શિવરાજસિંહના રાજ્યમાં ભાજપને આંચકો : સ્થાનિક ચૂંટણીમાં કૉંગ્રેસ છવાઈ


ભોપાલ, તા. 20 : દેશનાં કેટલાંક રાજ્યોને ભાજપનો ગઢ માનવામાં આવે છે, જેમાં ગુજરાત બાદ મધ્યપ્રદેશનું નામ આવે છે. અહીં છેલ્લા ત્રણ વખતથી ભાજપ સત્તામાં છે અને તેના સીએમ શિવરાજસિંહ ચૌહાણ છે, પરંતુ આ વખતે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો રાહ આસાન જણાતો નથી.
વિધાનસભા ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશના ગુના જિલ્લાના રાધોગઢની નગરપાલિકા ચૂંટણીમાં 24માંથી 20 વોર્ડમાં કોંગ્રેસે જીત મેળવી છે. ભાજપને માત્ર ચાર વોર્ડમાં જીતથી સંતોષ માનવો પડયો છે. વધુ ઉલ્લેખનીય એ છે કે ખુદ સીએમ શિવરાજસિંહે  નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો.
જો કે, અહીં છેલ્લા બે દશકથી કોંગ્રેસનો કબ્જો રહ્યો છે. કોંગ્રેસના નેતા અને પક્ષના મહામંત્રી દિગ્વિજયસિંહનો આ વિસ્તાર છે.
મતગણતરીની હજુ સુધીની જાણકારી મુજબ, નગરપાલિકામાં અધ્યક્ષપદ માટેની ચૂંટણીમાં ભાજપે છ, કોંગ્રેસે બે અને અપક્ષે એક બેઠક પર બાજી મારી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer