સ્થાનિક રોકાણકારો શૅરબજારોને ટેકો આપશે

ફાર્મા, આઈટી અને બૅન્કિંગ શૅર્સ આકર્ષક બની રહેશે
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
`જન્મભૂમિ પ્રવાસી'            મુંબઈ, શનિવાર
વૈશ્વિક બજારમાં નોંધપાત્ર વેચવાલી અને સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોમાં ભારે વધઘટ વચ્ચે નવા સપ્તાહમાં સ્થાનિક રોકાણકારો બજારને વધુ ઘટતું અટકાવશે, એમ ડીલર્સનું કહેવું છે. વૈશ્વિક ધોરણે વ્યાજદર અને ફુગાવામાં વધારાના ભયથી અમેરિકાના સૂચકાંકોમાં ભારે ઘટાડો થતાં અર્થતંત્રની વૃદ્ધિ અને ગ્રાહકની માગમાં પ્રતિકૂળ અસર પડી શકે છે. 
શુક્રવારે નિફ્ટી-50 ઈન્ટ્રાડેમાં 178.65 પોઈન્ટ્સ અને સેન્સેક્ષ 563.51 પોઈન્ટ્સ ઘટયો હતો, જે અન્ય બજારોની સરખામણીમાં ઓછા ઘટયા છે. 
આગામી સપ્તાહમાં જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅર્સમાં વધારો થઈ શકે છે, જ્યારે ખાનગી બૅન્કના શૅર્સમાં વધારો મર્યાદિત રહેશે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ તેમની નાણાકીય નીતિમાં બુધવારે જણાવ્યું હતું કે, માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીસ (એમએસએમઈ)માં બૅન્કો અને નોન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી)નું ધિરાણ બૅન્કના ચોપડામાં સ્ટાન્ડર્ડ એસેટ તરીકે ગણાશે. આ જાહેરાતથી જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅર્સ વધશે.
આ સુવિધા 180 દિવસ સુધી એમએસએમઈ એકમોને ઉપલબ્ધ રહેશે, જેનાથી બૅન્કોની નોન-પરર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) ઓછી થશે. બૅન્કો અને એનબીએફસી આ વધારાના એક્સપોઝર સામે પાંચ ટકા રકમ એકમોને ફાળવશે, જે બેડ લોન તરીકે ગણાશે નહીં અને લોનની રકમ વધારવામાં આવેલી સમય મર્યાદાની અંદર પરત કરવાની શરતે અપાશે. 
વ્યાજદર વધવાના ભયે બૅન્કિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસીસના શૅર્સ ગયા અઠવાડિયે નબળા રહ્યા હતા. બૅન્ક ઓફ ઈન્ડિયા, યુનાઈટેડ બૅન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બૅન્ક, અલ્હાબાદ બૅન્ક અને દેના બૅન્ક આરબીઆઈના ત્વરિત સુધારાત્મક પગલાં (પ્રોમ્પ્ટ કરેકશન એક્શન-પીસીએ) હેઠળ વર્ગીકૃત થયેલી બૅન્કો છે, આ બૅન્કોના ડિસેમ્બર અંતનાં નાણાકીય પરિણામો આગામી અઠવાડિયે જાહેર થશે. 
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા લેવાલીને પગલે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શૅર્સના ભાવ વધશે. સસ્તું મૂલ્યાંકન અને સુરક્ષાત્મક ક્ષેત્રના દરજ્જાને લીધે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શૅર્સ ગત અઠવાડિયે બે ટકા વધ્યા હતા, જ્યારે નિફ્ટી-50 સૂચકાંકમાં 2.8 ટકાનો ઘટાડો થયો હતો. 
ડીલર્સનું કહેવું છે કે, જો લોકોને પોર્ટફોલિયોમાં જોખમ ઘટાડવું હોય એવાં મ્યુચ્યુઅલ ફંડ્સ ફાર્મા કંપનીઓની તરફેણમાં છે. વર્તમાનના આકર્ષક નીચા સ્તરને પગલે આગામી અઠવાડિયામાં આઈટી શૅર્સમાં વધારો થઈ  શકે છે. 
અમેરિકા સરકાર લોટરી વિઝા બાબતે નિર્ણય લેશે, તેથી ઈન્ફોસીસ, તાતા કન્સલટન્સી સિસ્ટ્મ્સ અને વિપ્રોના શૅર્સ ઉપર રોકાણકારોની નજર રહેશે. વ્હાઈટ હાઉસે અગાઉ જણાવ્યું હતું કે, સંચાલન વિઝા લોટરી સિસ્ટમની તરફેણમાં છે. આગામી અઠવાડિયા માટે ટેલિકોમ ક્ષેત્રનું આઉટલૂક નબળું છે અને છેલ્લા ત્રણ મહિનાથી નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં લેવાલી ખાસ રહેશે નહીં. 
ક્ષેત્રના મોટા ભાગના શૅર્સ હજી પણ નબળા છે. ભારતી એરટેલ ટૂંકા ગાળામાં રૂા.400ના સ્તર સુધી ઘટી શકે છે, એમ એક ટેકનિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું. બજારમાં વોલેટાલિટીની ધારણા હોવા છતાં એફએમસીજી કંપનીઓના શૅર્સ સાંકડી વધઘટમાં રહેશે, એમ વિશ્લેષકે જણાવ્યું હતું. 
આગામી નાણાકીય વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં ખર્ચની ફાળવણી વધારવામાં આવી, એફએમસીજીના શૅર્સ વધ્યા છે. જોકે, વૈશ્વિક બજારોમાં વેચવાલીનું વર્ચસ્વ રહેતાં એફએમસીજી કંપનીઓના શૅર્સ ઉપર તેની અસર પડશે, એમ મુંબઈ સ્થિત એક વિશ્લેષકે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer