હરિયાણામાં બારમાના વિદ્યાર્થીએ મહિલા પ્રિન્સિપાલને શાળામાં જ ઠાર કર્યાં


યમુનાનગર, તા. 20 (પીટીઆઇ) : અહીંની સ્વામી વિવેકાનંદ સ્કૂલના 12મા ધોરણના એક વિદ્યાર્થીને મહિલા પ્રિન્સિપાલે આપેલો ઠપકો સહન ન થતાં, રોષે ભરાયેલા આ વિદ્યાર્થીએ તેના પિતાની લાઇસન્સવાળી .32 બોર રિવૉલ્વરમાંથી કથિતપણે ચાર ગોળી પ્રિન્સિપાલને ધરબી દેતાં તેમનું મોત થયું હતું એમ પોલીસે જણાવ્યું હતું.
પ્રિન્સિપાલ રીતુ છાબરા (47)એ બે-ત્રણ વખત અભ્યાસના મુદ્દે ઠપકો આપ્યો હતો. આ 18 વર્ષીય વિદ્યાર્થીએ આજે બપોરે 12ના સુમારે તેમને છાતી, પેટ અને ખભામાં ચાર ગોળી મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને તુરત હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, પરંતુ ગંભીર ઇજાથી તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘાતકી કૃત્ય બાદ વિદ્યાર્થીએ નાસવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સ્કૂલમાં હાજર કેટલાક લોકેએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે પોતાને વારંવાર અપાતા ઠપકાથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ આવું હીચકારું પગલું ભર્યું હતું. તેણે ઘરે પિતાના કબાટમાંથી રિવૉલ્વર ચોરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer