ઍરપોર્ટ પર ખોવાયેલી બિલાડી શોધનારને 10,000 રૂપિયાનું ઈનામ!

મુંબઇ તા,10 : સોમવારે મુંબઈના ટી-2  વિમાનમથકેથી શ્રુતિ મેનન અને અતિષ્ઠા ભુતિયાની પાળેલી બિલાડી ઈવા ખોવાઈ હતી. જેને પગલે તેઓને પોતાની ફ્લાઈટ છોડવાની ફરજ પડી હતી.  આ બિલાડીનો પત્તો હજી નહિ મળતા તેના માલિકોએ બે વર્ષની બ્રાઉન અને ઘેરા લીલા રંગના ચટાપટા  તેમ જ પીળી ચમકદાર આંખો ધરાવતી  બિલાડી ઈવાને શોધનારને 10,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
શ્રુતિ અને અતિષ્ઠા  પાળેલા પ્રાણીઓ સાથે મુંબઈથી બેંગલોર સ્થળાંતર કરી રહ્યાં હતાં. ઈવાની આ પ્રથમ ઉડાન હોવાથી અમે પ્રાણીઓના નિયમથી વાકેફ નહોતા. તેથી અમે એર ઇન્ડિયાના નિયમોની માહિતી મેળવી હતી. તેમાં જણાવ્યા અનુસાર સાત કિલોથી ઓછું વજન ધરાવતાં પ્રાણીઓ પ્રવાસી કેબિનમાં પ્રવાસ કરી શકે છે, પરંતુ અમે ઍરપોર્ટ પહોંચ્યા ત્યારે આ નિયમ બદલાઈને વજન મર્યાદા પાંચ કિલોની કરાઈ હોવાનું એક કર્મચારીએ જણાવ્યું હતું. જોકે અમે આ અંતિમ સમયના ફેરફાર માટે માનસિક રૂપે તૈયાર હોવાથી ઈવાના મેડિકલ રિપોર્ટ સાથે ઈવાને કેટ કેરિયરમાં મોકલવા એક કર્મચારીને સુપરત કરી હતી. જોકે ફ્લાઈટ ઊપડવાની કેટલીક મિનિટો પહેલાં જ અમને ઈવા ભાગી ગઇ હોવાનો ફોન  આવ્યો હતો. અને ફ્લાઈટ  ઊપડવાની છેલ્લી મિનિટ સુધી ઈવા ન મળતાં તેમને ફ્લાઈટ છોડવાની ફરજ પડી હતી. 
એરલાઈનની વિવિધ પ્રોસિજર પતાવીને પણ ઈવાનો પત્તો ન લાગતાં તેમણે સહાર પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ઍરપોર્ટના સીઆઈએસએફ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ જોવાનું સૂચન આપ્યું હતું. જેમાં એર ઇન્ડિયાનો લોડર દૂર જવાથી ઈવા ગાયબ હોવાનું સ્પષ્ટ છે.  તેમ જ તેમણે ઇવાના કેરિયરમાં ઝીપલોક પણ માર્યું નહોતું. જે એક પ્રોટોકોલ છે. આ પ્રોટોકોલનું પાલન કરાયું હોત તો ઈવા ભાગી ન શકત એવું અતિષ્ઠાએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer