બોફોર્સનો બદલો લેવાનો પ્રયાસ

બોફોર્સનો બદલો લેવાનો પ્રયાસ
લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી હજુ દૂર છે, પણ સંસદ અને રાજકીય વર્તુળોમાં ચૂંટણીની હવા શરૂ થઈ છે. કોઈ ચોક્કસ મુદ્દો કેન્દ્રમાં લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, હળવા અને ભારે હિન્દુત્વના મુદ્દાનું અપહરણ રાહુલ ગાંધીએ કર્યા પછી હવે અયોધ્યાના વિવાદનું નિરાકરણ થાય તેવા પ્રયાસ શ્રી શ્રી રવિશંકર કરી રહ્યા છે. શિયા અગ્રણીઓના સહકાર પછી હવે મુસ્લિમ વકફ બોર્ડના આગેવાનો પણ એમને મળ્યા અને આશા જાગી ત્યાં મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે પાણી ફેરવ્યું. આમ છતાં સમાજમાં એક મજબૂત વર્ગ સમાધાન- અદાલતની બહાર થાય તેમ ઇચ્છે છે. સુપ્રીમ કોર્ટે પણ પક્ષકારોને વિચારવા માટે જ લાંબો સમય આપ્યો છે.  આ ઉપરાંત કૉંગ્રેસ-પ્રમુખ રાહુલ ગાંધી ભ્રષ્ટાચારનો મુદ્દો ચૂંટણીના કેન્દ્રમાં લાવવા માગે છે. બોફોર્સ તોપના સોદામાં `ઈટાલી-કનેકશન'નો વિવાદ જાગ્યો હતો અને કૉંગ્રેસે કિંમત ચૂકવી હતી. આ વિવાદ મૂળ તો વી.પી. સિંહે જગાવ્યો હતો. હવે બોફોર્સનો બદલો લેવાશે? રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી ઉપર - ફ્રેન્ચ ફાઇટર વિમાનોના સોદામાં `સ્કેમ'નો આક્ષેપ કર્યો છે. સંરક્ષણપ્રધાન અને ખાતાએ વિગતવાર રદિયો આપ્યો છે - પણ ચૂંટણી સુધી આ વિવાદ ખેંચાયા કરે તો નવાઈ નહીં.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનાં બન્ને ગૃહોમાં કૉંગ્રેસની નેતાગીરી ઉપર જે આક્રમક પ્રહાર કર્યા તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાનના ભાષણને ચૂંટણી ભાષણ કહીને ટીકા કરી. મીડિયામાં પણ 2019ની ચૂંટણીની પૂર્વ તૈયારી હોવાના અહેવાલ આવ્યા. હકીકતમાં રાષ્ટ્રપતિજીના `મંગળ પ્રવચન' બદલ આભાર માનતા ઠરાવની બંને ગૃહોમાં ચર્ચા થાય અને વડા પ્રધાન ચર્ચાનો જવાબ આપે. આ ઠરાવની ચર્ચામાં રાષ્ટ્રપતિજીના સંબોધન અને અન્ય રાજકીય મુદ્દા ઉપર પણ ભાષણ કરી શકાય છે. સભ્યો પોતાના મતવિસ્તાર અંગે પણ બોલી શકે છે. તેથી આ ઠરાવ ઉપરની ચર્ચા રાજકીય હોય છે અને અત્યારે 2019 પહેલાં પણ રાજ્યોમાં ચૂંટણી છે તેથી વડા પ્રધાન અને વિપક્ષના નેતાઓ પણ રાજકીય ભાષણ કરતા હોય છે. નરેન્દ્ર મોદીની આક્રમક ભાષા સામે વિપક્ષી નેતાઓ નબળા પડે છે અને તેથી ધાંધલધમાલ કરીને એમના ભાષણને અવરોધવાના પ્રયાસ થાય છે.  અત્યારે દેશભરમાં ચૂંટણીનું વાતાવરણ નથી? વિપક્ષો નવા મોરચાની તૈયારી કરે છે, સોનિયાજી કહે છે : રાહુલ મારા પણ `બૉસ' છે, સમાન વિચારધારા પક્ષોનો સહકાર મેળવવા પ્રયાસ કરીશું... વગેરે વગેરે. ગુજરાત અને રાજસ્થાનમાં કૉંગ્રેસે સારો દેખાવ કર્યા પછી જુસ્સો વધ્યો છે અને તે સ્વાભાવિક છે, પણ સંસદમાં જ્યારે વિપક્ષી નેતા એમ કહે કે મોદી સરકાર અમારી યોજનાઓનાં નામ બદલીને પ્રચાર કરે છે - મોદીએ જવાબ આપ્યો કે નામ નહીં, અમે લક્ષ્ય અને કામ બદલીને બતાવીએ છીએ. કૉંગ્રેસ એમ કહે કે આપણા દેશમાં લોકશાહી નેહરુને આભારી છે ત્યારે મોદી ઇમર્જન્સીની યાદ અપાવે છે! કોઈ મહિલા સભ્ય ગૃહમાં અટ્ટહાસ્ય કરીને મોદી અને સરકારની મજાક-હાંસી ઉડાવે ત્યારે મોદી રામાયણના એક પાત્ર-નું નામ લીધા વિના- ઉલ્લેખ કરે- છે! હાસ્યથી હાંસીનો જવાબ આપે છે! સંસદમાં આ વાતો - હાજર જવાબી સ્વાભાવિક હોય છે તે સ્વીકારવું જોઈએ.  મોદીએ સરદાર પટેલ અને નેહરુનો ઇતિહાસ યાદ કરાવ્યો - કાશ્મીરથી આંધ્રના વિભાજન સુધી - તેથી નિર્દેશ મળ્યો કે આગામી ચૂંટણીમાં આ મુદ્દો પણ હશે. એવી ટીકા થઈ છે કે વડા પ્રધાને ભૂતકાળ નહીં - ભવિષ્યની વાત કરવી જોઈએ. વડા પ્રધાને વિકાસ યોજનાઓની પ્રગતિના આંકડા આપ્યા છે. વિપક્ષો - માત્ર પી. ચિદમ્બરમ મોદીના ભાષણને `જુમલા'- છેતરામણી વાતો કહે છે, પણ આ બાબત આખરી નિર્ણય તો જનતાના હાથમાં અને હકમાં હોય છે.  લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરવાની દરખાસ્ત જૂની છે અને નરેન્દ્ર મોદી ઘણા વખતથી આ વિષયમાં ચર્ચા થાય એવું સૂચન કરી રહ્યા હતા. હવે આખરે ચર્ચા શરૂ થઈ છે અને કૉંગ્રેસને પાકી શંકા છે કે મોદી આમ કરીને જ રહેશે... આથી સાવધાન થઈને તૈયારી કરે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી શરૂ થઈ રહી હતી ત્યારે કૉંગ્રેસનો પ્રયત્ન સુનાવણી લોકસભાની આગામી ચૂંટણી થઈ જાય તે પછી જ શરૂ થાય એવો હતો. ગુરુવારે તિસ્તા સેતલવડ, કુમાર કેતકર, મેધા પાટકર વગેરે `અગ્રણી નાગરિકો' વતી પ્રયાસ થયો કે - અમને પણ સાંભળો - સુપ્રીમ કોર્ટે આ માગણી નામંજૂર કરી. આવી દરમિયાનગીરીના કારણે વિલંબ થાય અને લાગણીઓ ભડકે એવી શક્યતા હોય છે. હવે 14મી માર્ચ સુધીમાં બંને પક્ષોએ ગ્રંથો વગેરેના અનુવાદ સાથે દસ્તાવેજ આપવાના છે.  શિયા બોર્ડ સમાધાનની તરફેણ કરે છે અને સુન્ની વકફ બોર્ડના અગ્રણી નેતાઓ પણ બેંગલુરુમાં શ્રી શ્રી રવિશંકરને મળ્યા અને અદાલતની બહાર સમાધાનને ટેકો આપ્યો પણ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ વિરોધ કરે છે. સમાધાન થઈ જાય તો રાજકીય પક્ષોના હાથમાંથી મુદ્દો સરી જાય... નવો ઇતિહાસ, ભાઈચારો શરૂ થાય. `ઈશ્વર-અલ્લાહ તેરે નામ' સંભળાય તો?!   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer