવાન અને બિન-અનુભવી એવા દુદુઝાને ઝુમાને તેમણે પોતાની અનેક કંપનીઓમાં ડિરેક્ટરપદે રાખ્યો. આ દુદુઝાને એટલે ભાવિ - રાષ્ટ્રપતિ જેકબ ઝુમાનો પુત્ર. જેકબ ઝુમાની દીકરી દુદુઝિલે સહારા કોમ્પ્યુટર્સની ડિરેક્ટર હતી અને સિનિયર ઝુમા એએનસીના વડા બન્યા એના છ મહિના બાદ તે આ કંપનીમાં જોડાઈ હતી. તો ઝુમાની ચોથી પત્ની બોંગી એનગેમા-ઝુમા ગુપ્તાભાઈઓની કંપની જેઆઈસી માઈનિંગ સર્વિસેસમાં સંપર્ક અધિકારી હતી. ખુદ જેકબ ઝુમાનો ઇતિહાસ પણ શંકાઓથી ઘેરાયેલો છે. 2005માં તેમના પર અબજો ડૉલરના શત્ર સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. પણ 1999માં થયેલા આ સોદા અંગેના આરોપો તેઓ 2009માં રાષ્ટ્રપતિ બન્યા બાદ પડતા મુકાયા હતા. 2016માં જોકે, અદાલતે આદેશ આપ્યા કે આ ભ્રષ્ટાચરના 786 ગુના હેઠળ તેમના પર કામ ચાલવું જોઈએ. આ આદેશ વિરુદ્ધ તેમણે અપીલ કરી છે. 2005માં એક પારિવારિક મિત્ર પર બળાત્કારનો આરોપ પણ તેમના પર લાગ્યો હતો. જોકે, 2006માં તેમને દોષમુક્ત જાહેર કરાયા હતા. પોતાના ઘરનાં સમારકામ માટે સરકારી નાણાંના ઉપયોગથી માંડીને ગુપ્તાભાઈઓ સાથેની સાઠગાંઠ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. ગુપ્તાભાઈઓ અને ઝુમાની ઓળખાણ સહારા કૉમ્પ્યુટર્સના એક વાર્ષિક સમારંભમાં થઈ હોવાનું કહેવાય છે જ્યાં ઝુમા અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા.તો ભૂતપૂર્વ નાયબ નાણાપ્રધાન મેકેબિસી જોનાસે ફરિયાદ કરી હતી કે, ગુપ્તાપરિવારે તેમને 600 મિલિયન રેન્ડની લાંચ અને નાણાપ્રધાનપદની અૉફર કરી હતી, આના વળતરરૂપે જોનાસે ગુપ્તાને સરકારી કોન્ટ્રાક્ટ આપવાના. બહું ઊંચા દરે આવા કોન્ટ્રાકટ્સ ગુપ્તાભાઈઓને અપાતા અને મલ્ટિનેશનલ કંપનીઓને દક્ષિણ આફ્રિકામાં પગપેસારો કરવામાં મદદ કરીને `કટકી' મેળવવામાં પણ ગુપ્તાભાઈઓ ઝુમાના વચેટિયાનું કામ કરતા. દેખીતી રીતે જ, ગુપ્તાભાઈઓ અને ઝુમાએ આ બધા આક્ષેપો નકારી કાઢ્યા છે. હદ તો એ છે કે, પોતાની વિરુદ્ધના આરોપો - આક્ષેપો `શ્વેત ઇજારાશાહી મૂડીવાદીઓ'એ ઊભો કરેલો દૃષ્ટિભ્રમ છે. રંગભેદની નીતિના પગલે શ્વેત ઉદ્યોગપતિઓ દક્ષિણ આફ્રિકામાં આગળ છે અને આથી હજી પણ અશ્વેતોને ત્યાં અન્યાય થતો હોવાની લાગણી થાય છે. આ લાગણીનો ઉપયોગ કરતા ગુપ્તાભાઈઓએ બ્રિટિશ પબ્લિક રિલેશન કંપની બેલ પોટિન્ગરને નીમી હતી અને આ દુષ્પ્રચાર ચલાવ્યો હતો. રાજકીય રીતે એવો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો કે દેશમાં અસમાનતા અને બેકારી શ્વેત લોકોની માલિકીની કંપનીઓને કારણે છે. ગયા વર્ષે `ગુપ્તા લિકસ' નામે અનેક ઇમેઈલ સામે આવ્યા જેમાં ગુપ્તાભાઈઓની અનેક સાઠગાંઠ ખુલ્લી પડયા બાદ તેમના અને ઝુમા વિરુદ્ધ દેશવ્યાપી જુવાળ વ્યાપ્યો હતો. ગુપ્તાઓને એએનસી ઉપરાંત અન્ય રાજકીય પક્ષો સાથે પણ સારા સંબંધ છે. તો જોહાનિસબર્ગ ઉચ્ચભ્રૂ વિસ્તાર સેકસોનવોલ્ડમાં ગુપ્તાઓની સહારા એમ્પાયર ભવ્યાતિભવ્ય હોવાનું કહેવાય છે. અત્યારે ઝુમાને પદત્યાગ કરવો પડયો છે અને ગુપ્તા સામ્રાજ્ય પર તવાઈ આવી છે. ભારતમાં અને દુબઈમાં ભાગેડુ ગુપ્તાઓની સરભરા થાય છે, એ દેખાડે છે કે રિશવત લેતે પકડા ગયા, રિશવત દેકર છૂટ જા માનસિકતા બધે જ સરખાં પ્રમાણમાં પ્રવર્તે છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer