હવાનું પ્રદૂષણ ઘટાડવા મુંબઈની બે બહેનોનો `બ્લૂ સિગ્નલ''નો નવતર ઉપાય

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : મોટરિસ્ટો સિગ્નલો પર ભાગ્યે જ તેમનાં વાહનનું એન્જિન બંધ કરે છે. પરિણામે ટ્રાફિક જંકશનો પર ભારે પ્રદૂષણ તો થાય જ છે, 
પરંતુ મોટા પાયે ઈંધણનો બગાડ થાય છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા બે ખોત બહેનોએ એક અનોખો ઉપાય સૂચવ્યો છે. 19 વર્ષની શિવાની ખોત અને તેની 14 વર્ષની નાની બહેન ઈશાએ ટ્રાફિક જંકશનો ખાતે ગ્રીન, યલો અને રેડ ઉપરાંત એક વધારાનું 
`બ્લૂ' સિગ્નલ મૂકવાની ભલામણ કરી છે.
તેમના આઈડિયા પ્રમાણે બ્લૂ સિગ્નલ થાય ત્યારે બધાં વાહનોનાં એન્જિનો ફરજિયાત બંધ કરી દેવાં, એક સિગ્નલ રેડ થાય તેની પાંચ સેકન્ડ બાદ બ્લૂ સિગ્નલ પડે અને ગ્રીન સિગ્નલ પડવાની પાંચ સેકન્ડ પહેલાં એ બ્લૂ સિગ્નલ લાલ થઈ જાય. જેથી એન્જિન ફરી શરૂ કરવાનો સમય મળી રહે.
અહીંની એસ. કે. સોમૈયા કૉલેજમાં સાયકોલૉજી ભણતી શિવાની ખોતે જણાવ્યું હતું કે સિગ્નલો ખાતે વાહનોનાં એન્જિન ચાલુ રહેતાં હોવાથી ભારે પ્રદૂષણ થાય છે અને ઈંધણનો પણ મોટો બગાડ થાય છે. અમે માનીએ છીએ કે બ્લૂ સિગ્નલ મૂકવાથી આપણે આ વલણ બદલી શકીએ.
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના અભ્યાસને ટાંકતાં શિવાનીએ કહ્યું હતું કે સિગ્નલો પર માત્ર 20 ટકા મોટરિસ્ટો જ એન્જિન બંધ કરે છે. તેણે એમ પણ કહ્યું હતું કે દેશની રાજધાની નવી દિલ્હીમાં આઠ અતિવ્યસ્ત જંકશનો પર જો વાહનોનાં એન્જિન રેડ સિગ્નલ દરમિયાન બંધ રહે તો વર્ષે 70 કરોડ રૂપિયાના ઈંધણની બચત થઈ શકે. આ આઠ જંકશનોએ 28,750 ટન કાર્બન પેદા થાય છે, પણ જો એન્જિનો બંધ રહે તો મોટા પ્રમાણમાં કાર્બન ઓછો થઈ શકે.
શિવાનીના પિતા મુંબઈમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer