કૉલેજમાં વિદ્યાર્થીની પચાસ ટકા હાજરીના નિયમમાં યુનિવર્સિટીના સર્વસત્તાધીશ પણ રાહત ન આપી શકે

મુંબઈ,તા.10 (પીટીઆઇ) : કૉલેજોમાં પચાસ ટકા ફરજિયાત હાજરી જરૂરી હોવા સંબંધી મુંબઈ યુનિવર્સિટીનો વટ હુકમ વિદ્યાર્થીઓના હિતમાં હોવાથી યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તાધીશને પણ આ નિયમમાં કોઇ છૂટ આપવાની સત્તા નથી, એવો ચુકાદો બૉમ્બે હાઇ કોર્ટે  આપ્યો છે. 
જજ બી આર ગવઇ અને જજ બી પી કોલાબાવાલાની ખંડપીઠે ગુરુવારે એમ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની હાજરી સંબંધી સત્તા જો કૉલેજોની કમિટીને આપવામાં આવે તો તેનો દુરુપયોગ થઇ શકે છે અને આવા કેસમાં યુનિવર્સિટી સર્વ સત્તાધીશ હોવાનો દાવો પણ ન કરી શકે. કાંદિવલીની એક કૉલેજે યુનિવર્સિટીના ગ્રિવેન્સિસ સેલ વિરુદ્ધ હાજરીના આ નિયમને પડકારતી અરજી કરી હતી તેની સુનાવણી કોર્ટમાં થઇ હતી.
બી કે શ્રોફ કૉલેજની આ અરજીમાં આક્ષેપ કરાયો હતો કે યુનિવર્સિટીએ આ નિયમ બનાવ્યો છે પરંતુ તેનો અમલ બરાબર કરાતો નથી. જે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોય તેમને પણ પરીક્ષામાં બેસવાની મંજૂરી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. માર્ચ 2017માં કોમર્સના લગભગ 100 વિદ્યાર્થીઓની હાજરી પચાસ ટકા કરતા ઓછી હોવાથી તેમને પરીક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આમાંથી 38 વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કોમર્સ ગ્રિવેન્સિસ સેલનો સંપર્ક કરતા તેમને પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ સંબંધિત કૉલેજોને કરાયો હતો. 
યુનિવર્સિટીના નિયમ પ્રમાણે 75 ટકા હાજરી ફરજિયાત છે પરંતુ જો કોઇ વિદ્યાર્થી વાજબી કારણસર કમસે કમ પચાસ ટકા હાજર રહ્યો હોય તો પણ કૉલેજના પ્રિન્સિપાલ તેમને પરીક્ષામાં બેસવા સંબંધી નિર્ણય લઇ શકે છે. જો કે આવા વિદ્યાર્થીને પોતે કેમ 75 ટકા હાજરી નથી નોંધાવી શક્યો તેની સ્પષ્ટતા અને પુરાવા કૉલેજ અટેન્ડન્સ કમિટી સમક્ષ રજૂ કરવા પડે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer