સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન્સને હળવાશથી ન લો

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન્સને હળવાશથી ન લો
જાતીય સંબંધ દ્વારા ફેલાતા ચેપોનું રોગ-સંક્રમણ (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન્સ- એસટીઆઈ) એક વ્યક્તિથી બીજી સુધી જાતીય સંપર્ક દ્વારા થાય છે અને મોટા ભાગે લૈંગિક સંપર્કથી સામાન્યપણે યોનિ સંભોગ, મુખ મૈથુન અને ગુદા મૈથુન દ્વારા ફેલાય છે.   બાળજન્મ સમયે એસટીઆઈ માતાથી શિશુને અથવા સ્તનપાન અથવા રક્ત ચડાવવાથી અને જીવાણુરહિત ન કર્યું હોય એવી આઈવી ડ્રગ સોયના ઉપયોગ દ્વારા પણ થઈ શકે છે. સ્ત્રી કે પુરુષનાં જનનાંગ વિસ્તારની ત્વચા અથવા લાળની આંતરત્વચા પર અસ્તિત્વ ધરાવતા સૂક્ષ્મ જીવાણુઓ ઉપરાંત જાતીય સંભોગ વખતે વીર્ય, યોનિ કે રક્તસ્રાવથી જીવાણુઓનો પ્રસાર થઈ શકે છે.   `ગુપ્ત રોગો' અને ` જાતીય સંબંધ' દ્વારા ફેલાતા ચેપ (સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શન્સ- એસટીઆઈ ) જેવા શબ્દો હવે પુરાણા કે પ્રચલિત ન હોય એવા ગણાવા માંડ્યા છે, જ્યારે વાસ્તવિક્તા એ છે કે `જાતીય સંબંધ દ્વારા ફેલાતા ચેપ' સૂચવે છે કે કોઈ વ્યક્તિને બીમારી ન હોય તો પણ તે બીજાને ચેપગ્રસ્ત બનાવી શકે છે - અન્યને ચેપ લગાડવા માટે વ્યક્તિ પોતે બીમાર હોય એ જરૂરી નથી.   ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન)એ દસ વર્ષ પહેલાં અંદાજ વ્યક્ત કર્યો હતો કે દરરોજ દસ લાખથી વધુ લોકો જાતીય સંબંધ દ્વારા ફેલાતા ચેપનો ભોગ બને છે. જોકે, મોટા ભાગના નિષ્ણાતોનું માનવું છે કે આ આંકડો આજે ખાસ્સો મોટો થઈ ગયો છે. આ નવો ચેપ મોટા ભાગે પચીસ વર્ષ સુધીની યુવાન વ્યક્તિઓમાં, જ્યારે અંદાજે ત્રીજા ભાગનો ચેપ 20 વર્ષથી ઓછી વયની વ્યક્તિઓમાં ઉદભવે છે. વૈશ્વિક સ્તરે, 14થી 19 વર્ષ વચ્ચેની છોકરીઓ આ ઉંમરના છોકરાઓને સરખામણીમાં એસટીઆઈનો ચેપ લાગવાની શક્યતા લગભગ બમણી હોય છે.    પોતે ભાગ્યે જ ઓળખતા હોય એવા સાથીદાર સાથે અસુરક્ષિત સંભોગ, આજના સમયમાં સામાન્ય બાબત થઈ ગઈ છે. ખાસ કરીને એવા લોકોમાં જેઓ ડ્રગ્સ કે શરાબના બંધાણી છે.   અનેક સ્ત્રીઓ પોતાના સાથીને કૉન્ડોમનો ઉપયોગ કરવા કહેતાં અચકાતી હોય છે, તેમને એવો ભય હોય છે કે પોતે જેના પ્રેમમાં છે એ વ્યક્તિ આવા સૂચનને કારણે નારાજ થઈ જશે તો? એવા લોકો પણ છે જેઓ અસુરક્ષિત સંભોગ તરફ આગળ વધે છે, કેમ કે તેઓ પોતાના સાથીને નારાજ કરવા માગતા નથી. અનેક પુરુષોને કૉન્ડોમ સાથેનો જાતીય સંભોગ સંતોષકારક લાગતો નથી.   અસુરક્ષિત સંભોગ સ્ત્રીઓ માટે બે મુખ્ય જોખમો ધરાવે છે, પહેલું છે અનિચ્છનીય સગર્ભાવસ્થા અને બીજું વધુ જોખમી છે, તે એટલે એસટીઆઈનો ચેપ લાગવો. યુવતીઓને લાગતું હોય છે કે, જાતીય સંભોગના તરત બાદ `આઈ પિલ' ગોળી ગળી જવાથી અનિચ્છનીય ગર્ભાવસ્થાનો ઉકેલ આવી જાય છે, પણ તેઓ ભાગ્યે જ જાણતી હોય છે કે આવી ગોળીઓ લીધા બાદ પણ ગર્ભવતી થવાનું જોખમ 10થી 15 ટકા જેટલું રહે છે!   બીજી તરફ, એવી પણ સ્ત્રીઓ છે એ સાવચેતી પણ રાખતી નથી અને ગર્ભવતી થયાં બાદ જ પગલાં લે છે. ગર્ભાવસ્થાની સમાપ્તિ સાવ ઓછા દરે એટલી આસાનીથી ઉપલબ્ધ છે કે, પોતાની જાતને મેડિકલ કે સર્જિકલ પ્રક્રિયાને આધિન કરવામાં તેમને જરાય અજુગતું લાગતું નથી. કમનસીબીની વાત એ છે કે, ગર્ભાવસ્થાની દરેક સમાપ્તિ સાથે અપૂર્ણ ગર્ભપાતની શક્યતા હંમેશાં જોડાયેલી રહે છે, આમાં ગર્ભાવસ્થાની કેટલીક પેશીઓ રહી જાય છે, આને પગલે ચેપ લાગે છે જે એટલો ગંભીર હોય છે કે તેનાથી મોત પણ થઈ શકે છે! આ ચેપ ઓછો ગંભીર હોય તો પણ, તે અંડવાહિની નળીઓને (ફેલોપિયન ટ્યુબ્સ) પણ નુકસાન પહોંચાડી શકે છે, જેના પગલે વંધ્યત્વ આવી શકે છે અને આગળ જતાં જીવનમાં ઈચ્છિત ગર્ભ રહેવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આથી આવી પ્રક્રિયાઓ એવાં કેન્દ્રોમાંથી કરાવવી જોઈએ જ્યાં સ્વચ્છતા અને આરોગ્યનું પૂરતું ધ્યાન રાખવામાં આવતું હોય.  (ક્રમશ:)   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer