`હું તેને ચાહું છું જે અંતે મને ખલાસ કરી નાખે'' : સિલ્વિયા પ્લાથ

`હું તેને ચાહું છું જે અંતે મને ખલાસ કરી નાખે'' : સિલ્વિયા પ્લાથ
પ્રેમની કવિતા પ્રેમ જેટલી જ પુરાણી છે. શેક્સપિયર-હોમર હોય, કાલિદાસ-ભવભૂતિ હોય કે આધુનિક કવિઓ હોય, ક્યારેક તો સૌ પ્રેમની અને પ્રેમની પીડાની કવિતા લખે જ છે અને એવું પણ બનતું રહે છે કે બે કવિઓ એકબીજાના પ્રેમમાં પડી જાય. 
પશ્ચિમની વાત કરીએ તો 1846માં વિકટોરિયન સર્જક રોબર્ટ બ્રાઉનિંગે પ્રતિભાશાળી કવયિત્રી એલિઝાબેથ બેરેટ સાથે લગ્ન કર્યાં હતાં. પંદર વર્ષના લગ્નજીવનમાં બંનેએ સુંદર પ્રેમકાવ્યો આપ્યાં છે. રશિયાની મહાન કવયિત્રી આના અખ્માતોવાએ યુવાન કવિ નિકોલાઇ ગુમિલ્યોવ સાથે લગ્ન કર્યાં હતાં, જે લાંબું ટક્યાં ન હતાં. ડબ્લ્યુ.એચ.ઓડેને ચૌદ વર્ષ નાની કવયિત્રી ચેસ્ટર કૉલમેન સાથે પ્રેમ કર્યો હતો. તેમના સંબંધોએ આપણને અનેક સુંદર રચનાઓ આપી છે. સર્જકો વચ્ચેના પ્રેમનાં અનેક ઉદાહરણો આપી શકાય, પણ પરિણામ બે જ છે -  બંને એકમેકની જિંદગીને સમૃદ્ધ કરે છે અથવા તો ખલાસ કરે છે.
આવાં યુગલોમાં સૌથી કાવ્યાત્મક અને સૌથી કરુણ કહાણી છે સિલ્વિયા પ્લાથ અને ટેડ હ્યુઝની. બહુ જાણીતી, બહુ ચર્ચાયેલી અને જીવનચરિત્રકારોએ પોતપોતાનાં અર્થઘટનોથી રંગેલી આ કથા પર 2003માં `િસલ્વિયા' નામની એક ફિલ્મ પણ બની હતી. સિલ્વિયા પ્લાથ અને ટેડ હ્યુઝને ઉત્તેજનાભર્યો પ્રેમ, તોફાનોથી ભરેલું લગ્નજીવન, વેદનાભર્યો હૃદયભંગ અને 30 વર્ષની ઉંમરે સિલ્વિયાએ કરેલી આત્મહત્યામાંથી પસાર થતાં પહેલી નજરે ટેડ ક્રૂર અને વિશ્વાસઘાતી હોવાની છાપ ઊભી થાય. એ વાત કેટલી સાચી હતી તે આપણે જાણવા પામવાના નથી. તેમાં પડવા કરતાં એમની કહાણીનો જે શ્રેષ્ઠ હિસ્સો છે તેની - તેમની કવિતાની વાત કરીએ.
જર્મન મૂળની સિલ્વિયા પાથ અમેરિકાના મેસેચ્યુએટ્સમાં જન્મી, ગ્રેજ્યુએચટ થયા પછી ફુલબ્રાઇટ સ્કોલરશિપ લઇ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે ઇંગ્લેન્ડ આવી, અને જાણે તેની જ રાહ જોઇ રહ્યો હોય તેમ તેને એ મળ્યો - મહત્ત્વાકાંક્ષી યુવાન બ્રિટિશ કવિ ટેડ હ્યુઝ. બંને મળ્યાં અને ચાર મહિનામાં તો પરણી પણ ગયાં. 
1998માં, અનેક પ્રતિષ્ઠિત સન્માનપ્રાપ્ત ટેડ હ્યુઝનો તેના મૃત્યુ પહેલા છેલ્લો કાવ્યસંગ્રહ `બર્થડે લેટર્સ' બહાર પડ્યો. તેમાં તેણે સિલ્વિયા પ્લાથ સાથેના સંબંધો વિશે પહેલીવાર ખૂલીને લખ્યું છે. `ફ્લુબ્રાઇટ સ્કોલર્સ' નામના કાવ્યમાં તેણે સિલ્વિયાને પહેલીવાર જોઇ તે ક્ષણનું વર્ણન કરતાં લખ્યું છે, `સ્ટેન્ડ પર નવા આવેલા ફ્લુબ્રાઇટ સ્કોલર્સની તસવીર છે. સુંદર કન્યાઓ તરફ નજર જાય છે - આમાંથી કોની સાથે દોસ્તી કરવી - અચાનક નજર ક્યાંક થંભી જાય છે. ફૂલ જેવો ચહેરો, જલતરંગો જેવા લહેરાતા લાંબા છૂટા વાળ અને તેજસ્વી આંખો - એ તું જ હતી ને?' હ્યુઝ જેવા આકંઠ નિસર્ગપ્રેમી માટે આટલાં વર્ષે આ જાતની કબૂલાત નવાઇ પમાડે તેવી છે. સિલ્વિયાના મૃત્યુના ત્રીસ વર્ષ પછી જો હ્યુઝ તેને આ તીવ્રતાથી યાદ કરતો હોય તો તે વખતનું તેનું આકર્ષણ કેવું હશે?
સિલ્વિયા હતી પણ તેવી. અત્યંત સુંદર અને સંપૂર્ણતાની આગ્રહી. આઠ વર્ષની ઉંમરથી કાવ્યો લખતી, જિંદગીને અને મૃત્યુને પણ અત્યંત ગાઢપણે ચાહતી ને અંદરના અજબ પ્રકાશથી ચમકચમક થતી સિલ્વિયા પ્રત્યે હ્યુઝ આકર્ષણ ન અનુભવે તો જ નવાઇ. 
પણ સિલ્વિયાનો એક બીજો ચહેરો પણ હતો. આત્મકથનાત્મક નવલકથા `ધ બેલ જાર'માં તેણે લખ્યું છે કે એક હતાશા અને એક સ્ફૂર્તિ બંને તેના તીવ્રતમ સ્વરૂપ સાથે મારામાં વસતા અને હું એકથી બીજા છેડે ફંગોળાતી રહેતી. આ ઇમોશનલ ઇનસ્ટેબિલિટી અને ડિપ્રેશનની અસર જેમ સિલ્વિયાનાં કાવ્યોમાં તેમ તેમનાં લગ્નજીવન પર પણ પડી. તે અત્યંત સંવેદનશીલ, ઉત્તેજનાભરી, આવેગમય, આદિમ અને અતિરેકોમાં જીવનારી હતી. તેનાં કાવ્યોમાં જાત સાથેનો સંઘર્ષ, વધારે સારું લખવાની, વધારે ખુશી મેળવવાની અને સાહિત્ય અને પ્રેમની દુનિયામાં વિજય મેળવવાની પાગલ ઝંખના દેખાય છે. ફેબ્રુઆરી 1955માં સિલ્વિયા અને હ્યુઝ પહેલીવાર મળ્યાં. સિલ્વિયા લખે છે, `હું હોલમાં દાખલ થઇ. યુવતીઓથી ઘેરાયેલો એક કદાવર, ઘેરા રંગનો, ચુસ્ત યુવક મને દેખાયો અને ત્યાર પછી બીજું કોઇ કે બીજું કંઇ ન દેખાયું. મેં આસપાસનાને તેનું નામ પૂછવા માંડ્યું, પણ કોઇ મને એ કહેતું ન હતું. અચાનક તે આવ્યો અને જાણે મારામાં ઊતરવા માગતો હોય તેમ મારી આંખોમાં જોઇ રહ્યો. એ ટેડ હ્યુઝ હતો.' 
આમ હ્યુઝ અને સિલ્વિયા બંને એકસરખી તીવ્રતાથી એકબીજાં તરફ આકર્ષાયાં હતાં. પ્રથમ ચુંબન વિશે સિલ્વિયાએ લખેલી પંક્તિઓ ખૂબ જાણીતી થઇ છે : `તેનો ચહેરો મારા ચહેરા પર ઝૂક્યો. મારો લાલ રેશમી સ્કાર્ફ ખૂલીને ક્યાંક ઊડી ગયો. તેણે મારી ગરદનને ચુંબન કર્યું અને મેં જોરથી તેના ગાલ પર દાંત ભરાવ્યા. તે ઓરડાની બહાર નીકળ્યો ત્યારે તેના ગાલ પર લોહી ફૂટી આવ્યું હતું.' - સિલ્વિયાએ જે લખ્યું છે તેની આ તો ઘણી સૌમ્ય આવૃત્તિ છે. એક હિંસક ઉત્તેજના સિલ્વિયાના વ્યક્તિત્વમાં, પ્રેમમાં અને શબ્દોમાં સતત વ્યાપેલી રહી છે. હ્યુઝ સાથે હતી તે દરમિયાન તેણે લખેલાં કાવ્યોમાં, ખાસ કરીને `ડૅડી'માં સ્પષ્ટ થાય છે કે તેની ઘાયલ, વ્યાકુળ ચેતના હ્યુઝમાં પિતાનું સંરક્ષણ અને પ્રેમીનો આવેગ બંને ઝંખતી હતી.  
ત્રીસ વર્ષ પછી એક કાવ્યમાં હ્યુઝે પણ પ્રથમ ચુંબનની એ પળને યાદ કરી છે, `હું ચાલ્યો આવ્યો - મને એટલું જ યાદ છે કે ગાલ પર દાંતના ગોળ, લાલ નિશાન નીચે એક નવો હું ધબકી રહ્યો હતો ...' 
લગ્ન પછી બંને થોડો વખત અમેરિકા રહ્યાં, ત્યાર બાદ લંડન આવીને વસ્યાં. બંને ખૂબ લખતાં. એકબીજાંની કારકિર્દીમાં રસ લેતાં. 1962માં ટેડ એસિઆ વિવિલના પ્રેમમાં પડ્યો ને તેની સાથે રહેવા લાગ્યો. સિલ્વિયા ઇંગ્લેન્ડના એક ફ્લેટમાં બે નાનાં બાળકો સાથે રહી. અનેક વિટંબણાઓ છતાં તે સતત લખતી. બીમાર હોય તો પણ સવારે ત્રણચાર વાગ્યે ઊઠી જતી અને બાળકો જાગે તે પહેલાં લખતી રહેતી. છેલ્લા થોડા અઠવાડિયામાં રોજરોજ લોહીમાંસથી લખાયાં હોય તેવાં કાવ્યો તેણે લખ્યાં છે. માનસિક યંત્રણાથી પીડાતી અને મૃત્યુને ભયાનક પ્રચંડ આકર્ષણ તરીકે વર્ણવતી સિલ્વિયાએ આત્મહત્યા કરી ત્યારે તેની ઉંમર ત્રીસ વર્ષની હતી. દિવસ હતો 11 ફેબ્રુઆરી 1963. સિલ્વિયાના મૃત્યુએ ટેડને એવો તોડી નખ્યો કે ત્રણ વર્ષ સુધી તે કવિતા લખી શક્યો નહીં. નારીવાદીઓ તેને સિલ્વિયાના મૃત્યુનું કારણ ગણતા હતા. નવાઇની વાત એ છે કે એસિઆએ પણ થોડાં વર્ષ પછી સિલ્વિયાએ કરી હતી તે જ પ્રકારે આત્મહત્યા કરી. 
`લવસોંગ' નામના કાવ્યમાં હ્યુઝે લખ્યું છે, `તેનું સ્મિત કરોળિયાના ડંખ જેવું છે. તેને ફરી ભૂખ ન લાગે ત્યાં સુધી હું થીજેલો પડ્યો રહું છું... એકબીજાંને બાનમાં રાખ્યા હોય તેવાં અમે સવારે એકબીજાના ચહેરા પહેરીને ચાલ્યા જઇએ છીએ' સિલ્વિયાના મૃત્યુ પછી તેના અપ્રગટ કાવ્યો શોધીને તેના સંગ્રહો પ્રગટ કરનાર બીજું કોઇ નહીં, તેનો ભૂતપૂર્વ પ્રેમી અને પતિ ટેડ હ્યુઝ હતો. આ કરુણ પ્રેમકહાણીનું પૂરું રહસ્ય કોઇ પામી શક્યું નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer