ફિશરીઝ કૌભાંડનો કેસ રદ કરવા પરસોત્તમ સોલંકી દ્વારા હાઈ કોર્ટમાં રજૂઆત

અમદાવાદ, તા.10: રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાન પરસોત્તમ સોલંકી વિરુદ્ધ રૂા.400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં લાંચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ રદ કરવાના મુદ્દે થયેલી અરજીમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં મૂળ ફરિયાદી પક્ષે એવી દલીલ કરી હતી કે, આ સમગ્ર મામલે લાંબા સમયથી કાનૂની જંગ ચાલી રહ્યો છે. એમાંય રાજ્યપાલ દ્વારા સોલંકી વિરુદ્ધ કાર્યવાહી માટેની મંજુરી આપ્યા બાદ વિસ્તૃત તપાસના અંતે 400 પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. જે મુજબ તેમની વિરુદ્ધ કાયદાની જોગવાઇઓ હેઠળ ગુનો સાબિત થઇ શકે તેમ છે. તેથી આ ફરિયાદ રદ કરવી જોઇએ નહીં અને સોલંકીએ ફરિયાદ રદ કરવા કરેલી રિટ રદબાતલ ઠેરવવી જોઇએ. આ જ મામલે દિલીપ સંઘાણીએ પણ મૂળ ફરિયાદમાં કોઇ ઉલ્લેખ નહીં હોવાથી  ફરિયાદ રદ કરવા અરજી કરી છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે આ કેસની સુનાવણી 16મી ફેબ્રુઆરીના રોજ મુકરર કરી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer