દહાણુના દરિયામાં બોટ ઊંધી વળી જતાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થિનીઓ ડૂબી ગઈ

દહાણુના દરિયામાં બોટ ઊંધી વળી જતાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થિનીઓ ડૂબી ગઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : પાલઘર જિલ્લાના દહાણુના દરિયાકિનારે એક ખાનગી બોટ ઊંધી વળી જતાં એમાં બેઠેલા 40માંથી ત્રણ ગુજરાતી વિદ્યાર્થિની ડૂબી ગઈ હતી અને પાંચ વિદ્યાર્થી હજી લાપતા છે. આ વિદ્યાર્થીઓ કૉલેજની પિકનિકમાં ગયા હતા.
દહાણુમાં  બોટ ડૂબી જવાના બનાવમાં 17 વર્ષની સોનલ ભગવાન સુરતી, જાહ્નવી હરીશ સુરતી અને સંસ્કૃતિ માહ્યાવંશી નામની કે. એલ. પોંદા જુનિયર કૉલેજની વિદ્યાર્થિનીઓનું મૃત્યુ થયું છે, જ્યારે બાકીના 32 વિદ્યાર્થીને સુખરૂપ બચાવી લેવાયા હોવાનું દહાણુ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુદામ શિંદેએ જણાવ્યું હતું. ત્રણેય વિદ્યાર્થિની દહાણુ તાલુકાના મસૌલી ગામની રહેવાસી હતી. વિદ્યાર્થીઓ સેલ્ફી લેતાં હોવાથી સંતુલન જતું રહેતાં હોડી ઊંધી વળી ગઈ હતી. સેલ્ફી લેવાના ચક્કરમાં વિદ્યાર્થીઓ એક જ બાજુ પર આવી જતાં બોટ નમીને ઊંધી વળી ગઈ હતી.
કૉલેજ વહેલી છૂટી જવાથી વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા દહાણુના પારનાકા બીચ પરથી પ્રાઈવેટ બોટમાં બેસીને જતા હતા ત્યારે થોડે દૂર પહોંચતા બોટ ઊંધી વળતાં તમામ ડૂબવા માંડ્યા હતા. વિદ્યાર્થીઓનો બચાવ... બચાવ...નો અવાજ સાંભળીને નજીકમાં માછલી પકડી રહેલા માછીમારો તાત્કાલિક એમની મદદે આવ્યા હતા. સદનસીબે બોટ દરિયાકિનારાથી નજીક જ ઊંધી વળી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
પાલઘરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ મંજુનાથ સિંગેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે 32 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે અને કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક માછીમારોની સહાયથી લાપતા વિદ્યાર્થીઓની શોધ ચાલી રહી છે. 
દહાણુના આંબેડકર નગર વિસ્તારના મસૌલીમાં રહેતાં સોનલ ભગવાન સુરતી, જાહ્નવી હરીશ સુરતી  અને સંસ્કૃતિના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા છે. પારનાકાની પોંદા સ્કૂલ એન્ડ જુનિયર કોલેજના 40 વિદ્યાર્થીઓ આ ખાનગી ફેરી બોટમાં સવાર હતા. બોટ ડૂબવા લાગતાં તેમણે સહાય માટે બૂમો પાડી હતી. સદનસીબે નજીકની બે બોટના માછીમારોએ તત્કાળ તેમને બચાવવાનો પ્રયત્ન કરતાં 32 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા. કોસ્ટ ગાર્ડે પણ તેમની બોટ અને વિમાન દ્વારા બચાવકાર્ય હાથ ધર્યું છે અને કોસ્ટલ પોલીસ સહિત અનેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ શોધકાર્યમાં જોડાયા છે. આજે સવારે લગભગ 11.30 વાગ્યે દહાણુના દરિયાકિનારેથી લગભગ વીસ માઈલ દૂર આ ઘટના બની હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer