મહારાષ્ટ્રમાંથી કૉંગ્રેસની રાજ્યસભાની એક બેઠક માટે શિંદે અને ચવ્હાણ વચ્ચે સ્પર્ધા?

મહારાષ્ટ્રમાંથી કૉંગ્રેસની રાજ્યસભાની એક બેઠક માટે શિંદે અને ચવ્હાણ વચ્ચે સ્પર્ધા?

મુંબઈ, તા. 20 : વિધાનસભા ચૂંટણીની આગામી તૈયારીઓ વચ્ચે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં સ્થાન મેળવવા માટે કૉંગ્રેસ તરફથી આમ તો અનેક નેતાઓ ઇચ્છુક છે પરંતુ રાજકીય જાણકારોનો દાવો છે કે રાજ્યસભા માટે મહારાષ્ટ્રની છ બેઠકોમાંથી એક બેઠક કૉંગ્રેસની છે અને આ બેઠક માટે રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ઇચ્છા બતાવી રહ્યા છે. આ બે મુખ્ય પ્રધાનો છે સુશીલકુમાર શિંદે અને પૃથ્વીરાજ ચવ્હાણ. દિલ્હી દરબારમાં આ બે નેતાઓના વગની વાત કરીએ તો સુશીલકુમાર શિંદેનો પ્રભાવ વધુ છે.
કેન્દ્રના ગૃહપ્રધાન રહી ચૂકેલા સુશીલકુમાર શિંદે રાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવારોની ચર્ચામાં પણ રહી ચૂક્યા છે. જોકે એ અલગ વાત છે કે તાજેતરમાં સુશીલકુમાર શિંદેએ એક સભામાં કહ્યું હતું કે તેઓ હવે રાજકારણમાંથી સંન્યાસ લેવા ઇચ્છે છે. જોકે તત્કાલીન કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ તેમને આવો વિચાર મનમાંથી કાઢી નાખવાની સલાહ આપી હતી.
સુશીલકુમાર શિંદે કૉંગ્રેસના ભરોસાલાયક નેતા છે અને કૉંગ્રેસમાં તેમની છબિ સંકટમોચનના રૂપમાં રહી છે.
મહારાષ્ટ્રથી રાજ્યસભાની ખાલી પડનારી છ બેઠકોમાંથી ભાજપની ત્રણ, તો શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી પ્રત્યેકની એક એક બેઠક છે. આ એક બેઠકમાં શિંદે અને પૃથ્વીરાજ ચવ્હાણ ઉપરાંત અન્ય કેટલાક દિગ્ગજ નેતાઓ પણ પોતાની તાકાત લગાવી રહ્યા છે.
આગામી એપ્રિલ મહિનામાં કૉંગ્રેસના રજની પાટીલ તથા રાજીવ શુક્લા, એનસીપીના વંદના ચવ્હાણ તથા ડી. પી. ત્રિપાઠી, ભાજપના અજય સંચેતી તથા શિવસેનાના અનિલ દેસાઈનો રાજ્યસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer