માલદિવ્સ કટોકટી : સરમુખત્યાર શાસકો, ન્યાયતંત્ર-રાજ્યતંત્રની સેળભેળ અને ધાર્મિક રંગનું ડેડલી કૉકટેલ

માલદિવ્સ કટોકટી : સરમુખત્યાર શાસકો, ન્યાયતંત્ર-રાજ્યતંત્રની સેળભેળ અને ધાર્મિક રંગનું ડેડલી કૉકટેલ
માલદિવ્સ તેના રળિયામણાં દરિયાકાંઠા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જેટલું વિખ્યાત છે, એટલું જ કુખ્યાત રાજકીય અસ્થિરતા, ન્યાયતંત્રનું ગળું ઘોંટવા અને રાષ્ટ્રપ્રમુખોના તાનાશાહી વર્તન માટે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં જ માલદિવ્સના રાષ્ટ્રપ્રમુખ અબદુલ્લા યમીને 15 દિવસ માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દઈ દેશના ચીફ જસ્ટિસ અબદુલ્લા સઈદ, જજ અલી હમીદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ ગપ્યુમની ધરપકડ કરાવી છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા દેશના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ (જેઓ હાલ ઈંગ્લૅન્ડમાં છે) મોહમ્મદ નશીદે ભારત તથા ચીન જેવા પાડોશી દેશોને મધ્યસ્થી કરવાની અપીલ કરી છે. 1988માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ગય્યુમની સરકાર ઊથલાવવાનો પ્રયાસ થયો હતો ત્યારે ભારતીય ઈન્ડિયન ઍરફોર્સે અૉપરેશન કેકટસ હાથ ધરીને ન માત્ર ગય્યુમને સુરક્ષિત કર્યા બલ્કે ત્રાસવાદીઓને હાંકી કાઢયા હતા અને સત્તા ઊથલાવવાનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો. જોકે, આ વખતે સ્થિતિ અલગ છે. ચીને માલદિવ્સમાં હાલમાં જ મોટું રોકાણ કર્યું છે અને બદલાયેલાં સમીકરણને પગલે ચીને કહી દીધું છે કે, ``માલદિવ્સમાં હસ્તક્ષેપ કરવાનું ભારત પાસે કોઈ કારણ નથી.'' દરમિયાન, માલદિવ્સની કટોકટી રાજકીય હોવા છતાં તેમાં ધાર્મિક રંગ પણ છે. ભ્રષ્ટાચારથી ખદબદતું પ્રશાસન અને નેતાઓ તથા આપખુદ શાસકોને કારણે માલદિવ્સમાં હાલની સ્થિતિ નિર્માણ થઈ છે.
માલદિવ્સમાં કટોકટીની
સ્થિતિ કેમ જાહેર કરાઈ?
માલદિવ્સના રાષ્ટ્રપ્રમુખ અબદુલ્લા યમીને ગત પાંચમી ફેબ્રુઆરીએ પંદર દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી એ પહેલાં દેશની સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નીશાદ સામેના ખટલાને કાઢી નાખવાના તથા વિરોધ પક્ષના નવ સાંસદોની ફેરનિમણૂક કરવાના આદેશ પહેલી ફેબ્રુઆરીએ આપ્યા હતા. આના જવાબમાં સરકારે (યમીન એમ વાંચો) દેશની પાર્લામેન્ટને જ સ્થગિત કરી નાખી. સેના અને પોલીસ અબદુલ્લા યમીનની પડખે છે અને લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ દેશના ચીફ જસ્ટિસ અને પોતાના હાફ બ્રધર એવા ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગય્યુમની પણ ધરપકડ કરી હતી. એટલું જ નહીં, માલદિવ્સના એટર્ની જનરલે તો એવું જાહેર કર્યું છે કે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ કોઈ પણ પગલું, તેમની ધરપકડ કે મહાભિયોગનો પ્રયાસ ગેરકાયદે ગણાશે. ટૂંકમાં યમીન સિવાય બધા જ ખોટા છે એવું વાતાવરણ ઊભું થયું છે.
અત્યારની કટોકટીની
શરૂઆત કઈ રીતે થઈ?
આ કટોકટીનાં બીજ 2008 બાદ રોપાયાં કે એ પહેલેથી જ મોજૂદ હતાં એ કહેવું મુશ્કેલ છે, કેમ કે 2008 પહેલાં માલદિવ્સને હંમેશાં સરમુખત્યાર સરકારો જ મળી છે. જેમાં રાષ્ટ્રપ્રમુખ સર્વોચ્ચ કાર્યવાહક તથા અદાલતી સત્તા હતા. પ્રજા તથા સિવિલ સોસાયટી તરફથી વધતા દબાણને પગલે દેશમાં લોકતાંત્રિક સુધારાઓના પગરણ થયાં. સાતમી અૉગસ્ટ, 2008માં નવું બંધારણ સ્વીકારવામાં આવ્યું અને રાજસત્તા અને ન્યાયસત્તાને એકમેકથી સ્વતંત્ર કરવામાં આવી હતી. લોકતાંત્રિક ઢબે થયેલી પહેલી ચૂંટણીમાં નશીદને જીત મળી. 1978થી અબ્દુલ ગય્યમની સરકાર હતી અને શરૂઆતથી જ તેમણે ન્યાયતંત્રમાં પોતાના હિમાયતીઓ અને વફાદારોની જ ભરતી કરી હતી. આથી, લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી પ્રથમ સરકાર આવી ત્યારે નવા બંધારણમાં મેરિટના આધારે ન્યાયાધીશોની પુનર્નિયુક્તિની જોગવાઈ હતી, પણ ગય્યુમના મળતિયાઓથી ભરેલા જ્યુડિશિયલ સર્વિસ કમિશને આ જોગવાઈને `પ્રતીકાત્મક' ગણાવી હતી અને 2010માં ન્યાયાધીશોને જીવનભર માટે શપથપદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્રણ વર્ષ બાદ માલદિવ્સમાં ચૂંટણીઓ યોજાઈ ત્યારે સુપ્રીમ કોર્ટે આખી પ્રક્રિયા ત્રણ વાર ખોરવી નાખી હતી, આ માટે તેમણે આપેલાં કારણો દેખીતી રીતે જ પાંગળાં હતાં. મતદાનના પહેલા ચરણ બાદ નાશીદ આગળ હતા, પણ કોર્ટે એ પરિણામો રદ કર્યાં. નાશીદ આગળ હતા, પણ 50 ટકા મતોની જરૂરિયાતથી તેમનો પનો ટૂંકો પડયો હતો. એ પછી કોર્ટે બીજા તબક્કાને આગળ ઠેલી દીધો, પણ પછી અબદુલ્લા યમીન પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. યમીન સત્તા પર આવતાં જ સર્વોચ્ચ અદાલતે આદેશોની શ્રેણી દ્વારા પોતાને બંધારણ બહારના કેટલાક અધિકારો આપ્યા. એ પછી યમીને ગયા વર્ષે માસ્ટર સ્ટ્રોક મારતા એટર્ની જનરલના નિયમનના અધિકારો પોતાના હસ્તક લીધા અને જજોની નિમણૂક, ટ્રાન્સફર, પ્રમાણિત કરવાના તથા બરખાસ્ત કરવાના હક પણ લઈ લીધા. અદ્દલ પેલા દલા તરવાડીની જેમ. હવે થયું એમ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગય્યુમના વફાદારોમાંના કેટલાક હજી ન્યાયતંત્રમાં છે. યમીનના પગલાંથી એ બધા નારાજ થયા અને નાશીદ તરફ ઢળ્યા છે. આ કારણસર જ સર્વોચ્ચ અદાલતે પહેલી ફેબ્રુઆરીએ આપેલા ચુકાદા બાદ યમીન ભુરાટા થયા છે.
યમીન અને નાશીદ વચ્ચે
કેવાં સમીકરણ છે?
2008માં રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયેલા નાશીદને 2012માં રાજીનામું આપવાની ફરજ પડી હતી. કથિત ભ્રષ્ટાચારના આરોપસર ફોજદારી અદાલતના ટોચના જજ અબદુલ્લા મોહમ્મદની ધરપકડના આદેશ નાશીદે આપ્યા હતા. 2013માં નાશીદનો યમીન સામે ચૂંટણીમાં પરાજય થયો હતો અને જજ મોહમ્મદની ધરપકડ બદલ તેમને 13 વર્ષ કેદની સજા ફરમાવી હતી. નાશીદ બ્રિટનની લીવરપુલ યુનિવર્સિટીના સ્નાતક છે અને પાશ્ચાત્ય જગત સાથે તેમના સારા સંપર્કો છે અને યમીન સરકાર પર દબાણ લાવવાનું સામર્થ્ય તેઓ ધરાવે છે. અૉક્ટોબર, 2018માં માલદિવ્સમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે અને નાશીદ યમીન સામે ચૂંટણી લડવાના મૂડમાં હોવાથી અને તેને પશ્ચિમના દેશોનો ટેકો હોવાથી યમીનના પેટમાં તેલ રેડાયું છે. હાલ, નાશીદ તબીબી આધાર પર બ્રિટનમાં છે.
ધાર્મિક રંગ
માલદિવ્સની સો ટકા વસતિ મુસ્લિમ હોવાનો દાવો ત્યાંના સત્તાવાળા કરે છે. જૂનવાણી ઈસ્લામિક જૂથોએ વર્તમાન સરકારને ટેકો જાહેર કર્યો છે અને યમીનની જગ્યાએ નાશીદ સત્તામાં હતા ત્યારે તેમને ઈસ્લામ-વિરોધી ચીતરવાના પ્રયાસ થયા હતા. ચીનની જેમ સઉદી અરેબિયાએ પણ માલદિવ્સમાં ખાસ્સું રોકાણ કર્યું છે અને વિદેશી કરજ ચૂકવવા સઉદીએ માલદિવ્સને 150 મિલિયન ડૉલરની લોન આપી છે. સઉદીની મદદની આ અસર ત્યાંના ધાર્મિક તાણાંવાણાં પર પડી છે, ધાર્મિક કટ્ટરતા વધી છે અને વહાબી તથા સૂફી જેવી ઈસ્લામિક વિચારધારાઓ પ્રત્યે અસહિષ્ણુતા વધી રહી હોવાનું આંતરરાષ્ટ્રીય સંબંધોના વિદ્વાન અઝરા નઝીમે નોંધ્યું છે. ધર્મમાં રાજકારણ ભળ્યું હોવાથી હવે આ કોકટેલ વધુ ડેડલી બનશે.
ભારત શું કરી શકે?
ભારતથી માલદિવ્સ ટાપુઓ 400 કિ.મી.ના અંતરે છે અને વર્ષોથી ભારતે આ પાડોશી દેશમાં `મોટા ભાઈ'ની ભૂમિકા ભજવી છે, પણ ચીને ભારતીય ઉપખંડના બધા દેશોના `મોટા ભા' બનવાની દિશામાં આરંભેલા પ્રયાસોમાં માલદિવ્સને પણ મદદ કરી છે. માલદિવ્સના વિરોધ પક્ષના નેતાઓએ ભારતને આ કટોકટીમાં મધ્યસ્થી કરવા અરજી કરી છે. યમીને ચીન, સઉદી અરેબિયા અને ઈવન પાકિસ્તાન સુધી પોતાની કૅબિનેટના પ્રધાનોને વર્તમાન સ્થિતિથી વાકેફ કરવા મોકલ્યા છે. ભારત તરફ કોઈ દૂત મોકલાયો નથી. તો, ચીન પણ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આમ, ભારત પાસે અત્યારે તો ઝાઝા વિકલ્પો નથી. ત્રણ દાયકા પહેલાં ભારતે અૉપરેશન કેકટસ હાથ ધરી માલદિવ્સની કટોકટી દૂર કરી હતી, પણ એ વખતે મદદ સત્તામાં રહેલા રાષ્ટ્રપ્રમુખ ગય્યુમે માગી હતી. નવેમ્બર, 1988માં શ્રીલંકાની પીપલ્સ લિબરેશન ઓર્ગેનાઈઝેશન અૉફ તામિલ ઈલમના (પીએલઓટીઈ) 80થી 200 જેટલા ત્રાસવાદીઓ ઉમા મહેશ્વરમના નેતૃત્વ હેઠળ માલદિવ્સના પાટનગર મેલમાં ઘૂસી આવ્યા અને શહેરના મહત્ત્વના વિસ્તારોને પોતાના કબજા હેઠળ લઈ ગય્યુમ સરકારને ઊથલાવવાનો મનસૂબો ધરાવતા હતા. આ કારસા પાછળ માલદિવ્સના ઉદ્યોગપતિ અબદુલ્લા લુથુફીનો હાથ હતો. એ વખતે રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન હતા અને ગય્યુમની વિનંતીને માન્ય રાખી મિલિટરી મદદ કરવાની તૈયારી કરી અને ગણતરીના કલાકોમાં આખી યોજના તૈયાર કરાઈ અને પાર પાડવામાં આવી. આગ્રા ઍરફોર્સ સ્ટેશનથી ઈંઈં-76 ઍરક્રાફટમાં જવાનો નીકળ્યા અને માલદિવ્સ કટોકટીનો અંત આણ્યો હતો, પણ વર્તમાન કટોકટીનો ઉકેલ એટલો હાથવગો નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer