સહકર્મચારીના રૂપિયા 1.2 લાખ ચોરવા બદલ પોલીસ વિરુદ્વ ગુનો નોંધાયો

મુંબઇ, તા.10 : સહકર્મચારીના રૂપિયા 1.2 લાખની રકમ  ચોરી કરી કામ પર ગેરહાજર રહેનારા પોલીસ કર્મચારીની શોધ ભોઈવાડા પોલીસ કરી રહી છે. આરોપી અર્જુન શશિકાંત પવારે આ ચોરી અૉગસ્ટ 2017માં કરી હતી. જોકે, તેની ફરિયાદ ગુરુવારે રાત્રે કરી હતી. 
પવાર મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કાર્યરત હતો અને  નાગપાડામાં પોસ્ટિંગ અપાયું હતું. અૉગસ્ટમાં પવારને નાયગાંવ પોલીસ ક્વાર્ટરના લોકલ આર્મ ડિવિઝનના કોન્સ્ટેબલ હીરાલાલ પાટીલે ઘરે આવવાનું નિમંત્રણ આપ્યું  હતું અને પાટીલના રૂમમેટ સાથે ડ્રિન્ક પણ કર્યું હતું. પાટીલે જલગાંવમાં રહેતા પોતાના પરિવાર માટે બચાવેલા 1.2 લાખ રૂપિયા ચોરી પવાર ભાગી ગયો હતો. તેમજ થોડા દિવસો પછી તેણે કામે આવવાનું પણ બંધ કરી દીધું. જ્યારે પાટીલને આ પૈસા ન હોવાની જાણ થઈ ત્યારે તેમણે આ અંગે ભોઈવાડા પોલીસને જણાવ્યું હતું. 
પોલીસેએ પવારને અનેકવાર ફોન કરી પૈસા પાછા આપી ફરજ પર હાજર થવા જણાવ્યું હતું. પરંતુ પવાર વારેઘડીએ બહાનાં બનાવી ટાળતો રહ્યો. ત્યાર બાદ પોલીસોની ધીરજ ખૂટી હતી અને તેમણે પવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  ઝોન વી ના ડેપ્યુટી કમિશનર એન અંબિકાએ આ પ્રકરણે જણાવ્યું હતું કે અમે પવાર વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેની શોધ આરંભી છે. તે તેના ગામ સતારાની આસપાસ હોવાની વકી છે. 
તે સિવાય બીજા અધિકારીએઁ જણાવ્યું હતું કે આ પહેલાં પણ પવારે નોકરીની લાલચ આપી યુવાનો સાથે 3.5 લાખની છેતરપિંડી કરી હતી. તેના વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ કાર્યવાહીના આદેશ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer