અમેરિકામાં આર્થિક સંકટ : શટડાઉનની ઘોષણા, પાંચ વર્ષમાં બીજું


8 લાખ સરકારી કર્મીઓને ઘરે બેસવા નોબત: એકમેક પર આળ મૂકતા રિપબ્લિકન-ડેમોક્રેટ

વોશિંગ્ટન, તા. 20: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને એક વર્ષ થયું છે તેવા ટાંકણે અમેરિકાએ આર્થિક સંકટના વાંકે ગંભીર સમસ્યાનો સામનો કરવાનું આવી પડયું છે: સરકારી ખર્ચ વિષયક મહત્ત્વપૂર્ણ વિધેયકને સંસદની મંજૂરી ન મળતા સમવાયી સરકારે શટડાઉનની ઘોષણા કરવી પડી છે. એટલે કે આવી સ્થિતિમાં અનેક સરકારી વિભાગ બંધ કરવાની સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. એક અંદાજ મુજબ આશરે 8 લાખ સરકારી કર્મચારીઓને ઘેર બેસવાની મજબૂરી વેઠવી પડશે. બીજી તરફ ડેમોક્રેટસ અને રિપબ્લિકન સભ્યો આ સમસ્યા માટે એકમેકને દોષિત ગણાવી રહ્યા છે. અમેરિકામાં આ 2પ વર્ષમાં આ ચોથું શટડાઉન છે. આ પહેલાં 13માં અમેરિકાએ શટડાઉનનો સામનો કરવો પડયો હતો.
શુક્રવારે રાતે રીપબ્લિકન પક્ષે રજૂ કરેલા બજેટ પ્રસ્તાવના સમર્થનમાં ખાસા મત મળ્યા પણ તે પૂરતા ન હતા. સમર્થનમાં 50 મત પડયા, વિરુદ્ધમાં 48 મત. પ્રસ્તાવ પસાર કરાવવા 60 મતોની જરૂર હોય છે. રીપબ્લિકન પક્ષની બહુમતીવાળા પ્રતિનિધિગૃહ (નીચલુ ગૃહ) આ વિધેયક આસાનીથી પસાર થઈ ગયું હતું પણ સેનેટમાં રીપબ્લિકન પક્ષમાં બહુમતી હોવા છતાં તેને પસાર કરવા વિપક્ષ ડેમોક્રેટિક પક્ષના સમર્થનની દરકાર કરવામાં આવી. અમેરિકામાં એન્ટી ડેફિસિઅન્સી એક્ટ લાગુ છે જેમાં ભંડોળની કમીના વાંકે સંઘીય એજન્સીઓએ કામકાજ રોકવું પડે છે. સરકારી ભંડોળની કમી પૂરી કરવા સ્ટોપગેપ ડીલ લાવવામાં આવે છે, જેને સંસદના બેઉ ગૃહોમાં પસાર કરવાનું રહે છે. પ્રતિનિધિગૃહમાં પસાર થઈ ચૂકેલા વિધેયક પર સેનેટમાં ચર્ચા દરમિયાન રાતના બાર વાગી ગયા અને તે કારણે વિધેયક અટકી પડયું. ટ્રમ્પના કાર્યાલયે વિપક્ષ ડેમોક્રેટસને જવાબદાર ઠરાવ્યા. દરમિયાન શટડાઉનની અસર સોમવારે જોવા મળશે, જ્યારે અસંખ્ય કર્મચારીઓ ફરજ પર નહીં જોડાઈ શકે અને વિના વેતન તેઓએ ઘેર બેસવા વારો આવશે. માત્ર અતિ આવશ્યક સેવાઓ ચાલુ રખાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer