જમ્મુમાં આર્મી કૅમ્પ પર આતંકવાદી હુમલામાં બે જવાન શહીદ

જમ્મુ, તા.10 (પીટીઆઈ): જમ્મુના સુંજવાન આર્મી કેમ્પના પરિસરમાં આજે હેન્ડ ગ્રેનેડ ફેંકતાં અને ભારે માત્રામાં ગોળીબાર કરવા સાથે ઘૂસેલા ચારથી પાંચ સશત્ર આતંકીઓને ખત્મ કરવા તેઓને ઘેરી લેવા, સેનાના જવાનો સાથે પેરા કમાન્ડો પણ સામેલ થયા હતા. જવાનો અને કમાન્ડોની આ જવાબી કારવાઈમાં એક આતંકી માર્યો ગયો હતો અને બે જવાન શહીદ થયા હતા. હુમલામાં અન્ય છ જણા ઘાયલ થયા હતા. તે પહેલાં આતંકીઓ સુંજવાન કેમ્પના જેસીઓના એક ફેમિલી કવાર્ટરમાં ઘૂસી જતા સેનાએ કેમ્પના તમામ આવાસીય ફલેટ્સ ખાલી કરાવી લીધા હતા અને તે તમામ કવાર્ટરના ઓરડાઓની છાનબીન કરી હતી. આતંકીઓના કેમ્પમાંના હુમલા બાદ તરત ઉધમપુરથી હવાઈ દળના પેરા કમાન્ડોને એરલિફટ કરાયા હતા. આતંકીઓને ઢાળી દેવાનું ઓપરેશન સાંજ પછીય ચાલુ હતું. 
અહીં એ નોંધનીય છે કે ગુપ્તચર એજન્સીઓના અહેવાલોમાં આતંકી હુમલાને લઈ સાવધ કરાયા હતા. સંસદ પરના આતંકી હુમલા સબબ,('13ની 9 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં) ફાંસી અપાયેલા જૈશ એ મોહમ્મદના આતંકી અફઝલ ગુરુના મોતની પાંચમી વરસીએ આતંકીઓ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હોવાની બાતમી મળી હતી.
આ હુમલા  સબબ કોઈ આતંકી સંગઠન જવાબદારીનો દાવો કરવાને આગળ નથી આવ્યું પણ તે જૈશ એ મોહમ્મદનું દુષ્કૃત્ય હોવાની આશંકા છે. 
વહેલી સવારે પ ના સુમારે 4થી પ સશત્ર આતંકીઓ કેમ્પમાં પેસી જઈ એક જેસીઓના કવાર્ટરમાં ઘૂસીને જેસીઓ અને તેમની દીકરીને ઈજા કરી હતી એમ સૂત્રોએ જણાવ્યુ હતું. અંતિમ ઓપરેશનની તૈયારીમાં લાગેલી સેનાએ સાંજના સમયને ધ્યાને લઈ કેમ્પની આસપાસ ફલડ લાઈટ્સ અને જનરેટર સેટ ગોઠવી દીધા હતા. આતંકીઓના ચોકકસ લોકેશનનું પગેરું મેળવવા હેલિકોપ્ટરો કામે લગાડાયા હતા.  સૈન્યના અધિકારીએ જણાવ્યુ હતું કે બાળકો અને મહિલાઓને બચાવવાની કામગીરી દરમિયાન જેસીઓ એમ અશરફ મીર શહીદ થયા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer