ટેકરી પર બિરાજતા વરલીના માર્કંડેશ્વર મહાદેવ ભક્તો માટે લિફ્ટ મૂકવાની ટ્રસ્ટની યોજના

ટેકરી પર બિરાજતા વરલીના માર્કંડેશ્વર મહાદેવ ભક્તો માટે લિફ્ટ મૂકવાની ટ્રસ્ટની યોજના
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ તા,10 : વરલીમાં ડૉ. એની બિસન્ટ રોડ ઉપર પૂનમ ચેમ્બરની બાજુમાં નાની ટેકરી ઉપર બિરાજમાન માર્કંડેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. મુંબઈનાં કેટલાંક જૂનાં શિવાલયોમાં સમાવિષ્ઠ આ મંદિર પણ આવતી 13મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ નિમિત્તે વહેલી સવારે ત્રણ વાગે ખૂલી જશે. રાત્રે ચાર પ્રહરની પૂજા થવાની હોવાથી 14મી ફેબ્રુઆરીએ સૂર્યોદય સુધી મંદિર ખુલ્લું રહેશે.
આ મંદિર ટેકરી પર હોવાથી થોડી ઊંચાઈ ઉપર આવેલું છે. તેથી ત્યાં ભક્તો અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ ભક્તોની સુવિધા ખાતર લિફ્ટ બાંધવામાં આવે એવી રજૂઆત ઘણા સમયથી થઈ રહી છે. આ ઉપરાંત મંદિરમાં કેટલાંક સમારકામ અને સુંદરીકરણની પણ ટ્રસ્ટની યોજના છે. મુંબઈમાં ઊંચાઈ ઉપર આવેલા બાબુલનાથ મંદિરમાં જવા માટે ત્રણ દાયકા પહેલાં લિફ્ટ બાંધવામાં આવી છે. માર્કંડેશ્વર મહાદેવમાં પણ લિફટ બાંધવાના તેમ જ સમગ્ર મંદિરમાં ભક્તો માટે અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે 2.96 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય એવો અંદાજ છે. મંદિર સુધી પહોંચવા 80થી વધુ પગથિયાં હોવાથી લિફ્ટ અને બાદમાં સરળતાથી ચાલી શકાય એવો રૅમ્પ તૈયાર કરવાની યોજના મંદિર ટ્રસ્ટે તૈયાર કરી છે. 
કેટલાક ભક્તોએ આ કામ માટે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિર, બાબુલનાથ મહાદેવ મંદિર અને મહાલક્ષ્મી મંદિરનો વહીવટ સંભાળતાં ટ્રસ્ટો પાસેથી પણ આર્થિક મદદ લઈ શકાય એવો વિચાર વ્યક્ત કર્યો છે. આ ભક્તોનું માનવું છે કે મુંબઈના પ્રસિદ્ધ મંદિરોની આવકનો કેટલોક હિસ્સો જેમ શિક્ષણ-સ્વાસ્થ્ય અને અન્ય પ્રજાલક્ષી કાર્યોમાં વપરાય છે તેમ આ ટ્રસ્ટોએ શહેરના પ્રાચીન મંદિરોમાં સુવિધાઓ વધારવામાં પણ મદદ કરવી જોઇએ. આ સંબંધી યોગ્ય રજૂઆત કરવામાં આવે તો મદદ મળી શકે એમ ભક્તોનું માનવું છે. 
આ મંદિર વિશિષ્ટ જગ્યા ઉપર છે તેથી ત્યાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઘૂઘવતા અરબી સમુદ્રનાં દર્શન વડના વૃક્ષની નીચે ઊભા રહીને કરી શકાય છે. આ મહાદેવ `ગાંઠિયા મહાદેવ' તરીકે પણ ઓળખાય છે. તેનું કારણ એ છે કે શિવભક્તો માનતા માને અને તેમની મનોકામના પૂર્ણ થાય એટલે તેઓ મહાદેવને યથાશક્તિ ગાંઠિયાનું નૈવૈદ્ય ધરાવવામાં આવે છે.
આ મંદિરના મેનેજર સંજય પંડયાએ જણાવ્યું હતું કે આ મંદિરમાં શિવલિંગની સ્થાપના કપોળ ગૃહસ્થ શેઠ વરજીવનદાસ પારેખે કરી હતી. સૈકાઓ પહેલાં વરલીની ટેકરી મોટી શિલા અને વૃક્ષોથી ઘેરાયેલી હતી. તે શિલાઓને તોડીને તેમાંથી માર્કંડ દાદાના શિવલિંગને બહાર કાઢવામાં આવ્યું હતું અને પછી તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પારેખના દેહાવસાન બાદ તેમણે કરેલા વસિયતનામા પ્રમાણે આ મંદિરનું ટ્રસ્ટ બનાવાયું હતું. ટ્રસ્ટની વિશેષતા એ કહી શકાય કે એ વખતે મહિલાશક્તિને માન આપવામાં આવ્યું હતું અને પ્રથમ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે લક્ષ્મીબાઇ જગમોહનદાસ નિમાયા હતા અને ટ્રસ્ટીઓ તરીકે નરોત્તમદાસ દેવીદાસ મહેતા અને દામોદરદાસ બી. મહેતા નિમાયા હતા. ત્યાર બાદ ટ્રસ્ટીઓ બદલાતા ગયા અને મંદિરના વિકાસમાં યથાશક્તિ કામ થતા રહ્યાં હતાં. લગભગ 35 વર્ષ અગાઉ છેલ્લે મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો તેના માર્કંડેશ્વર મહાદેવના પરમભક્ત મથુરાદાસ નરભેરામ ઘાબરિયાએ આકર્ષક બાંધકામમાં રસ લીધો હતો.  
હાલમાં આ મંદિરના ટ્રસ્ટીમાં મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઇ એમ. શેઠના, કનુભાઈ ગોરડિયા, અજય દળવી, જયેશ મહેતા, પિનાકિન ભટ્ટ, વિલાસભાઈ શંકર સેઠ અને મનીષ શાહ સેવા આપે છે. આ મંદિર સ્વનિર્ભર છે. મંદિર પરિસરમાંની ધર્મશાળામાં જરૂરતમંદોને તબીબી કારણોસર રહેવાની રાહતદરે સગવડ આપવામાં આવે છે. સત્સંગ હૉલમાં મહિલા મંડળની બહેનો માટે ભજન-કિર્તન કરવાની અને સ્કૂલનાં બાળકો માટે પણ નિ:શુલ્ક સગવડો આપવામાં આવે છે. 
ગયા મહિને ટ્રસ્ટની બેઠકમાં આ પુરાતન મંદિરમાં લિફ્ટ સહિતની સુવિધાઓ અને અન્ય કામો માટે વિસ્તૃત યોજના અને ખર્ચની વિગતો તૈયાર કરવામાં આવી હતી જેનું બજેટ 2,96,91,131  રૂપિયા સુધી થવા જાય છે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે ત્રણ તબક્કામાં આર્થિક સગવડ પ્રમાણે આ કામ કરવામાં આવશે. 
મળતી માહિતી પ્રમાણે પ્રથમ તબક્કામાં લિફ્ટ મૂકવી, ધર્મશાળાનું સમારકામ, સત્સંગ હૉલનું સમારકામ અને મંદિર પરિસરમાં સારા વૉશરૂમની સગવડ  અને સ્ટ્રક્ચરલ રિપેરિંગ. પ્રથમ તબક્કાનો ખર્ચ 90,71,088 રૂપિયા થવાનો અંદાજ છે. 
બીજા તબક્કામાં પ્લાઝા, લેન્ડસ્કેપ ગાર્ડન સહિતના સુંદરીકરણ માટે 1,69,29,801 રૂપિયાનો ખર્ચ આવી શકે છે. જિર્ણોદ્ધારના ત્રીજા અને આખરી તબક્કામાં આ સમગ્ર યોજના માટે આર્કિટેક્ટ અને કન્સલટન્સી, ડિઝાઇનિંગ સહિતના ખર્ચ પેટે 36,90,242 રૂપિયાના ખર્ચનો અંદાજ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer