સુપ્રીમ કોર્ટનો વિવાદ ઉકેલવા બાર કાઉન્સિલની પહેલ

સુપ્રીમ કોર્ટનો વિવાદ ઉકેલવા બાર કાઉન્સિલની પહેલ
 
સાત સભ્યનું પ્રતિનિધિ મંડળ આજે તમામ ન્યાયમૂર્તિ સાથે વાતચીત કરશે

નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ) : દેશના ઇતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ પત્રકાર પરિષદ યોજીને મુખ્ય ન્યાયમૂર્તિ પર ગંભીર આરોપ મૂક્યા બાદ સૌની નજર ન્યાયતંત્રના આ સૌથી મોટા વિવાદ પર છે, ત્યારે આ મતભેદ દૂર કરવાની દિશામાં પહેલ કરતાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું સાત સભ્યોનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે રવિવારે સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયમૂર્તિ સાથે આ મામલે ચર્ચા કરશે.
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ શનિવારની સાંજે પાંચ વાગ્યે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજ્યા પછી તેના અધ્યક્ષ મનન મિશ્રાએ જણાવ્યું હતું કે, આવતીકાલે મળવા માટે 50 ટકા જજ તરફથી સમય આપી દેવાયો  છે.
રવિવારની સવારે સાત સભ્યનું પ્રતિનિધિ મંડળ વાતચીત શરૂ કરશે. અમે બાર કાઉન્સિલની ભાવનાથી વાકેફ કરી ન્યાયમૂર્તિઓને આ મામલાના સત્વરે તેમજ શાંતિપૂર્ણ ઉકેલ માટે અપીલ કરશું તેવું તેમણે ઉમેર્યું હતું.
બારના વરિષ્ઠ સભ્યોની મદદની જરૂર હોય તો અમે તૈયાર છીએ. ન્યાયતંત્ર પર લોકોના અતૂટ વિશ્વાસ છે, જે તૂટે તેવું કંઇ અમે થવા નહીં દઇએ તેવું મિશ્રાએ કહ્યું હતું.
આ મુદ્દે રાજનેતાઓએ રાજકારણ ન કરવું જોઈએ તેવી ટકોર કરવામાં આવી હતી. બારના ચેરમેન મનનકુમાર મિશ્રાએ કહ્યું હતું કે, જાહેર મંચ પર જવાને બદલે આ બાબતનું આંતરિક રીતે નિરાકરણ લાવી શકાયું હોત. આ તો ખેદજનક છે. 
જો સર્વસંમતિ સાધી ન શકાય તો અન્ય જજો કે બાર કાઉન્સિલના સભ્યોને ય આમાં સાંકળી શકાયા હોત. જાહેર મંચ પર તેની ચર્ચા થવી જોઈતી ન હતી. આ તો ખેદજનક છે. આના પરિણામે તો ન્યાયતંત્ર અને તે પછી લોકશાહી નબળા પડશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer