બૅન્કોએ બિટકોઈન એક્સ્ચેન્જોનાં ખાતાં સસ્પેન્ડ કર્યાં

 
મુંબઈ, તા. 20: આવકવેરા વિભાગે દેશના બિટકોઈન એક્સચેન્જો ઉપર દરોડા બાદ હવે બેંકો દ્વારા બિટકોઈન મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સંદિગ્ધ વ્યવહારોને લઈને એસબીઆઈ, એક્સિસ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા બિટકોઈનના વ્યવહારો સંબંધિત ખાતાઓ બંધ કરી દીધાં છે. સૂત્રોના કહેવા પ્રમાણે સંદિગ્ધ વ્યવહારો કરનારા એક્સચેન્જોના પ્રમોટર્સ પાસે લોન રિપેમેન્ટ સુનિશ્ચિત કરવા માટે આંતરિક ગેરંટીની પણ માગ કરવામાં આવી છે અને પૈસા ઉપાડવા માટેની પણ મર્યાદા નક્કી કરવામાં આવી છે. 
વધુમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે, બિટકોઈનના વ્યવહારોને ધ્યાને લઈને બેંકો દ્વારા લોન માટે વધુ ગેરંટીની માગ કરવામાં આવી રહી છે અને અત્યારે બેંકો બિટકોઈન એક્સચેન્જોની ચકાસણી કરી રહી છે. યુનોકોન, કોઈન સિક્યોર અને બિટેક્સ ઇન્ડિયા જેવા ટોચના એક્સચેન્જો સામે બેંકોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. 
જો કે આ મામલે બેંકો કે બિટકોઈન એક્સચેન્જો દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. ભારતમાં અત્યારે બિટકોઈન અંગે મુંઝવણનો સમય ચાલી રહ્યો છે. સરકાર દ્વારા અગાઉ જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, બિટકોઈનને માન્યતા આપવામાં આવી નથી. આ ઉપરાંત આવકવેરા વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, દેશના ટોચના 10 બિટકોઈન એક્સચેન્જોની કુલ આવક 40 હજાર કરોડ સુધી પહોંચી રહી છે. આ અંગે હવે બેન્કોએ કાર્યવાહી કરતા બિટકોઈન એક્સચેન્જેને કહ્યું છે કે, બેંકોમાં ખાતા ખોલાવતા સમયે બિઝનેસની જાણકારી કેમ આપવામાં આવી નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer