`સાડેસાતી'' દૂર કરવા તોગડિયા શનિ મહારાજના શરણે!

`સાડેસાતી'' દૂર કરવા તોગડિયા શનિ મહારાજના શરણે!
મુંબઈ,તા.10 : છેલ્લા થોડા સમયથી હાંસિયામાં ધકેલાઇ ગયેલા વિશ્વ હિંદુ પરિષદના ટોચના નેતા પ્રવીણ તોગડિયાએ આજે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુરમાં શનિ મહારાજના દર્શન કર્યા હતા. તોગડિયાએ શનિ મહારાજના તેલથી અભિષેક સહિતની પૂજા કરી હતી. ચર્ચા છે કે રાજકીય સાડેસાતીને દૂર કરવા તોગડિયા શનિ મહારાજના શરણે આવ્યા હતા. 
છેલ્લા થોડા સમયથી તોગડિયા ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં ટીકા કરતા રહ્યાં છે અને રામ મંદિરના પ્રશ્ને ભાજપને રીતસરના ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિંદુ હિતની વાતો કરતા તોગડિયા આવા કારણોસર રાજકારણમાં હાંસિયામાં ધકેલાઇ ગયા હોવાનું અનુભવી રહ્યાં છે. 
તાજેતરમાં ગુજરાતની કેટલીક ઘટનાઓમાં તોગડિયા એકલા પડી ગયાની પણ ચર્ચા હતી, પરંતુ શિંગણાપૂરમાં શનિ મહારાજના ધામમાં તોગડિયાની સાથે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં સાથે જોવા મળ્યા હતા અને શનિ દેવસ્થાન તરફથી તોગડિયાનું સન્માન પણ કરાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer