કમલા મિલના માલિકે બે રેસ્ટોરાંના માલિકોને ટેરેસ ગેરકાયદે લીઝ પર આપ્યું હતું


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : લોઅર પરેલસ્થિત કમલા મિલ્સ કમ્પાઉન્ડની આગમાં 14 જણનો ભોગ લેવાયો હતો. તેની તપાસના મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અજોય મેહતાના અહેવાલમાં જણાવ્યું છે કે વન અબોવ અને મોજોસ બિસ્ત્રો રેસ્ટોરાંના માલિકોએ વિસ્તાર ઉપરાંત ટેરેસની ખુલ્લી જગ્યા પણ આવરી લીધી હતી. જે ગેરકાયદે હોવાનું જણાયું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગુરુવારે રજૂ કરેલા અહેવાલ મુજબ મિલના માલિકો જાણે છે કે ટેરેસની ખુલ્લી જગ્યા ઉપહારગૃહ માટે વાપરી શકાય નહીં, પરંતુ કરારમાં ખુલ્લી જગ્યાનો વપરાશ કરવા માટે ફાળવાઈ છે. મિલ કમ્પાઉન્ડના માલિકો સામે ગુનાહિત કાર્યવાહી માટે આજ મુખ્ય કારણ હોવાનું અહેવાલમાં જણાવ્યું છે.
ડેવલપમેન્ટ કન્ટ્રોલ રૂલ્સ (ડીસીઆર) હેઠળ, જ્યારે પણ મકાનનું બાંધકામ કરાય ત્યારે તેના પ્લાનમાં ટેરેસ ખુલ્લી રાખવાની હોય છે. સત્તાવાર આયોજકોની પરવાનગી મેળવ્યા બાદ માત્ર ચોમાસામાં છાપરું બાંધવાનું હોય છે. પાલિકાએ પ્લાન મંજૂર કર્યો હોય છે તેમાં ટેરેસ પર રેસ્ટોરન્ટ ચલાવવાની વેપારી ધોરણે પરવાનગી અપાતી નથી. ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સમાં ટેરેસ પર વેપારી ધોરણે તેનો વપરાશ કરવાની જોગવાઈ નથી, એમ વરિષ્ઠ ઍડ્વોકેટ રામ આપ્ટેએ કહ્યું હતું.
પાલિકાનો અહેવાલ જણાવે છે કે, માલિક રમેશ ગોવાણી અને રવિ ભંડારીએ સૂચિત પ્રિમાઈસીસ રોયલ ટ્રેડર્સને ફાળવી હતી. તેમાં ગોવાણી ભાગીદાર છે. જ્યારે રોયલ ટ્રેડર્સે મોજોસ અને વન અબોવ સહિતના અન્યને તે જગ્યા લીઝ પર ફાળવી હતી. રોયલ ટ્રેડર્સે તિરુપતિ હૉસ્પિટાલિટીને જગ્યા ફાળવી હતી જે 3035.22 ચો.ફૂટની બાંધેલી જગ્યામાં અને તેની બાજુમાં આવેલી 11,000 ચો.ફૂટના વિસ્તારમાં મોજોસ વાપરતું હતું. જ્યારે સીગ્રીડ હૉસ્પિટાલિટીના લીવ ઍન્ડ લાઇસન્સ કરાર મુજબ તે વન અબોવ રેસ્ટોરાં, 1730 ચો. ફૂટ કાર્પેટ એરિયા અને બાજુમાં આવેલ 6762 ચો.ફૂટ કાર્પેટ એરિયાનો વિસ્તાર રેસ્ટોરન્ટ અને બાર માટે વપરાતો હતો.
અમે કરાર જોયાં છે અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે બંને રેસ્ટોરન્ટને ખુલ્લી જગ્યા લીવ ઍન્ડ લાઇસન્સ ધોરણે અપાઈ છે. જે મૂળભૂત રીતે ગેરકાયદે છે.
મકાનના પ્લાન મુજબની ટેરેસની ખુલ્લી જગ્યા માટે કરાર થઈ શકે નહીં તેની માલિકને જાણ હોવી જ જોઈએ અને તે કાયદાની સામે આંખ આડા કાન કર્યા કહેવાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer