જજ લોયા મોત કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની બૅન્ચ કરશે

જજ લોયા મોત કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની બૅન્ચ કરશે

સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી મુજબ અન્ય જજોમાં ખાનવિલકર અને ચંદ્રચુડનો સમાવેશ

નવી દિલ્હી, તા. 20 : વિશેષ સીબીઆઈ જજ બી.એચ. લોયાના 2014માં થયેલાં મોત સંદર્ભે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીઓની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેંચ કરશે. આ પહેલાં 16મી જાન્યુઆરીએ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ મોહન એમ. શાંતનાગૌદરની બેંચે કહ્યું હતું કે આ મામલાને ઉચિત બેંચની સામે રજૂ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે લોયા મામલાને જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચ સમક્ષ મૂકવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ચાર વરિષ્ઠતમ જજોએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે તેમણે મુખ્ય ન્યાયાધીશથી મુલાકાત કરીને પોતાની વાત મૂકી હતી. ગઈકાલે સીજેઆઈ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે મામલાની સુનાવણી 22 જાન્યુઆરીના રોસ્ટર પ્રમાણે ઉચિત બેંચ કરશે.
સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી તરફથી આજે જારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા ઉપરાંત આ કેસમાં એ.એમ. ખાનવિલ્કર અને ડી.વાય. ચંદ્રચૂડ પણ બેંચમાં સામેલ હશે.
જજ લોયાનું મોત પહેલી ડિસેમ્બર 2014ના નાગપુરમાં થયું હતું. એ સમયે તેઓ સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા. વર્તમાન ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ આ કેસમાં હતું જેને ડિસેમ્બરના અંતમાં અદાલતે મુક્ત કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer