સતત ત્રીજા દિવસે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ


ભારતનો વળતો વાર : પાક ચોકીઓ તબાહ, રેન્જર્સનાં મોત : બે ગ્રામજનનાં મોત: મૃત્યુ આંક 9

જમ્મુ, તા.20 : જમ્મુ અને કાશ્મીરમાં અંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) અને નિયંત્રણ રેખા (એલઓસી) પર સતત ત્રીજા દિવસે પણ પાકિસ્તાન તરફથી તોપમારો જારી રહેતાં સરહદે ભારે સંવેદનશીલ સ્થિતિનું સર્જન થયું છે. આજે ગોળીબાર અને તોપમારામાં એક જવાન શહીદ થયો હતો જ્યારે બે ગ્રામજનના મોત થયા ંહતાં. ત્રણ દિવસમાં પાકિસ્તાની ગોળીબારમાં માર્યા ગયાઓની સંખ્યા 9 થઈ છે. ભારતે પણ જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાની સેનાઓની અનેક ચોકીને ધ્વસ્ત કરી દીધી હતી. દરમ્યાન, ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતીય સેના પર ભરોસો રાખજો, તે પાકિસ્તાનને જડબાંતોડ જવાબ આપી રહી છે.
પાકિસ્તાન તરફથી આજે પણ પરગવાલ, કૃષ્ણાઘાટી અને અખનૂર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને 50થી વધુ ચોકીઓ અને 100થી વધુ ગામો પર મોટાપાયે મોર્ટાર મારો કરતાં યુદ્ધ જેવી સ્થિતિનો માહોલ સર્જાયો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. સરહદ નજીકના અનેક ગામો લોકો ઉચાળા ભરી જતાં ભેંકાર ભાસી રહ્યાંછે.
કૃષ્ણાઘાટી વિસ્તારમાં પાકિસ્તાની ગોળીબારમાં 23 વર્ષીય સિપાહી મનદીપસિંહ શહીદ થયો હતો. મનદીપસિંહ પંજાબમાં સંગરૂર જિલ્લાના આલમપુર ગામનો નિવાસી હતો. સેનાના પ્રવક્તા એનએન જોશીએ જણાવ્યું હતું કે સિપાહી મનદીપસિંહ બહાદૂર સૈનિક હતો.
આરએસપુરા સેક્ટરમાં કપૂરપૂર ગામમાં પાકિસ્તાની અટકચાળામાં 15 વર્ષના એક કિશોરનું મોત થયું હતું. સુચેતગઢમાં એક બીએસએફ જવાન ઘાયલ થયો હોવાનું અહેવાલોમાં જણાવવામા આવ્યું હતું. આરએસપુરામાં બે વ્યક્તિનાં મોત થયાં છે. 
અખનૂર સેક્ટરના પરગવાલ, ગડખાલ અને અન્ય ક્ષેત્રોનેં સુરક્ષાની દ્રષ્ટિએ સીલ કરી દેવાયા છે. વહીવટી તંત્રે આ વિસ્તારની તમામ શાળાને બંધ કરી દીધી છે. અરનિયા, સઈ ખુર્દ, પિંડી ચાઢકા, ત્રેવા, ચક્ક ગોરિયા, ચંગિયા, ચાનના, જબોબાલ, ચક્ક જંદરાલ, કોટલી કાજિયા સહિતના ગામોમાંથી લોકોનું પલાયન જારી રહ્યું છે.
આરએસપુરા, સાંબા અને હીરાનગર સેક્ટર પર પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું હતું કે સીમા પાર શકરગઢ અને સિયાલકોટમાં આઠ પાકિસ્તાની નાગરિક અને રેન્જર્સ માર્યા ગયા હતા. અનેક ચોકીઓને ઉડાવી દેવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer