ભારતીય શૅરો પ્રત્યે FPISનું આકર્ષણ ઘટયું

મુંબઈ, તા. 10 : વૈશ્વિક શૅરબજારો હાલ જાણે મંદીના સપાટામાં આવી ગયા છે. આથી જ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોમાં ભારતીય શૅરોનું આકર્ષણ ઘટયું છે. અમેરિકા અને યુરો ઝોનમાં બોન્ડ યીલ્ડ વધવાથી વિકસિત બજારોમાં વેચવાલી થઈ હતી અને તેને લીધે ભારતીય બજાર પણ તૂટયું હતું. વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાં વેચવાલ બની ગયા છે.
મની મેનેજર્સના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં મહદ અંશે ઇમર્જિંગ માર્કેટસ પર આધારિત ઇટીએફએ વેચવાલી કરી છે. એફપીઆઈએ ચાલુ મહિનાના કુલ સાતમાંથી પાંચ સત્રોમાં શૅર વેચ્યા છે. ફેબ્રુઆરીના પ્રારંભે વૈશ્વિક બજારના કરેકશનને કારણે એફઆઈઆઈના રોકાણની જાવક જોવા મળી છે. ખાસ કરીને ફુગાવાના ઊંચા સ્તર, ક્રૂડ તેલની મોટા પાયે આયાત અને નોંધપાત્ર વિદેશી મૂડીપ્રવાહના કારણે ભારતીય બજાર જોખમી જણાય છે.
કામચલાઉ આંકડા મુજબ એફપીઆઈએ ગુરુવારે સ્થાનિક બજારમાં રૂા. 2297 કરોડની વેચવાલી કરી હતી. જોકે, સ્થાનિક રોકાણકારોની રૂા. 2373.59 કરોડની ખરીદીનો બજારને ટેકો મળ્યો છે. બજેટમાં લૉન્ગટર્મ કેપિટલ ગેઈન્સ ટૅક્સના કારણે 
પણ સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer