ભીમા કોરેગાંવ હિંસા પ્રકરણે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળની તપાસ સમિતિ સરકારનું ફારસ : કૉંગ્રેસનો આક્ષેપ

મુંબઈ,તા.10 : ભીમા કોરેગાંવ હિંસા પ્રકરણે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ નિમાયેલી તપાસ સમિતિ સરકારનું ફારસ હોવાની ટીકા મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા સચિન સાવંતે કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં સાવંતે કહ્યું હતું કે ભીમા કોરેગાંવ હિંસા પ્રકરણે હાઇ કોર્ટમાં સેવારત ન્યાયાધીશ મારફતે તપાસ કરાશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. જો કે કોઇ પ્રકરણે તપાસ માટે સેવારત ન્યાયાધીશને નીમવા કે કેમ તેનો નિર્ણય લેવાની સત્તા હાઇ કોર્ટને છે, મુખ્ય પ્રધાને આવી જાહેરાત કયા અધિકાર પ્રમાણે કરી હતી? હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે આ પ્રકરણે સેવારત ન્યાયાધીશના વડપણ હેઠળની તપાસ સમિતિ નીમવાનો ઇનકાર કરી દીધો છે, તે સરકારની નિષ્ફળતા છે. 
વર્ષ 2002માં હાઇ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અતિશય મહત્ત્વના રાષ્ટ્રીય મુદ્દે જ સેવારત ન્યાયાધીશના વડપણ હેઠળની સમિતિ રચવી. ભીમા કોરેગાંવ પ્રકરણ પણ રાષ્ટ્રીય સ્તરે ગાજ્યું હતું અને સંસદમાં પણ આની ચર્ચા થઇ હતી. આ પ્રકરણમાં મરાઠા અને દલિત સમાજ વચ્ચે ફાટફૂટ પડાવવાનું કારસ્તાન હતું.  રાષ્ટ્રીય સ્તરે સામાજિક સૌહાર્દ પર તેની પ્રતિકૂળ અસરની ચર્ચા થતી હતી. સરકાર આવી ભૂમિકા માંડવામાં પણ નિષ્ફળ રહી છે, એમ સાવંતે કહ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer