ફર્સ્ટ ક્લાસ પાસધારકો તફાવતના પૈસા ચૂકવીને એસી લોકલમાં પ્રવાસ કરી શકશે

 
22મી જાન્યુઆરીથી શરૂ થશે અમલ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.20 : મુંબઈમાં લોકલ ટ્રેનના ફર્સ્ટક્લાસના પાસધારકો તફાવતને ચૂકવીને એસી લોકલમાં પ્રવાસ કરી શકશે. પીક અવર્સમાં એસી ટ્રેન ખાલી જતી હોવાથી રેલવે બોર્ડે આ નિર્ણય લીધો છે. ઘણા ફર્સ્ટક્લાસના પાસધારકોએ માગણી કરી હતી કે તેમની પાસેથી તફાવતની રકમ લઈને રેલવેએ એસી લોકલમાં પ્રવાસ કરવા માટે પરવાનગી આપવી જોઈએ. તેથી આ બાબતે 19મી જાન્યુઆરીના પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. 
બોર્ડે જણાવ્યું હતું કે, આ સુવિધા બુકિંગ કાઉન્ટર્સમાં ઉપલબ્ધ છે. પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવે નહીં ત્યાં સુધી એક્સેસ ફેર ટિકિટ (ઈએફટી) રિસિપ્ટ ચીફ બુકિંગ સુપરવાઈઝર પાસેથી મળશે. જેઓએ ફર્સ્ટક્લાસની ટિકિટ કઢાવી હોય તે એસી લોકલમાં પ્રવાસ કરી શકશે, પરંતુ જ્યારે ટિકિટ તપાસનાર આવે ત્યારે તફાવતની રકમ ભરવાની રહેશે. 
ડિસ્કાઉન્ટના દર ફક્ત 26મી જૂન, 2018 સુધી લાગુ છે. ચર્ચગેટથી વિરાર અને ચર્ચગેટથી બોરીવલી સુધીના ફર્સ્ટક્લાસના દર અનુક્રમે રૂા.170 અને રૂા.140 છે. જ્યારે એસી લોકલનું ભાડૂ રૂા.205 અને રૂા.165 છે. આજ રીતે ચર્ચગેટથી બોરીવલી અને ચર્ચગેટથી વિરારના એસી લોકલનું માસિક ભાડુ અનુક્રમે રૂા.1640 અને રૂા.2040 છે. આ માર્ગનો ફર્સ્ટક્લાસનું માસિક ભાડૂ રૂા.755 અને રૂા.1185 છે.   
પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ આદેશ આવતી 22મી જાન્યુઆરીથી અમલમાં આવશે. પ્રથમ વર્ગના માસિક પાસ ધરાવતા પ્રવાસીઓ પાસેથી આખા મહિનાની રકમ લેવાશે. અર્થાત જો પાસ આવતી 30મી જાન્યુઆરીએ પૂરો થતો હોય તો પણ પ્રવાસીએ વાતાનુકુલિત લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે આખા મહિનાના તફાવતની રકમ ચૂકવવી પડશે. આ પ્રથમ વર્ગના પ્રવાસીઓને તફાવતની રકમ ચૂકવીને એ.સી.લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની સુવિધા આવતી 26મી જૂન સુધી ઉપલબ્ધ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer