કેરળમાં સંઘના કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપનું બંધનું એલાન


કન્નુર, તા. 20 : કન્નૂરના કોમ્મેરી વિસ્તારમાં આરએસએસ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યની હત્યાના વિરોધમાં ભાજપે હડતાલનું એલાન કર્યું છે. પોલીસના કહેવા પ્રમાણે હડતાલ દરમિયાન પરિસ્થિતિ કાબૂમાં છે. આરએસએસનો કાર્યકર્તા શ્યામાપ્રસાદ કક્કયંગડ આઈટીઆઈથી કુથુપુરમ્બા સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ત્રણ શખસોએ શ્યામાપ્રસાદની હત્યા કરી હતી. આ અગાઉ શ્યામાપ્રસાદનું નામ માર્ક્સવાદી કાર્યકર્તા ઓ. પ્રેમનની હત્યામાં બહાર આવ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે એસડીપીઆઈ અને આરએસએસના કાર્યકર્તાઓ વચ્ચે થોડા દિવસ અગાઉ મારામારી થઈ હતી. આ દરમિયાન એસડીપીઆઈનો એક કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયો હતો. જો કે શ્યામાપ્રસાદની હત્યા અને મારામારીની ઘટના વચ્ચે સંબંધ હોવાની કોઈ પુષ્ટી નથી તેવું પોલીસે કહ્યું છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer