બોરીવલીમાં સોમવારે એકસાથે 16 દીક્ષાર્થીનો વિજય પ્રસ્થાન ઉત્સવ

બોરીવલીમાં સોમવારે એકસાથે 16 દીક્ષાર્થીનો વિજય પ્રસ્થાન ઉત્સવ
 
મુંબઈમાં પહેલીવાર લાઇટ અને સાઉન્ડ શો સાથે દીક્ષા મહોત્સવ

આજે યોજાશે વરસીદાન યાત્રા

પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 20 : બોરીવલીમાં ચીકુવાડી નજીકના શિંપોલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીશ્વરજી (પંડિત મ.સા.)ની નિશ્રામાં એકસાથે 16 દીક્ષાર્થી સોમવારે સંસાર ત્યાગીને સંયમને માર્ગે પ્રયાણ કરશે. સંસારમાંથી સંયમ તરફના આ પ્રયાણને વિજય પ્રસ્થાન ઉત્સવ `ધ પાથ અૉફ વિક્ટરી' નામ અપાયું છે. આજથી આ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આવતી કાલે વર્ષીદાન વરઘોડો અને સોમવારે દીક્ષા પ્રદાન કરાશે. આ તમામ પ્રસંગે મુંબઈમાં પહેલી વખત સાઉન્ડ, લાઈટ્સ અને ફોગ શોનું આયોજન કરાયું છે.
જૈન ધર્મના કોઈને નુકસાન કર્યા વિના પોતાનો વિજય મેળવવાનો, આત્માને પવિત્ર કરવાનો રસ્તો મુંબઈ, ગુજરાત અને રાજસ્થાન સહિતના 16-16 મુમુક્ષુઓએ પસંદ કર્યો છે.
દીક્ષાર્થીઓમાં મુંબઈમાં પ્રાર્થના સમાજના ચેતનભાઈ વેરસીભાઈ દેઢિયા (45 વર્ષ) (ગામ ભુજપુર-કચ્છ) ભાડુંપના, ચંદ્રેશભાઈ વિનોદભાઈ પોલડિયા (42 વર્ષ) (ગામ રંગપુર-હાલાર), પ્રીતેશભાઈ પ્રફુલચંદ લોડાયા (39 વર્ષ), મહારાષ્ટ્રમાં જળગાંવનાં હેમલબેન પ્રીતેશભાઈ લોડાયા (39 વર્ષ), યેશીકાકુમારી પ્રીતેશભાઈ લોડાયા (14 વર્ષ) તમામ (ગામ નલિયા-કચ્છ), કાંદિવલીના સંકેતકુમાર મહેશભાઈ પારેખ (29 વર્ષ) (ગામ સાયલા ગુજ.), માટુંગાના મીનાબેન નિમેશભાઈ દેઢિયા (42 વર્ષ) અને ધર્મીલકુમાર નિમેશભાઈ દેઢિયા (17 વર્ષ) (ગામ ગઢશીશા-કચ્છ) ઘાટકોપરના કીર્તિકાબેન અશોકભાઈ દેઢિયા (41 વર્ષ) અને ખ્યાતિકુમારી અશોકભાઈ દેઢિયા (18 વર્ષ) તથા ખુશ્બુકુમારી અશોકભાઈ દેઢિયા (ગામ ગોધરા-કચ્છ), વિરલબેન જયંતીલાલભાઈ દેઢિયા (32 વર્ષ) (ગામ બિદડા-કચ્છ), મુલુંડના પરીનબેન રાજકીર્તિભાઈ શાહ (ગામ સુધરી-કચ્છ), બેન્ગલુરુના સ્નેહાકુમારી રમેશભાઈ કટારિયા (26 વર્ષ) (ગામ ધામલી-રાજસ્થાન), મુલુંડના પ્રિયાકુમારી નીતિનભાઈ ફુરિયા (21 વર્ષ) (ગામ વાંકી-કચ્છ), અને માટુંગાના દૃષ્ટિકુમારી મનોજભાઈ દેઢિયા (20 વર્ષ) (ગામ ગોધરા-કચ્છ)નો સમાવેશ થાય છે.
આ 16 મુમુક્ષુઓમાં આઈટી એન્જિનિયરથી માંડીને એમએસસી અને ઉચ્ચ શિક્ષણ ધરાવતાં યુવક-યુવતીઓનો તથા કેટલાંકના માતા-પિતાનો પણ સમાવેશ થાય છે. 
દીક્ષા ઉત્સવને વિજય પ્રસ્થાન નામ આપવા અંગે આચાર્યશ્રી યુગભૂષણ સૂરીશ્વરજી મ.સા. એ `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે બાહ્ય વિજયના પ્રયાસમાં સંહારકશક્તિનો પ્રયોગ થતો હોય છે. જે કોઈના આંસુ અને નિશાસા પર નિર્ભર છે જે વિનાશના માર્ગમાં સ્નેહ, સદ્ભાવ અને સમર્પણનો ભોગ લેવાય છે. જ્યારે આ પુણ્યાત્માઓ આંતરવિજય કરવા નીકળ્યા છે, જેમાં કોઈ પરાજય, સંહાર, સંઘર્ષ, યુદ્ધ, જંગ, તાંડવ કે શોક-સંતાપ નથી, પણ માત્ર ગુણ વિકાસ અને આનંદની જ ઉત્તરોત્તર ઉપલબ્ધી છે.
આ વિજય પ્રસ્થાન ઉત્સવ માટે ખાસ કેનેડાથી આવેલા હેમંત શાહે જણાવ્યું હતું કે સંયમને માર્ગે જઈ રહેલા દીક્ષાર્થીઓ માટે મુંબઈમાં પહેલી વખત સ્પેશિયલ ઈફેક્ટ્સ દ્વારા લાઈટ, સાઉન્ડ અને ફોગ શોનું આયોજન કરાયું છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં સૌ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ માણી શકે એ માટે ગ્રાઉન્ડમાં 300 બેઠકનું ખાસ અૉડિટોરિયમ બનાવાયું છે. ત્રણ દિવસમાં દેશભરમાંથી મહાનુભાવો સહિત 75 હજાર લોકો સામેલ થવાની શક્યતા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer