સોનઈ ઓનર કિલિંગ કેસમાં તમામ છ આરોપીને ફાંસીની સજા

 
નાશિક, તા. 20 (પીટીઆઇ) : અહમદનગર જિલ્લામાં ત્રણ દલિત યુવાનોની હત્યાના 2013ના સોનઈ ઓનર કિલિંગ કેસમાં સ્થાનિક કોર્ટે આજે બધા છ આરોપીઓને ફાંસીની સજા ફરમાવી હતી. વધુમાં દરેકને રૂા. 20,000નો દંડ પણ ફટકાર્યો હતો, જેમાંથી રૂા. 10,000 પીડિતોના પરિવારજનોને અપાશે.
સોનઈ ગામમાં રહેતા ત્રણ યુવાનો - સચીન ઘારુ (24), સંદીપ ધનવાર (24) અને રાહુલ કંદારે (26)ની પહેલી જાન્યુઆરી, 2013માં હત્યા કરી તેમના મૃતદેહ સેપ્ટિક ટૅન્કમાં નાખી દેવામાં આવ્યા હતા. પ્રેમપ્રકરણને કારણે આ ત્રણેની પ્રકાશ દરંદલે, રમેશ દરંદલે, પોપટ દરંદલે, ગણેશ દરંદલે, અશોક નવગીરે અને સંદીપ કુરેએ હત્યા કરી હતી જે બદલ આ છએ જણને જજ આર. આર. વૈષ્ણવે ફાંસીની સજા આપી હતી, એમ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું.
આ કેસમાં સાતમા આરોપી અશોક ફુલ્કેને પુરાવાના અભાવે છોડી મુકાયો હતો. આ કેસની ખાસ બાબત એ હતી કે સરકારી વકીલોએ ફક્ત પરિસ્થિતિજન્ય પુરાવાને અભાવે કોઈ પણ પ્રત્યક્ષદર્શી વિના આ ખટલો ચલાવ્યો હતો તેમાં 53 સાક્ષીદારોનાં નિવેદનોને કોર્ટે સાંભળ્યાં હતાં.
સચીન ઘારુ નામનો મહેતર સમાજનો યુવાન એક સવર્ણ (મરાઠા) યુવતીને પ્રેમ કરતો હતો અને તેઓ લગ્ન કરવાનાં હતાં, પરંતુ યુવતીના પરિવારજનોએ ષડયંત્ર રચી સચીનની હત્યા કરી હતી. તે વખતે સચીનના મિત્રો સંદીપ ધનવારે અને રાહુલ કંદારેને તેની ખબર પડી જતાં આરોપીઓએ તેઓની પણ હત્યા કરી હતી. એટલું જ નહીં સચીનના મૃતદેહના ટુકડા કરી સેપ્ટિક ટૅન્કમાં નાખવામાં આવ્યા હતા. જ્યારે સંદીપ ધનવાર અને રાહુલ કંદારેના મૃતદેહને એક કૂવામાં ફેંકી દેવાયા હતા.
આ કેસમાં આરોપીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્ર સહિતની આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer