કોઈ પણ સમયે ફૂટી શકે છે શૅરબજારનો પરપોટો : આરબીઆઈ

નવી દિલ્હી, તા. 10 : આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે, મુખ્ય બેંક અને સેબીએ જોખમના આંકલન માટે શેરબજારમાં થઈ રહેલી ઉથલપાથલ ઉપર સંજ્ઞાન લેવું જોઈએ. ઉર્જિત પટેલે ઉમેર્યું હતું કે, છેલ્લા અમુક દિવસોથી શેરબજારમાં કરેક્શનનો દોર ચાલી રહ્યો હતો. આ ઉથલપાથલની અસર ભારત સહિત દુનિયાભરમાં દેખાઈ રહી છે અને શેરબજારની ચડ-ઉતર મૂડી બજાર કેવી રીતે દિશા બદલે છે તે દર્શાવે છે. અત્યારસુધી દુનિયાના કોઈ દેશ કે ભારતમાં એવો વિચાર થયો નથી કે શેર માર્કેટનો પરપોટો કોઈપણ સમયે ફૂટી શકે છે અને એક મોટી સમસ્યા ઉભી થવાની સંભાવના છે. આ સમસ્યાની અસર રોકવા માટે નાણા મંત્રાલયના નિયામકો, આરબીઆઈ અને એસબીઆઈએ આગળ આવીને જોખમો અંગે ચર્ચા વિચારણા કરવી જોઈએ. આ ઉપરાંત જોખમોની અસર રોકવા માટે જરૂરી નિર્ણયો પણ કરવા જરૂરી છે. 1થી 9 ફેબ્રુઆરી સુધીમાં શેરબજારમાં 1900 પોઈન્ટનો કડાકો બોલ્યો છે અને નિફ્ટીમાં પણ 500થી વધારે અંકનો ઘટાડો થયો છે. આ પરિસ્થિતિમાં રોકાણકારોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer