એક વર્ષમાં લોકલના દરવાજે ઊભેલા પ્રવાસીઓને લાકડી મારી લૂંટવાના 146 બનાવ

એક વર્ષમાં લોકલના દરવાજે ઊભેલા પ્રવાસીઓને લાકડી મારી લૂંટવાના 146 બનાવ
 માહિમ-બાંદરા સૌથી વધુ જોખમી 
મુંબઇ તા,10 : સિગ્નલના થાંભલે ચડી લોકલના દરવાજે ઊભા પ્રવાસીઓને લાકડી મારી લૂંટવાની (ફટકા રોબરી) વધતી ઘટનાઓને પગલે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ રેલવેને આ ફટકા ચોરોથી પ્રવાસીઓને સચેત કરવા સ્ટેશનો પર એનાઉન્સમેન્ટ કરવાનું સૂચન કર્યું છે. 
ઉલ્લેખનીય છે કે આ ફટકાચોરને કારણે ગત બુધવારે સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક દ્રવિતા સિંગે પગ અને આંગળીઓ ગુમાવી હતી. જોકે ફટકાચોરની તાબડતોબ ધરપકડ કરવામાં પોલીસ સફળ રહી હતી. 
જીઆરપીના અધિકારીએ જણાવ્યું હતું કે આ યુવાન ફટકાચોરો બેથી ત્રણની સંખ્યામાં સિગ્નલના થાંભલા પાસે છુપાઈને ઊભા રહેતા હોય છે. અને દરવાજે ઊભા રહેતા પ્રવાસીઓને પોતાનું નિશાન બનાવે છે. અમે અમારી સંખ્યા બમણી કરીએ તો પણ સંપૂર્ણ  રેલવે લાઈનો પર પોલીસ બંદોબસ્ત રાખી શકીએ નહીં. તેથી અમે આ ચોરોની મોડસ ઓપરેન્ડી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી અમે આવી ગેંગને પકડી આવા બનાવોની સંખ્યા ઘટાડી શકીએ. જોકે આવા બનાવોને જડમૂળથી ડામવા માળખાકીય સુવિધા જેમ કે ઓટોમેટિક દરવાજા, દીવાલો બાંધીને તેમાં ફેરફાર કરવો આવશ્યક છે.
ફટકાચોરીની 146 માંથી 42 ઘટનાઓ માહિમ-બાંદરા રૂટ પર બની હતી. તો 40 ઘટના  ચિંચપોકલી-સાયન રૂટ પર  બની હતી. તે સિવાય બાંદરા-ખાર રૂટ અને સાંતાક્રુઝ-વિર્લેપાર્લે રૂટ પર પણ ડઝનબંધ ઘટનાઓ નોંધાઈ છે.  
ફટકાચોરો પર કેટલેક અંશે નિયંત્રણ મૂકવા જીઆરપીએ હવે રેલવે ટ્રેક પર ફ્લેશિંગ લાઈટ મારવાની શરૂઆત કરી છે. તેમને ડરાવવા પોલીસની ગાડી પણ માહિમ સ્ટેશન નજીક પાર્ક કરાય છે. તેમ જ માહિમ ક્રિક પર અત્યંત જોખમી પુરવાર થયેલાં ત્રણ સ્થળોએ પણ સાદા ગણવેશમાં ફ્લેશ લાઈટ મારનારા પોલીસોનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. તે સિવાય પ્રવાસીઓને સચેત કરવા ટ્રેનોમાં આ અંગે એનાઉન્સમેન્ટ કરવાની માગ પણ જીઆરપીએ કરી  હોવાનું જીઆરપીના ડીસીપી પુરૂષોત્તમ કારડે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer