તોગડિયા, ઉપાધ્યાયની કાર્યશૈલીથી સંઘ ખફા, દૂર કરવાની પેરવીમાં

 
ફેબ્રુઆરીમાં વિહિપ કારોબારી બેઠકમાં રેડ્ડીના સ્થાને નવા વડા ચૂંટવા પર ભાર

નવી દિલ્હી, તા. 20: ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્ર સરકાર સામેના વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને પ્રવીણ તોગડિયા અને ભારતીય મઝદૂર સંઘના મહામંત્રી વ્રજેશ ઉપાધ્યાયના ઘર્ષણકારી વલણથી ભારે ખફા આરએસએસ આ બેઉને તેમના પદેથી દૂર કરવા આયોજન કરી રહ્યું છે. વિહિપના કાર્યકારી પ્રમુખ રાઘવ રેડ્ડી પણ આ યાદીમાં સામેલ છે. સૂત્રો જણાવે છે કે આ ત્રણેયની કાર્યપ્રણાલીથી આરએસએસની વરિષ્ઠ નેતાગીરી નારાજ છે વળી, સરકાર પણ તે કારણે કફોડી દશામાં મુકાવું પડી રહ્યું છે. તેઓનું માનવું છે કે આ બેઉ સંગઠનોના બહોળા કાર્યકરગણનો સંઘની વિચારધારાના પ્રસારાર્થે ઉપયોગ નથી કરાઈ રહ્યો.
વિહિપના અંાતરિક વર્તુળોનું માનવું છે કે ફેબ્રુઆરીના અંતમાં મળનારી વિહિપની કારોબારી બેઠકમાં નવા પ્રમુખની ચૂંટણી પર ભાર મુકાશે: રેડ્ડીને તથા(તોગડિયા સહિત) તેમના ટેકેદારોને બદલવામાં આવશે. સંઘ પરિવારની નિર્ણય લેનાર ટોચની સંસ્થા પ્રતિનિધિ સભાની માર્ચમાં મળનાર બેઠક પહેલાં વિહિપના નવા વડાને ચૂંટી કાઢવામાં આવશે.
સૂત્રો જણાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો ખોલનારને તેમના સ્થાનોએથી હઠાવવા આરએસએસ નિર્ણય કરી ચૂક્યો છે. સંઘ ઈચ્છે છે કે તેની સાથે સંકળાયેલા સંગઠનો સરકાર સાથે ઘર્ષણ થતાં નિવારે અને મતભેદોને સુમેળભરી રીતે ઉકેલે. વ્યાપક મત એવો છે કે '19ની સામાન્ય ચૂંટણી થવા પહેલાં કાર્યકરોમાં કોઈ ગૂંચવાડો થતો રોકવા સંગઠનોમાં માળખાકીય ફેરફારો કરી લેવામાં આવે.
પોલીસ એન્કાઉન્ટરમાં કદાચ પોતાની હત્યા કરી નાખવામાં આવે એવું આળ મૂકતા તોગડિયાવાળા બનાવે બળતામાં ઘી હોમ્યું છે. તોગડિયા અને ઉપાધ્યાયે મહત્ત્વપૂર્ણ મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ બોલી કેન્દ્ર અને ભાજપની નેતાગીરી માટે મૂંઝવણકારી પરિસ્થિતિ સર્જતા આવ્યા છે. પાટીદાર ક્વોટા આંદોલનને ગુપ્તપણે ટેકો આપનાર કેટલાક પદાધિકારીઓની ભૂમિકા ય ચકાસવામાં આવી રહી છે.
આરએઁસએસએ વિહિપની અંતિમ કારોબારી બેઠકમાં નેતૃત્વ પરિવર્તન માટે પ્રયાસ કર્યો હતે. તે સમયે સંઘના વરિષ્ઠ નેતાઓએ હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ વીએસ કોકજેને રેડ્ડીના સ્થાને અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતે. જો કે તે વેળા રેડ્ડી અને તોગડિયાના ટેકેદારોની જીત થઈ હતી: પૂર્ણ સમયના આંતરરાષ્ટ્રીય પ્રમુખ ચૂંટાય નહીં ત્યાં સુધી રેડ્ડીને ચાલુ રખાયા. '11માં અને '14માં રેડ્ડીને વિહિપના આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ચાવીરૂપ સ્થાનોએ તોગડિયાની જેમ પોતાના સમર્થક એવા નેતાઓને નિયુક્ત કરી દીધા હતા. (વિહિપ વડાની મુદત 3 વર્ષની હોય છે)
તોગડિયા અને રેડ્ડીના ટેકેદારો વિહિપમાં છવાઈ ગયા છે તે છતાં તેના મોટા ભાગના કાર્યકરોના મૂળ આરએસએસમાં છે. ટોચના સ્થાનોએ ફેરફારની જરૂર હોવાની વિહિપ કાર્યકરોને પ્રતીતિ કરાવવા આરએસએસ પ્રયત્ન કરી રહ્યો હોવાનું સૂત્રો જણાવે છે. એવું જાણવા મળે છે કે તોગડિયા, રેડ્ડી અને ઉપાધ્યાયને રાજીનામું આપી દેવા જણાવાશે અને તેમ છતાં તેઓ નહીં માને તો મતદાનથી દૂર કરાશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer